તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
રાજકોટ શહેર એસઓજીની કામગીરી; ૧૦ મહિનામાં NDPS એક્ટ હેઠળ કુલ 32 ગુના નોંધી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રાજકોટ પોલીસ
જાન્યુઆરી-2026 થી ઓક્ટોબર-2026 દરમિયાન ૨.૨૫ કરોડથી વધુના નશીલા પદાર્થો સાથે કુલ 46 આરોપીઓ ઝડપાયા: "Say No To Drugs" મિશન અંતર્ગત નશાના કારોબારીઓ સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ: પોલીસ કમિશનર બ્રજેશશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી બી.બી. બસિયાની રાહબરીમાં પીઆઇ એન.બી. ચૌધરી અને ટીમની કામગીરી

રાજકોટ: શહેરમાં નશાના કારોબારીઓ સામે કાયદાનો સકંજો વધુ કડક બનાવવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય મંડલીક તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશનરશ્રી ભરત બી. બસીયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર વિસ્તારમાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી અટકાવવા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ સઘન ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌધરીની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખા દ્વારા જાન્યુઆરી-2026 થી ઓક્ટોબર-2026 દરમિયાન નોંધપાત્ર કામગીરી કરીને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કેસો કરતી રાજકોટ શહેર એસ.ઓ.જી. શાખા બની છે.
આ દસ મહિનાની કામગીરી દરમિયાન રાજકોટ શહેર એસ.ઓ.જી. શાખાએ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ કુલ 32 ગુના શોધી કાઢ્યા છે, જેમાં સંડોવાયેલા કુલ 46 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને કુલ ૨,૨૫,૬૭,૬૬૨ (રૂપિયા બે કરોડ પચીસ લાખ સડસઠ હજાર છસો બાહસઠ) ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વિગતવાર આંકડાકીય વિગતો જોઈએ તો, પોલીસે ગાંજાના 15 કેસમાં 301.૮૬ કિ.ગ્રામ વજનનો ₹ 15,06,375/- ની કિંમતનો જથ્થો કબજે કરી 20 આરોપીઓને પકડી પાડ્યા છે. આ ઉપરાંત, અફીણના 2 કેસમાં 2.૮૫ કિ.ગ્રામ વજનનો ₹ 1,43,250/- ની કિંમતનો જથ્થો જપ્ત કરી 03 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ, હાઇબ્રીડ ગાંજોના 2 કેસમાં 1.125 કિ.ગ્રામ અને 570 મિલીગ્રામ વજનનો ₹ 3,63,883/- ની કિંમતનો માલ ઝડપી 16 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મેફેડ્રોન (MD) ડ્રગ્સ અંગે સખ્તાઈ દાખવતા પોલીસે 12 કેસમાં 59.260 ગ્રામ વજનનું ₹ 17,88,870ની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરી 16 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. આ ઉપરાંત, પોસડોડાના 1 કેસમાં 16.300 કિ.ગ્રામ વજનનો 28,500નો મુદ્દામાલ જપ્ત કરી 1 આરોપી ઝડપાયો છે, તેમજ ચરસના કેસમાં 68.03 ગ્રામ વજનનો 2,507નો મુદ્દામાલ કબજે કરાયો છે.
રાજકોટ શહેર એસ.ઓ.જી. શાખા દ્વારા નશાના ગેરકાયદેસર કારોબાર સાથે સંકળાયેલા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે. તેમજ રાજકોટ શહેર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે નશીલા પદાર્થોના વેચાણ કે હેરાફેરી અંગે કોઈ પણ માહિતી મળે તો પોલીસને જાણ કરી નશામુકત સમાજના નિર્માણમાં સહભાગી બને.
(5:58 PM IST)










