News of Wednesday, 20th May 2026
સિવિલ હોસ્પિટલના તંત્રને જાગૃત કરવા માટે સિવિલના જ નિવૃત તબિબ ડો. ચાવડાને ઢોલ વગડાવવા પડયા!
અગાઉ પીએમજેએવાય યોજના, આઇઆરઇડી એપ્લીકેશન, જીઇએમ વેબસાઇટની જવાબદારી સંભાળતા હતાં: નિવૃત થયાના ૭ મહિના પછી પણ આ સાઇટમાંથી ડો. ચાવડાનું નામ, મોબાઇલ નંબર હટાવવામાં નહિ આવતાં ભારે હાલાકી

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં અગાઉ પીએમજેએવાય યોજના, આઇઆરઇડી એપ્લીકેશન સહિતની મહત્વની કામગીરી સંભાળતાં સિનીયર તબિબ ડો. મહેન્દ્ર સી. ચાવડા ગત ૩૧/૧૦/૨૫ના રોજ નિવૃત થઇ ગયા છે. આમ છતાં સિવિલ હોસ્પિટલની ઉપરોક્ત ત્રણેય ઓનલાઇન સેવામાંથી તેમનું નામ અને મોબાઇલ નંબર હજુ હટાવવામાં આવ્યા નથી. આ કારણે આ કામગીરી માટે લોકો તેમજ બીજા સંલગ્ન અધિકારીઓ, કર્મચારીઓ સતત તેમને ફોન કરતાં હોઇ નિવૃતી કાળમાં પણ તેઓ શાંતી લઇ શકતાં નથી કે પોતાનો નિવૃતી કાળ શાંતિથી પસાર કરી શકતાં નથી. આ વેબસાઇટ પરથી પોતાનું નામ, નંબર હટાવી હાલના અધિકારીના નામ ફોન નંબર ઉમેરવા ડો. ચાવડાએ સંબંધીતોને અનેક વખત ફોનથી, વ્હોટ્સએપથી અને રૂબરૂ રજૂઆત કરી છે. આમ છતાં નિવૃતીના સાત મહિના પછી પણ તેમનું નામ-નંબર નહિ હટાવાતાં અંતે આજે ડો મહેન્દ્ર સી. ચાવડા એક ઢોલીને લઇને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતાં અને તબિબી અધિક્ષકની ચેમ્બર નીચે ઢોલ વગડાવ્યા હતાં. આ વખતે સિક્યુરીટી સ્ટાફ સાથે પણ થોડી ચડભડ થઇ ગઇ હતી. બાદમાં તેમણે તબિબી અધિક્ષક સમક્ષ રજૂઆત કરી હતી.
(3:26 PM IST)










