તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
રાજકોટ શહેર એસઓજી સતત બીજા દિવસે ત્રાટકી: ફ્રુટ અને શાકભાજીના ધંધાર્થી ઇબ્રાહિમ ઉર્ફે ટિકડો અને ઈરફાન ઉર્ફે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા : જુઓ વિડિયો
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની રાહબરીમાં પીઆઇ એન. બી. ચૌધરી, પીએસઆઇ વી.વી.ધ્રાંગુની ટીમની બામણબોર પાસે કામગીરી: હેડકોન્સ. હાર્દિકસિંહ પરમાર તથા . દિગ્વિજયસિંહ ગોહિલની બાતમી

રાજકોટ: શહેર વિસ્તારમાં નશાના કાળા કારોબાર અને નાર્કોટિક્સ પદાર્થોના વેચાણ પર રોક લગાવવા માટે “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર બામણબોર ગામ પાસે એસઓજીની ટીમે બે શખ્સને એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હાર્દિકસિંહ જગતસિંહ પરમાર તથા હેડકોન્સ. દિગ્વિજયસિંહ ગોહિલને ચોક્કસ સંયુક્ત બાતમી મળી હતી. બાતમી આધારે અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર બામણબોર ગામ પાસે આ કાર્યવાહી થઈ છે. પોલીસે પકડાયેલા બંનેની અંગજડતી લેતા તેમની પાસેથી ૩૮.૬૭ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી. ડ્રગ્સ) જેની કિંમત રૂ. ૧,૧૬,૦૧૦, રૂ. ૧૦,૦૦૦ની કિંમતના ૨ મોબાઈલ ફોન અને રૂ. ૬૦૦ રોકડા મળીને કુલ રૂ. ૧,૨૬,૬૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં ઇબ્રાહીમ ઉર્ફે ટીકડો ઉર્ફે શાહબાઝ રજાકભાઇ શેખ (ઉ.વ.૨૩, ધંધો: ફ્રુટનો વેપાર, રહેવાસી: જંગલેશ્વર, ભવાનીચોક તેમજ ભગવતીપરા આવાસ, રાજકોટ) અને ઇરફાન ઉર્ફે બમ ઇબ્રાહીમભાઇ કુરેશી (ઉ.વ.૩૬, ધંધો: યાર્ડમાં શાકભાજીનો વેપાર, રહેવાસી: બેપીરના ખાડિયામાં, જુનાગઢ)નો સમાવેશ થાય છે. આ મામલે રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઇબ્રાહીમ ઉર્ફે ટીકડો અગાઉ રાજકોટના માલવીયાનગર અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ લૂંટ/ઈજા અને NDPS એક્ટ હેઠળના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે, જ્યારે ઇરફાન ઉર્ફે બમ જુનાગઢ એ-ડિવિઝનમાં જુગાર ધારા હેઠળના ગુનાઓમાં ચોંપડે ચડી ચૂક્યો છે. આ પકડાયેલ પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ એફ.એસ.એલ. અધિકારી કે.એમ.તાવીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કામગીરી શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ન માંડલિક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા, મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ તેમજ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌધરી અને પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુની રાહબરીમાં પાર પાડવામાં આવી હતી. જેમાં એ.એસ.આઈ. અરૂણભાઇ બાંભણીયા, ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઇ રાઠોડ, પો.હેડ.કોન્સ. હાર્દિકસિંહ પરમાર, દિગ્વિજયસિંહ ગોહિલ, પો.કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા, મહિલા પો.કોન્સ. મોનાબેન બુસા, ડ્રા. પો.હેડ.કોન્સ. મહાવીરસિંહ જાડેજા તેમજ ડ્રા. પો.કોન્સ. નિર્મળસિંહ જયેન્દ્રસિંહની ટીમે કરી છે.
(8:02 PM IST)










