તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
પંજાબની ‘વ્હીસ્કી' રાજકોટમાં ‘ગળા' નીચે ઉતરે તે પહેલા દરોડોઃ નવાગામમાં ૧૪.૫૮ લાખના દારૂ સાથે ૪ પકડાયા
હાથમાં છે આઇફોન, ગાડીમાં ‘વ્હીસ્કી', ગાડી હવે સીધી પોલીસ સ્ટેશને જવાની! બોલેરો અને ગોડાઉનમાંથી કુવાડવા રોડ પોલીસે કુલ રૂા.૧૮.૭૯ લાખનો મુદામાલ કબ્જે કર્યોઃ પીઆઇ એ.એન. જાની, એએસઆઇ ખોડુભા જાડેજા, વિપુલભાઇ, જયદિપભાઇ, ભાવેશભાઇ સહિતની ટીમનો દરોડો પાર્થ સોલંકી, અજમલ પરમાર, આશિષ ઝાપડીયા અને રાહુલ મકવાણાની ધરપકડઃ એક મજુર પાસે ‘આઇફોન' હતોઃ દારૂ ઉતારનાર-મંગાવનારની શોધ

રાજકોટ તા.૭: શહેરમાં દારૂ અને નશીલા પદાર્થોના ગેરકાયદે વેંચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવાઇ રહી છે. જે અંતર્ગત કુવાડવા રોડ પોલીસની ટીમે નવાગામમાં બાતમીના આધારે દરોડો પાડી ગોડાઉન અને વાહનમાંથી રૂા.૧૪.૫૮ લાખના દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને દબોચી લઇ દારૂ, વાહન સહિત કુલ રૂા.૧૮.૭૯ લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડિસીપી ઝોન-૧ હેતલ પટેલ એસીપી વી.બી. જાડેજાની સુચનાથી કુવાડવા રોડ પોલીસના પીઆઇ એ.એન. જાનીની રાહબરીમાં એએસઆઇ કે.વી. જાડેજા, કોન્સ. કુશલભાઇ જોષી, જયદીપભાઇ ધોળકીયા, જયપાલભાઇ બરારીયા, ભાવેશભાઇ મકવાણા, એલ.આર. જયેશભાઇ કાસીયાણીયા, અરવિંદભાઇ ગોહિલ અને પીન્ટુભાઇ હીરપરા સહિતની ટીમ સ્પેશીયલ ડ્રાઇવને લઇ પેટ્રોલીંગમાં હતી ત્યારે નવાગામ આણંદપરમાં તળાવવાળા રોડ પર કેશુબાપાના બગીચા પાસે શેરી નં.ર બંધ શેરીમાં આવેલા ગોડાઉનમાં અમુક શખ્સો ગોડાઉનમાંથી બોલેરો વાહનમાં અંગ્રેજી દારૂના જથ્થાની હેરાફેરી કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તે ગોડાઉનમાં દરોડો પાડયો હતો.
જયાં ગોડાઉન બહાર બોલેરો વાહનમાં ચાર શખ્સો બોક્ષ ભરતા નજરે પડતા પોલીસે તેને પકડી પુછતાછ કરતા પોતાના નામ પાર્થ શૈલેષભાઇ સોલંકી (ઉ.વ. ૧૯) આશીષ ઉર્ફે ધુપેશ ભગવાનજીભાઇ જાપડીયા (ઉ.વ. ર૩), રાહુલ મુકેશભાઇ મકવાણા (ઉ.વ.ર૧ રહે. ત્રણેય નવાગામ આણંદપર બસ સ્ટેન્ડ પાસે) અને અજમલ ગોવિંદભાઇ પરમાર (ઉ.વ. રપ રહે. નવાગામ રંગીલા સોસાયટી, ટીનાભાઇ ભરવાડની વાડીમાં) હોવાનું જણાવ્યું હતું ગોડાઉન આગળ બોલેરો વાહનની તલાશી લેતા તેમા પુઠાના બોક્ષમાં ભરેલી ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલી દારૂની ૩૮૪ બોટલ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે ગોડાઉનની ઝડતી કરતાં તેમાંથી રપ૩ર દારૂની બોટલ મળી આવી હતી જેથી પોલીસે વાહન અને ગોડાઉનમાંથી મળી રૂા. ૧૪.પ૮ લાખની કિંમતની દારૂની કુલ ર૯૧૬ બોટલ, ૪ લાખનું વાહન, ૩ એપલ-૧૩ સહિત ત્રણ મોબાઇલ, તાલપત્રી, ૧૧ બાચકા મળી કુલ રૂા. ૧૮.૭૯ લાખનો મુદામાલ કબ્જે કરી ચારેય શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે જણાવ્યું કે પકડાયેલા ચારેય શખ્સો શ્રમિકો છે. આ દારૂનો જથ્થો કયાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તે મામલે તપાસ શરૂ કરાઇ છે. તેમજ ગોડાઉન માલીક અને સંચાલકની પુછતાછ માટે કવાયત શરૂ કરાઇ છે.
(3:23 PM IST)










