News of Sunday, 20th September 2026
રાજકોટના બિલ્ડર અને કોંગી આગેવાન મહેશભાઈ રાજપૂત સાથે સાથે રૂ. ૬૫ લાખની છેતરપિંડી
પોરબંદરના શખ્સ સામે પોલીસ ફરિયાદ: મિત્ર મારફતે સંપર્ક થતા હાથઉછીના નાણા આપ્યા હતાં: માલવીયાનગર પોલીસે રોમી માંજરીયા સામે ગુનો નોંધાયો

રાજકોટ: શહેરના નિર્મલા રોડ પર રહેતા અને યાજ્ઞિક રોડ પર 'વિનાયક બિલ્ડર' નામે ઓફિસ ધરાવતા મહેશભાઈ કલ્યાણજીભાઈ રાજપુત (ઉ.વ. ૫૩)ને પાંચ વર્ષ પહેલાં તેમના મિત્ર જય ખારા મારફતે પોરબંદરની ડોક્ટર સોસાયટીમાં રહેતા રોમી રાજેન્દ્રભાઈ મોરજરીયા સાથે ઓળખાણ થઈ હતી. રોમીએ ધંધાના કામ માટે એક મહિના માટે પૈસાની જરૂર હોવાનું કહેતા, મહેશભાઈએ વિશ્વાસ મૂકીને તેને રૂ. ૬૫ લાખ હાથઉછીના આપ્યા હતા. નાણાં મેળવ્યા સામે આરોપી રોમીએ પોતાની પેઢીના છ ચેક તથા એક પ્રોમિસરી નોટ લખી આપી હતી. પ્રોમિસરી નોટમાં તેણે એવી પણ બાંહેધરી આપી હતી કે જો તે નિયત સમયમાં નાણાં ન ચૂકવી શકે તો પોતાની પોરબંદર સ્થિત 'ઓપેલ પ્લાઝા-એ' નામના એપાર્ટમેન્ટમાં આવેલી બે દુકાનો મહેશભાઈના નામે કરી આપશે.
એક મહિનો વીતી ગયા બાદ પણ નાણાં પરત ન મળતાં મહેશભાઈએ દુકાનો અંગે ખાતરી કરાવી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે તે બંને દુકાનો પર અગાઉથી જ બેંક લોન ચાલુ હતી અને બેંકે તેને સીલ કરી દીધી હતી. આ અંગે મહેશભાઈએ ઉઘરાણી કરતાં રોમી અવનવા બહાના કાઢવા લાગ્યો હતો અને અંતે સંપર્ક તોડી નાખ્યો હતો. રૂ. ૬૫ લાખ પરત ન આપી છેતરપિંડી આચર્યાનું સ્પષ્ટ થતાં મહેશભાઈએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઇ જે.એમ કૈલાની રાહબરીમાં તપાસ થઈ રહી છે.
(10:12 AM IST)










