News of Saturday, 10th October 2026
ગ્રીનલેન્ડ ચોકડીએ રાજકોટ-અમદાવાદ પાટાની ટેકસીના ચાલક કૈલાસ પર કડા-પાઇપથી હુમલો
સવારે સાડા ત્રણેક વાગ્યે અન્ય ટેકસીચાલક જેશીંગ રાતડીયા સહિતનાએ 'અહિથી મુસાફરો ભરશો તો અમદાવાદમાં ગાડી પકડાવી દઇશ' કહી હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૦: શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટેકસીચાલકો વચ્ચે મુસાફરો ભરવા મામલે માથાકુટના બનાવ અવાર-નવાર બનતાં રહે છે. દરમિયાન આજે વહેલી સવારે રાજકોટ-અમદાવાદ પાટાની ટેકસીના ચાલક ઘનશ્યામનગરના યુવાનને તે પોતાની ટેકસીમાં મુસાફર બેસાડતો હતો ત્યારે અન્ય ટેકસી ચાલકે અહિથી મુસાફરો ભરશો તો અમદાવાદમાં તમારી ગાડી પોલીસ પાસે પકડાવી દઇશ કહી ઝઘડો કરી બીજા શખ્સોને બોલાવી લોખંડના પાઇપ અને હાથમાં પહેરવાના કડાથી હુમલો કરી યુવાનને લોહીલુહાણ કરી નાંખતાં સારવાર માટે દાખલ કરાયો છ.ે
જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ ઘનશ્યામનગરમાં રહેતો કૈલાસભાઇ દેવરાજભાઇ ચારણ (ઉ.વ.૩૦) નામનો યુવાને સવારે સાડા ત્રણેક વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડીએ હતો ત્યારે જેસીંગભાઇ રાતડીયા અને તેની સાથેના વિપુલ સહિતના પાંચેક શખ્સોએ ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી તેમજ હાથમાં પહેરવાના કડાથી અને લોખંંંડના પાઇપથી આડેધડ માર મારતાં માથા, શરીરે ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને કરી હતી.
કૈલાસભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાનો છે. તેણે કહ્યું હતું કે પોતે દરરોજ રાજકોટ-અમદાવાદ પાટે ટેકસી ચલાવે છે. ગ્રીનલેન્ડ ચોકડીએથી તે સવારે મુસાફરો બેસાડતો હતો ત્યારે અન્ય ટેકસી ચાલક જેસીંગભાઇ રાતડીયાએ અહિથી મુસાફરો ભરવાની ના પાડી હતી અને આ સ્થળેથી પોતે જ બધા મુસાફરો ભરશે તેમ કહી ઝઘડો કર્યો હતો. તેમજ જો તમે અહિથી ગાડી રવાના કરશો તો અમદાવાદમાં પોલીસ પાસે તમારી ગાડી પકડાવી દઇશ તેમ કહી માથાકુટ કરી હતી. આ પછી ફોન કરતાં વિપુલ સહિતના શખ્સો કારમાં આવ્યા હતાં અને હુમલો કર્યો હતો. તેના દિકરી પોલીસમાં હોવાનું પણ તે બધાને કહેતાં હોવાનું જણાવાયું હતું. આક્ષેપો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(3:46 PM IST)










