News of Saturday, 21st November 2026
રાજકોટ ફ્રેન્ચ પટીસરીની કળા લઈને આવી રહ્યું છે ‘લા પટીસરી ૨૦': દીપાલી મોરે
‘લા પટીસરી ૨૦'નાં માધ્યમથી રાંધણકળામાં સર્જનાત્મકતાનું દર્શનશાસ્ત્ર સ્વાદપ્રેમીઓ સુધી પહોંચશેઃ કાદમ્બરી દેવીજી : રાજકોટ શહેરનાં સ્વાદપ્રેમીઓને રાજવી પરિવાર તરફથી નવલું નઝરાણું અર્પણ થશે -ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા

રાજકોટઃ ફ્રેન્ચ રાંધણકળાની કલાત્મકતા અને રાજકોટના સમૃદ્ધ શાહી વારસાના અતુલ્ય સંગમરૂપે વડોદરાની નામાંકિત આર્ટિઝનલ પેસ્ટ્રી બ્રાન્ડ 'લા પટીસરી ૨૦' શુદ્ધત્તમ અને લિજ્જતદાર પેસ્ટ્રીઝના માધ્યમથી ઐતિહાસિક દરબારગઢ મ્યુઝિયમ, ખાતે આવી પહોંચી છે. વિશ્વ વિખ્યાત શેફ દીપાલી મોરે દ્વારા સ્થાપિત 'લા પટીસરી ૨૦' હાથો વડે જ બનાવેલી પેસ્ટ્રીઝ, તેનાં ઉત્કૃષ્ટ સ્વાદ અને પરંપરાગત ફ્રેન્ચ પેસ્ટ્રી બનાવવાની પદ્ધતિઓ પ્રત્યેની અપાર નિષ્ઠા માટે જાણીતાં છે. રાજકોટ ખાતે તેમનું આગમન તેમની વિશેષ સેવા સફરમાં એક નવો અને રોમાંચક અધ્યાય ઉમેરવાની સાથે રાજકોટ દરબારગઢ મ્યુઝિયમના ભવ્ય પરિસર ખાતે 'લા પટીસરી ૨૦' ગ્રાહકોને ભવ્ય ઇતિહાસ, સ્થાપત્ય અને કાલાતીત લાવણ્યથી ભરપૂર વાતાવરણમાં અસાધારણ વાનગીઓ અને કોફીનો નિજાનંદી સ્વાદ માણવાની અનૂઠી તક સાથે શહેરના હૃદયસ્થાન સમા સ્થળે એક વિશિષ્ટ ફ્રેન્ચ કાફેની અનુભૂતિ પણ કરાવશે.
રાજકોટ રાજવી પરિવાર અને 'લા પટીસરી ૨૦' નાં સંયુક્ત સાહસની વધુ વિગતો આપતાં રાણી સાહેબા શ્રીમતી કાદમ્બરી દેવીજીએ જણાવ્યું હતું કે અમૂલ્ય શાહી મિલકતને સાંસ્કૃતિક મૂલ્યાંકન સાથે જ જાહેર જોડાણ માટેનાં કેન્દ્રમાં પરિવર્તિત કરીને ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ દરબારગઢ મ્યુઝિયમના માધ્યમથી રાજકોટના ભવ્યાતિભવ્ય ઇતિહાસ અને ભાવિ પેઢીઓની વચ્ચે એક કાયમી સેતુનું નિર્માણ કરીને આપણી નવી પેઢીને રાજકોટના સામાજિક, સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક વારસાને સમજવાની, ભૂતકાળની ભવ્ય કથાઓ જાણવાની અને પોતાના શહેરની ઓળખના એક મહત્વપૂર્ણ હિસ્સાનો અનુભવ કરવાની અદ્વિતીય તક પુરી પાડી છે ત્યારે દરબારગઢ મ્યુઝિયમ ખાતે 'લા પટીસરી ૨૦'નો શુભારંભથી રાંધણકળા પ્રત્યેની ઉત્કટતાને ભારતીય સ્થાપત્ય કલા અને સાંસ્કૃતિક વિરાસત પ્રત્યેના સન્માનની સાથે અનુબંધિત કરી શકાશે એવી મને શ્રદ્ધા છે.
