<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

રાજકોટ-અમદાવાદ સીકસલેનઃ રાજકોટ પાદરે ટોલનાકુ ઉભા કરવાની કાર્યવાહીથી દરરોજ ૧ થી ર કિમી વાહનોના થપ્‍પા !!

એક જાગૃત નાગરીકે વિડીયો વાયરલ કર્યોઃ ફલાઇટ ચુકી જવાનો ગંભીર પ્રશ્ન : દરરોજ ટ્રાફિક જામથી મુસાફરોમાં પ્રચંડ રોષઃ સાંસદો-ધારાસભ્‍યોને આ અંગે દરમિયાનગીરી કરવા અપીલ

રાજકોટ, તા. ૧રઃ છેલ્લા ૮ થી ૧૦ વર્ષથી રાજકોટ-અમદાવાદ સીકસલેન નેશનલ હાઇવે બની રહયો છે. હજુ પુરો થયો નથી, અને દરરોજ ટ્રાફીક જામના પ્રશ્નો ઉદભવી રહયા છે. આ બાબતે અનેક વખત રજુઆતો થઇ પણ કોઇ હલ થયો નથી.

ઉપરોકત રાજકોટ-અમદાવાદ સીકસ લેનમાં હવે નવુ પરિણામ ઉમેરાયું છે. નેશલ હાઇવે ઓથોરીટી આ હાઇવે ઉપર જ રાજકોટની પાદરે માલિયાસણ-કુવાડવા વચ્‍ચે જબરૂ ટોલનાકુ ઉભુ કરી રહયું છે. આ ટોલનાકાની કાર્યવાહી શરૂ થતા હવે દરરોજ ૧ થી ર કિમી સુધી વાહનોના થપ્‍પા લાગી જાય છે. દરરોજ વાહનોના ટ્રાફિક જામથી મુસાફરો કંટાળી ગયા છે. પ્રચંડ રોષ વ્‍યાપી ઉઠયો છે. પરંતુ કશું નિરાકરણ નથી. રાજકોટ કલેકટરે ફરિયાદ-સંકલનની આગામી બેઠકમાં આ પ્રશ્ન સંદર્ભે નેશનલ હાઇવે ઓથોરીટીના જવાબદારો પાસેથી જવાબ લેવો જરૂરી બન્‍યો છે.

આ ટ્રાફીક જામમાં ફસાયેલા એક ફોર વ્‍હીકલના માલિકે આખો ટ્રાફિક જામનો વિડીયો વાયરલ કર્યો છે. તેમણે અપીલ કરી છે કે રાજકોટની પાદરે ટોલનાકુ બનાવવું કોઇ જરૂરી નથી. હજુ તો ટોલનાકુ બન્‍યુ નથી ત્‍યાં દરરોજ ૧ થી ર કિમીની ટ્રાફિક જામની સ્‍થિતી સર્જાય છે. તો ટોલનાકુ બન્‍યા પછી દશા આનાથી પણ ખરાબ થશે. રાજકોટવાળાઓ ટ્રાફિકની આ ગંભીર સમસ્‍યા ખાસ જુએ તે જરૂરી બન્‍યું છે.

આ નાગરીકે અપીલ કરી છે કે સાંસદ પરષોતમભાઇ રૂપાલા, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, દર્શીતાબેન શાહ વિગેરે આગેવાનો રાજકોટની પાદરે નવા બની રહેલા આ ટોલનાકા અંગે યોગ્‍ય કરે, દરમિયાનગીરી કરે તે જરૂરી બન્‍યું છે. રોજ ૧ થી ર કલાક ટ્રાફિક જામ થાય છે. પૈસા દેવાના અને ટાઇમ પણ બગાડવાનો તે કયાંનો ન્‍યાય, આ ટોલ નાકાની કાર્યવાહી પડતી મુકવી જોઇએ. જયાં ટોલનાકુ બની રહયું છે તેની આગળ ર૦૦ મીટરનો રસ્‍તો આવે છે તે ઉપરાંત ગોંડલ-ભરૂડી વાળો રસ્‍તો પણ હાઇે સામે જોઇન્‍ટ થાય છે. ત્‍યા ટોલનાકુ બનાવવું જરૂરી બન્‍યુ છે. તેમ આ નાગરીકે પોતાના બિડાણોમાં ઉમેર્યુ છે. તેમણે લાલબત્તી ધરતા જણાવ્‍યું છે કે આ ટ્રાફિક જામને કારણે હિરાસર એરપોર્ટ પહોંચવું દુર્લભ બની જાય છે. ફલાઇટ ચુકી જવાનો ભય ઉભો થઇ રહયો છે. આ બાબતે તમામ તંત્રે ગંભીરતાથી વિચારવું જરૂરી બન્‍યું છે.

(2:35 PM IST)