તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
રાજકોટ-ગોંડલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: રીબડા SGVP સ્કૂલ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે ટક્કરમા એકનું મોત
રીક્ષા ચાલકને સામાન્ય ઈજા; ગોંડલ તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો

(બી.એમ.ગોસાઈ દ્વારા)ખીરસરા તા.૩૦ : રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રીબડા ગામ નજીક આવેલી SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે બજાજ રીક્ષા અને હોન્ડા બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે આશરે 9 વાગ્યાના સુમારે હોન્ડા બાઈક ચાલક રાજકોટ તરફથી ગોંડલ તરફ જઈ રહ્યો હતો. તે જ સમયે રીબડા SGVP સ્કૂલના ગેટ પાસે સામેથી આવી રહેલી બજાજ રીક્ષા સાથે બાઈક ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો અને તેને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ ઈજાગ્રસ્ત યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યું હતું. રીક્ષા ચાલકને પણ સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ગોંડલ તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સૌપ્રથમ ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં ખસેડ્યા હતા. પોલીસે મૃતકની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે બંને વાહનો કબજે લઈને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રીબડા SGVP સ્કૂલ નજીકનો આ હાઇવે પટ્ટો અકસ્માત ઝોન બની ગયો છે. સ્કૂલના સમયે વિદ્યાર્થીઓની અવરજવર અને હાઇવે પર વાહનોની ભારે સ્પીડને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ગ્રામજનોએ આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર અને ટ્રાફિક સિગ્નલ મુકવાની માંગ કરી છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આસપાસના CCTV ફૂટેજ ચકાસવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
(4:05 PM IST)










