તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
આમ્રપાલી અન્ડર બ્રિજ પાસે કારની ઠોકરે ચડેલા રેલ્વેના સેકશન કંટ્રોલરને હેમરેજ, હાથમાં ફ્રેકચર
ગાંધીગ્રામ પોલીસે વર્ના કાર જીજે૦૧કેઝેડ-૨૯૧૧ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યોઃ ઘટનાના ફુટેજ વાયરલ થયા હતાં: કાર ચલાવતો હોવાની વિગતો સામે આવતાં પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૨: શહેરમાં બેફામ ગતિએ દોડતા વાહનો નિર્દોષ નાગરિકોની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે. આમ્રપાલી અંડરબ્રિજથી રૈયા ચોકડી તરફ જવાના રોડ પર રવિવારે સવારે એક કાર ચાલકે મોટરસાયકલ સવાર રેલવે કર્મચારીને પાછળથી જોરદાર ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં રેલવે કર્મચારીને માથાના ભાગે ગંભીર હેમરેજ અને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગાંધીગ્રામ પોલીસે કાળા કલરની હ્યુન્ડાઈ વર્ના કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવમાં ગંભીર ઇજા પામનાર કોઠી કમ્પાઉન્ડ ખાતે આવેલી રેલવેની ડિવિઝનલ કંટ્રોલ ઓફિસમાં સેક્શન કંટ્રોલર તરીકે ફરજ બજાવતા અને મુળ બિહારના વતની રાકેશકુમાર અર્જુનપ્રસાદ મથુરી (ઉ.વ. ૪૪, હાલ રહે. ક્રિષ્ના ધારા એપાર્ટમેન્ટ, જેક્શન પ્લોટ)ના પત્નિ સુલેખાકુમારી મથુરી (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી વર્ના કાર નં. જીજે૦૧કેઝેડ-૨૯૧૧ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સુલેખાકુમારીના પતિ રાકેશકુમાર મથુરી પોતાના નવા મકાનના કામ માટે મજૂરો લેવા પોતાનું મોટરસાયકલ જીજે૩૭સી-૪૨૪૭ લઈને સવારના પોણા આઠેક વાગ્યે નીકળ્યા હતા.
તેઓ જ્યારે આમ્રપાલી અંડરબ્રિજ તરફથી રૈયા ચોકડી બાજુ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પુરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી એક કાળા કલરની હ્યુન્ડાઈ કંપનીની વર્ના કાર આવી હતી અને તેના ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રાકેશકુમાર ફૂટબોલની જેમ ઉછળીને રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટયો હતો.
અકસ્માત બાદ એકત્રિત થયેલા સ્થાનિક લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ રાકેશકુમાર ઘરે પરત ન ફરતા અને ફોન ન ઉપાડતા તેમની પત્નિ સુલેખાકુમારી ચિંતામાં મુકાયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને અકસ્માત અંગેની જાણ કરતા પરિવાર હોસ્પિટલ દોડી ગયો હતો.
પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાકેશકુમારન ર્સ્ટલિંગ હોસ્પિટલમાં ખસેડાયા છે. અહિ તબિબોને રીપોર્ટ, નિદાન કરતાં એવુ જણાયું હતું કે અકસ્માતને કારણે રાકેશકુમારને માથામાં હેમરેજ થયું છે અને જમણા હાથમાં ગંભીર ફ્રેક્ચર આવ્યું છે. ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કાર સગીર ચલાવતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હોઇ પોલીસ તેના વાલી સામે પણ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. આ ઘટના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતાં. ગઇકાલે યોગ દિવસ હોઇ સગીર સહિતના છોકરાઓ યોગા કાર્યક્રમમાં ભાગ લઇ બાદમાં ઘરે જવા નીકળ્યા બાદ અકસ્માત સર્જાયાની ચર્ચાને પગલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(3:29 PM IST)