વિખ્યાત શેફ શ્રીમતી દીપાલી મોરેએ જણાવ્યું હતું કે ‘લા પટીસરી ૨૦' એ માત્ર એક કાફે જ નહીં, પરંતુ દરબારગઢ મ્યુઝિયમ ખાતે એક એવું સ્થળ બનવાની મહેચ્છા ધરાવે છે જ્યાં ભાઈબંધો, સ્નેહીજનો, પરિવારજનો અને મુલાકાતીઓ ખાણીપીણીના શોખીનો એકત્ર થઈ શકે, તેનાં વિશેષ પ્રસંગોની ઉજવણી કરી શકે અને શાહી વારસાના વાતાવરણમાં ફ્રેન્ચ કાફે સંસ્કૃતિનો ભરપૂર આનંદ માણી શકે. રાજકોટ શહેર સ્થિત ઐતિહાસિક દરબારગઢની ભવ્યતા તેમજ ફ્રેન્ચ રાંધણકળાની એક અભિજાત્યપૂર્ણતા નો સમન્વય એ ભિન્ન કહી શકાય તેવી બે દુનિયાઓને એક જ સ્થાન પર લાવશે અને એક અનોખા પ્રકારનો અનુભવ પ્રદાન કરશે. 'લા પટીસરી ૨૦' રાજકોટ ખાતે હાથો વડે બનાવવામાં આવેલી ફ્રેન્ચ 'એન્ટ્રેમેટ્સ' નાજુક 'મેકારુન્સ' સવિશેષ કેક, ફ્રેન્ચ પેસ્ટ્રી 'વિચેનોઝરી' તાજી બેક કરેલી બ્રેડ, સ્વાદિષ્ટ વાનગીઓ, વિશિષ્ટ કોફી અને કાળજીપૂર્વક તૈયાર કરાયેલાં પીણાંની એક ઉત્કૃષ્ટ શ્રેણી રજૂ કરનાર છે. પ્રત્યેક વાનગીમાં એક પ્રકારનો એવો અભિગમ નજરે પડશે જેમાં પરંપરાગત કારીગરીની આધુનિક પ્રસ્તુતિનો સુમેળ સધાયો છે. ઝીણવટભર્યા સ્વાદિષ્ટ ડેઝર્ટ્સથી લઈને ફ્રેન્ચ પેસ્ટ્રી સુધીની કાફેની વિશિષ્ટ વાનગીઓનું મેનુ પ્રત્યેક પ્રસંગને યાદગાર બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે.
યુવરાજ સાહેબ શ્રી જયદીપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, ‘લા પટીસરી ૨૦' ના સર્જનાત્મક ચાલક બળ શેફ દીપાલી મોરે એક વ્યાવસાયિક સ્વરૂપે તાલીમ પામેલા એક ઉત્કૃષ્ટ પેસ્ટ્રી શેફ છે. તેમની આ રાંધણકળાની સફર ઉત્કટતા, દ્રઢતા અને ફ્રેન્ચ પેસ્ટ્રીકળા પ્રત્યેના અત્યંત ઊંડાણપૂર્વકના આદર ઉપર આધારિત છે. પેરિસની લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા 'લે કોર્ડન બ્લુ'ના સ્નાતક શેફ દીપાલીએ સને. ૨૦૧૫-૨૦૧૬ દરમિયાન બેકરી અને પેસ્ટ્રી ક્ષેત્રે ઉચ્ચ સ્તરીય કક્ષાનું વ્યાવસાયિક શિક્ષણ પ્રાપ્ત કર્યું એ દરમિયાન તેમણે ચોકસાઈ પૂર્વક ફ્રેન્ચ તકનીકોનાં શાસ્ત્રીય જ્ઞાન અને ઉત્કૃષ્ટ પ્રકારની પેસ્ટ્રીકળાના તત્ત્વદર્શન વિશે ગહનતા યુક્ત સંપૂર્ણ સમજ કેળવીને તેમની વૈયક્તિક તેજસ્વીતા સાથે એમની યોગ્યતા પુરવાર કરી હતી. ભારત પરત ફર્યા બાદ ભારતીય ગ્રાહકો સુધી અસલ ફ્રેન્ચ પટીસરી પહોંચાડવાનાં એકમાત્ર ઉદ્દેશ્યથી તેમણે પ્રાપ્ત કરેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ અને તેમની સર્જનાત્મક દ્રષ્ટિનો ઉપયોગ કરીને વડોદરામાં 'લા પટીસરી ૨૦' ની સ્થાપના કરી હતી. તેમના કાર્યમાં શાષીય તકનીકો, આધુનિક સ્વાદ, સુંદર પ્રસ્તુતિ અને ઝીણવટભરી વિગતોનું એક સુમેળભર્યું સંતુલન નિહાળવા મળે છે. રાજકોટ ખાતે તેનું વિસ્તરણ એ કેવળ એક નવું કાફે શરૂ કરવા પૂરતું જ સીમિત નથી પરંતુ ઐતિહાસિક કે સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ એવાં સ્થળોએ એક અર્થપૂર્ણ રાંધણ અનુભવોનું નિર્માણ કરવા માટેનાં તેમના દ્રષ્ટિકોણનો એક હિસ્સો પણ છે.
