News of Tuesday, 21st April 2026
રાજકોટ કોર્પોરેશન-જીલ્લા-તાલુકા પંચાયતના EVM કમિશનિંગની પ્રક્રિયા પૂરી કરી લેવાઇઃ તમામ બૂથ આવરી લેવાયાઃ કલેકટરનું ચેકીંગ

રાજકોટઃતા.૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી- ૨૦૨૬ના મતદાન અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડ માટે ઈવીએમ કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાઇ છે.
વિરાણી સ્કૂલ કેમ્પસમાં આયોજિત આ ઈવીએમ કમિશનિંગ પ્રક્રિયામાં ઉમેદવારોની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી વોર્ડ પ્રમાણે કમિશનિંગ કરવામાં આવ્યું હતું. ૧૮ ટેબલમાં ૯૦ કર્મચારીઓના સ્ટાફ સાથે ૧૭૧ બૂથ અને ૨૦ ટકા રીઝર્વ મશીનોનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું. કમિશનિંગ દરમિયાન ઈવીએમ મશીનમાં બેલેટ પેપર સેટ કરવા અને મશીનોનું સીલિંગ કરવા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશે સમગ્ર કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે. મુછાર, આ ત્રણેય વોર્ડના ચૂંટણી અધિકારી શ્રી અજય ઝાપડા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતની ૬ બેઠકો તેમજ તાલુકા પંચાયતની ૨૧ બેઠકોના ઇવીએમ કમીશનીંગની કામગીરી સરકારી પોલીટેકનીક કોલેજ રાજકોટ ખાતે હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કુલ ૩૯૭ ઇવીએમ મશીન-રીઝર્વ મશીનનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી સુશીલ પરમાર તથા મદદનીશ ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કામગીરીમાં ૧૦૦ જેટલા અધિકારી/કર્મચારીઓ જોડાયા હતા. તેમજ નિરીક્ષણ માટે અલગ અલગ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તથા ઉમેદવારોએ ઉપસ્થિત રહ્યા હતા
(3:10 PM IST)










