હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ દવાના વેપારીઓ લાલઘૂમઃ બંધ જડબેસલાક
ઓનલાઇન ફાર્મસી, ડુપ્લીકેટ દવાઓ, ડીપ ડીસ્કાઉન્ટ મુદે જબ્બરદસ્ત વિરોધ પ્રદર્શન : શહેરના ૧૬૦૦ મેડીકલ સ્ટોર્સની સંપુર્ણ હડતાલઃ ઇમરજન્સી માટે કેમીસ્ટ એસો. દ્વારા આગવી વ્યવસ્થા કરવામાં આવીઃ હેલ્પલાઇન નંબરનો ઘણા દર્દીઓએ ઉપયોગ કર્યો : કેમીસ્ટોની યોગ્ય માંગણીનો સરકાર વહેલી તકે નિર્ણય કરે તે ઇચ્છનીયઃ મયુરસિંહ જાડેજા : ‘ડુપ્લીકેટ દવા સામે લડત - દર્દીઓની સુરક્ષા માટે સંકલ્પ' સૂત્રને ચરીતાર્થ કરવા માટે જરા પણ પાછીપાની નહીં: અનિમેષ દેસાઇ

રાજકોટ, તા.૨૦: ઓનલાઇન ફાર્મસી દ્વારા બિન-નિયમિત દવા વેચાણની શકયતા, ડુપ્લીકેટ-સ્ફુરીયસ દવાઓ દ્વારા દર્દીઓના આરોગ્ય ઉપર ગંભીર અસરની પ્રબળ સંભાવના, કોર્પોરટ-ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા અપાતું ડીપ-ભારે ડીસ્કાઉન્ટ સહિતના મુદ્ે રાજકોટના ૧૬૦૦ જેટલા દવાના વેપારીઓ (રીટેલર્સ-હોલસેલર્સ- સર્જીકલ સ્ટોકીસ્ટસ) લાલઘૂમ થઇ ગયા છે. અને સમગ્ર દેશની દવાબજારના દેશ-વ્યાપી બંધમાં પોતાની દુકાનો-મેડીકલ સ્ટોર્સ જડબેસલાક બંધ રાખ્યા હતા.
રાજકોટ કેમીસ્ટ એસોસીએશનના નેજા હેઠળ શહેરના તમામ કેમીસ્ટોર્સ આજે સવારે મોટી ટાંકી ચોક ખાતે રોષભેર જબ્બરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને પોતાની યોગ્ય માંગણીઓ સંદર્ભે સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો હતો. ઇમરજન્સીમાં દર્દીઓ કે તેના સગા વ્હાલાઓને દવા મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે કેમીસ્ટ એસોસીએશન રાજકોટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અમુક મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રાખવાની આગવી વ્યવસ્થા કરવામાં આવી હતી.સાથે-સાથે સંસ્થાના કારોબારી સભ્યોના મોબાઇલ નંબર-હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા. હેલ્પલાઇન નંબરનો પણ ઘણા દર્દીઓએ ઉપયોગ કર્યો હતો અને કોલ સંદર્ભે કેમસ્ટ એસો.રાજકોટ દ્વારા દર્દીઓને દવાઓની તાબડતોબ વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી.
ઓનલાઇન ફાર્મસી, ડુપ્લીકેટ દવાઓ, ડીપ ડીસ્કાઉન્ટ, નાના વેપારીઓનું ભવિષ્ય, વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૦નું ઓનલાઇન ફાર્મસી સંદર્ભેનું નોટીફીકેશન સંદર્ભે દવાના વેપારીઓની વિવિધ માંગણીઓ સંદર્ભે સરકાર વહેલી તકે યોગ્ય-હકારાત્મક નિર્ણય કરે ઇચ્છીનય હોવાનું ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ (AIOCD)ના ઉપપ્રમુખ, સોૈરાષ્ટ્ર-કચ્છ તથા રાજકોટ કેમીસ્ટસ એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ અકિલાને જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા વખતથી કેમીસ્ટોની વિવિધ માંગણીઓ સંદર્ભે સરકારના સંબંધિત વિભાગોમાં રજુઆતો કરવામાં આવી રહી છે. જયા સુધી માંગણીઓનો યોગ્ય નિકાલ નહી આવે ત્યાં સુધી સતત લડત ચાલુ રાખવાનું પણ તેઓએ અંતમાં જણાવ્યું હતું.
‘ડુપ્લીકેટ દવા સામે લડત-દર્દીઓની સુરક્ષા માટે સંકલ્પ' ના સૂત્રને ચરીતાર્થ કરવા માટે સંસ્થા દ્વારા જરા પણ પાછી પાની નહીં થાય તેવું સોૈરાષ્ટ્ર-કચ્છ તથા કેમીસ્ટ એસોસીએશન રાજકોટના મંત્રી અનિમેષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્યું હતું. સંગઠન તાકાતરૂપી કેમીસ્ટ એકતા તથા સ્વસ્થ સમાજનું નિર્માણ તે સંસ્થાનું ધ્યેય હોવાનું પણ તેઓએ અંતમાં જણાવ્યું હતું.
દવાના બિઝનેસમાં ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) તથા નેશનલ ફાર્માસ્યુટીક પ્રાઇસીંગ ઓથોરીટી (ફભ્ભ્ખ્) અંતર્ગત ફીકસ માર્જીન છે. ધ્યાનમાં રાખીને કોર્પોરેટ-ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા અપાતું ભારે-ડીપ ડીસ્કાઉન્ટ કેવી રીતે શકય બને? દવાબજારમાં નાના વેપારીઓના અસ્તિત્વ સામે જોખમની શકયતા, વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૦નું ઓનલાઇન ફાર્મસી અંગેનું નોટીફીકેશન (હવે તો કોરોના કાળ પણ પૂર્ણ થઇ ગયો છે.) પરત લેવું, ઓનલાઇન ફાર્મસી સંદર્ભે ડોકટર્સના પ્રિસ્ક્રીપ્શનની યોગ્ય ખરાઇ થાય છે કે નહી? સહિતના મુદ્ાઓ સંદર્ભે દવાના વેપારીઓએ રોષભેર-શાંતિપૂર્ણ બંધ પાળ્યું હતું તેવું જાણવા મળે છે.(૬.૧ર)