શહેરનાં સ્વાદપ્રેમી નગરજનો માટે દરબારગઢ મ્યુઝિયમનાં પ્રતિષ્ઠિત એવાં ઐતિહાસિક પરિસરમાં 'લા પટીસરી ૨૦' ને આવકારવા માટે મહારાણી સાહેબા અ.સૌ. શ્રીમતી કાદમ્બરી દેવીજીના નિર્ણયની સરાહના કરતાં શ્રી માંધાતાસિંહજીએ જણાવ્યું હતું દરબારગઢ મ્યુઝિયમ અને ‘લા પટીસરી ૨૦' વચ્ચેનું જોડાણ પ્રતિષ્ઠિત ઐતિહાસિક પરિસરની ગરિમા અને ઐતિહાસિક વારસાને જાળવી રાખીને રાજકોટીયન્સને આધુનિક સાંસ્કૃતિક અને રાંધણ અનુભવો પ્રદાન કરવા માટેની રાણી સાહેબની દૂરંદેશીતા, પ્રતિબદ્ધતા અને ગહન દ્રષ્ટિનું દર્શન દર્શાવે છે. દરબારગઢ મ્યુઝિયમ પરિસરમાં ‘લા પટીસરી ૨૦'ના આગમનથી એક વૈભવી અને ઐતિહાસિક સ્થળની મુલાકાતની સાથે જ રાજવી ઇતિહાસને જાણી શકાશે, વૈભવ વારસાને બિરદાવી શકાશે, ઉત્તમોત્તમ ભોજનનો આનંદ માણી શકાશે અને એક અસાધારણ કહી શકાય તેવાં વાતાવરણમાં યાદગાર ક્ષણો વિતાવી શકાશે તેમ કહીને અંતમાં જણાવ્યું હતું કે, જ્યાં સ્થાપત્ય, રાજવી વૈભવ વારસો, સંસ્કારિતા, ઐતિહાસિકતા, આતિથ્ય સત્કાર અને ખાદ્ય કલાનો સંગમ થાય છે એવા સ્થળે રાજકોટ મહાગરના નગરજનોનું સ્વાગત કરવા માટે અમો આતુર છીએ.
રાજવી પરિવારનાં ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા, રાણીસાહેબ શ્રીમતી કાદમ્બરીદેવીજી, રાજકુમારી સાહેબ સુશ્રી મૃદુલાકુમારીજી, યુવરાજ સાહેબ શ્રી જયદીપસિંહજી જાડેજા, યુવરાણી સાહેબ શ્રીમતી શિવાત્મિકાદેવીજી જાડેજા અને ‘ લા પટીસરી ૨૦'ના ઓનર્સ શેફ શ્રીમતી દીપાલી મોરે અને શ્રી રાહુલજીની સ-વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયેલાં ગરિમાપૂર્ણ ઉદઘાટન સમારોહમાં શહેરના લબ્ધ-પ્રતિષ્ઠિત નાગરિકો સર્વશ્રી રાજકુમાર શ્રી જગતસિંહજી રાઠૌર, કુમાર સાહેબ શ્રી પ્રાદિત્યસિંહજી વાળા, સુશ્રી મહિમાજી ચંપાવતી, સુશ્રી નિયતિ શાહ, શ્રી મૌલેશભાઇ ઉકાણી, શ્રી વિનેશ કુમાર પટેલ, શ્રી પરાક્રમસિંહજી જાડેજા, શ્રી દિલીપભાઇ લાડાણી, શ્રી કરણભાઇ શાહ, શ્રી જ્વલંત છાંયા, ડો. કલાધર આર્ય, શ્રીમતી અંજના આર્ય, શ્રી જય વસાવડા, શ્રી દિપકભાઇ રીંડાણી, ડો. જીગરસિંહજી જાડેજા, શ્રી વી. પી. વૈષ્ણવ, શ્રી મોહિતભાઇ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ચેતનભાઇ નંદાણી, આર્કિટેક્ટ શ્રી આશિષ ત્રાંબડીયા, ડો. જીમ્મી સરૈયા, સુશ્રી ક્રિષ્નલીલાજી, આર્કિટેક્ટ સુશ્રી શૈલીબેન ત્રિવેદી, પ્રિન્સિપાલ શ્રી યશ સક્સેના, શ્રી વિનોદ જોષી, શ્રી ધવલ ડોબરીયા, શ્રી સંદીપ મિયાત્રા, શ્રી જયમી દવે વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
સ્થળઃ દરબારગઢ પેલેસ મ્યુઝીયમ, દરબારગઢ ચોક, સોની બઝાર રાજકોટ, ૨૬ નવેમ્બરથી પ્રારંભ. સમય સવારે ૧૧ થી રાત્રે ૧૧, કાફે અને ઓન લાઈન ઓર્ડર માટે માત્ર રીઝર્વેશન ઉપર (મો.૯૫૭૪૨ ૪૨૦૨૦), પાર્કિંગ સુવિધા બેડી નાકા ગેટ, દરબારગઢ ચોક.(૪૦.૩૬)
(3:37 PM IST)










