News of Friday, 13th November 2026
રેલનગરના પાર્સલ ડિલીવરીમેન આદિલભાઇ મોગલનું બેડી પાસે બાઇક સ્લીપ થતાં મૃત્યુ
તેર દિવસની સારવાર કારગત ન નીવડીઃ ૩૩ વર્ષિય યુવાનના મોતથી દોઢ વર્ષના પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું: પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૧: રેલનગરમાં રહેતાં અને ઇ-કાર્ટ કંપનીના પાર્સલ ડિલીવરી કરવાનું કામ કરતાં યુવાનનું બેડી યાર્ડ નજીક બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. તેર દિવસ પહેલા તેને આ અકસ્માત નડયો હતો. સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ રેલનગર અવધ પાર્ક-૨માં રહેતો આદિલભાઇ હબીબભાઇ મોગલ (ઉ.વ.૩૩) નામનો યુવાન તા. ૩૦/૧૦ના રોજ બાઇક હંકારીને રાજકોટ મોરબી હાઇવે પર રાજકોટ તરફ આવતો હતો ત્યારે બેડી યાર્ડના ગેઇટ નજીક બાલગોપાલ હોટેલ પાસે બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેનું સારવાર દરમિયાન ૧૧મીએ મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના સંજયભાઇ કુમારખાણીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર આદીલભાઇ એક બહેન અને બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં દોઢ વર્ષનો એક દિકરો છે. તેઓ પાર્સલ ડિલીવરીનું કામ કરતાં હતાં. મારવાડી વિસ્તારમાં પાર્સલ વિતરણ કરી પરત આવતી વખતે બનાવ બન્યો હતો.
(12:19 PM IST)










