<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

રાજકોટ જીલ્લામાં રોગચાળા સામે તંત્ર સજ્જઃ તાકીદે પગલા લેવા ૧૧ રેપીડ રિસ્‍પોન્‍સ ટીમ ઉતારાઇઃ પુરતી દવાઃ પાણીના નમુના લેવાશે

 

રાજકોટ, તા., ૧૪:  રાજકોટ જિલ્લામાં ચોમાસામાં પાણીજન્‍ય અને મચ્‍છરજન્‍ય રોગચાળો ફેલાતો રોકવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્‍ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્‍યું છે.

રોગચાળાની સ્‍થિતિમાં લોકોને ઝડપથી તબીબી સારવાર મળી રહે તે માટે જરૂરી મેડીકલ ટીમોની રચના કરવામાં આવી છે. આ સાથે આરોગ્‍ય કેન્‍દ્રોમાં તથા જિલ્લા સ્‍તરે પૂરતા પ્રમાણમાં આવશ્‍યક દવાઓ, ઈન્‍જેક્‍શનો, જંતુનાશક દવાઓ તેમજ કલોરીન પાઉડર સહિતનો જરૂરી તમામ જથ્‍થો રાખવામાં આવ્‍યો છે.

નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં પીવાના પાણીનાસ્ત્રોતોમાં સતત ક્‍લોરીનેશન કરવામાં આવે છે. પાણીની ગુણવત્તા જાળવવા અને પ્રદૂષિત પાણીના કારણે રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્‍ય વિભાગની ટીમો દ્વારા સમયાંતરે જુદા-જુદા વિસ્‍તારોમાંથી પાણીના નમૂના લેવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કોઈપણ ઈમરજન્‍સી સ્‍થિતિને પહોંચી વળવા માટે રાજકોટ જિલ્લાના દરેક તાલુકાદીઠ એક, એમ કુલ-૧૧ રેપિડ રિસ્‍પોન્‍સ ટીમ (RRT) ની વિશેષ રચના કરવામાં આવી છે.  આરોગ્‍ય ક્ષેત્રે કોઈપણ પ્રકારની દુર્ઘટના કે કટોકટીની પરિસ્‍થિતિ સર્જાય ત્‍યારે તાત્‍કાલિક ધોરણે જિલ્લાકક્ષાએ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી તથા એપેડેમિક મેડીકલ ઓફિસરને જાણ કરવા તમામ સ્‍થાનિક તબીબો અને આરોગ્‍યકર્મીઓને સૂચના આપવામાં આવી છે.

આ સમગ્ર કામગીરીના વ્‍યવસ્‍થિત મોનિટરિંગ, સંકલન અને નાગરિકોની સહાયતા માટે ચોવીસ કલાક કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્‍યા છે.

(11:46 AM IST)