તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
કાનુડાની કૃષ્ણલીલાના રંગે રંગાયું રંગીલું રાજકોટ મનપાની પ્રથમ ‘મટકી ફોડ’ સ્પર્ધામાં રાજકોટ શહેર પોલીસ પ્રથમ
આશાપુરા ગ્રુપ દ્વિતીય અને રાજકોટ સ્પોર્ટ્સ ક્લબ તૃતીય : છ ટીમો વચ્ચે જામ્યો દિલધડક મુકાબલો

રાજકોટ : જન્માષ્ટમીના પાવન પર્વે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમવાર ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ‘મટકી ફોડ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણભક્તિ, સંગીત અને યુવાનોના જોશ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં હજારો નગરજનોએ ઉપસ્થિત રહી દિલધડક રોમાંચ માણ્યો હતો.
તા. ૪ સપ્ટેમ્બરની રાત્રે યોજાયેલી સ્પર્ધામાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટ શહેર પોલીસે પ્રથમ સ્થાન મેળવી રૂ. ૧.૫૦ લાખનું ઇનામ જીત્યું હતું. આશાપુરા ગ્રુપ, નાની વાગુદડ-ધ્રોલે દ્વિતીય સ્થાન સાથે રૂ. ૧.૨૧ લાખ અને રાજકોટ સ્પોર્ટ્સ ક્લબે તૃતીય સ્થાન સાથે રૂ. ૧.૦૧ લાખનું ઇનામ મેળવ્યું હતું. વિજેતા તથા ભાગ લેનારી ટીમોને પુરસ્કાર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.
સ્પર્ધામાં કૃષ્ણલીલા ગ્રુપ-સુરત, મોટા વાગુદડ યુવા ગ્રુપ-ધ્રોલ, આદેશ યુવા ગ્રુપ-રાજકોટ કોઠારિયા, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ સ્પોર્ટ્સ ક્લબ અને આશાપુરા ગ્રુપ-નાની વાગુદડની ટીમોએ ભાગ લીધો હતો. ટીમોએ માનવ પિરામિડ રચી મટકી ફોડવાના પ્રયાસો કરતાં મેદાનમાં ભારે રોમાંચ સર્જાયો હતો.
કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, મટકી ફોડ સાહસ અને કૃષ્ણભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. મટકી ફોડ કોઈ એક વ્યક્તિના પ્રયાસથી સફળ થતી નથી, સમગ્ર ટીમનો સહયોગ જરૂરી છે. આ રમત આપણને ટીમવર્ક, એકતા અને પરસ્પર સહયોગનો સંદેશ આપે છે.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મેયર ડૉ. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર યોજાયેલી મટકી ફોડ સ્પર્ધામાં યુવાનોનો અભૂતપૂર્વ જુસ્સો જોવા મળ્યો છે. રાજકોટની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો છે.
આ પ્રસંગે ધારાસભ્યો ભાનુબેન બાબરીયા અને ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ સહિત કોર્પોરેટરો, આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને વધુ રોમાંચક બનાવવા વિશેષ તાલીમબદ્ધ ગોવિંદા ગ્રુપ દ્વારા ઊંચો માનવ પિરામિડ રચીને મટકી ફોડની સાહસિક રજૂઆત કરવામાં આવી હતી. ડી.જે. પર કૃષ્ણભક્તિના ગીતો, ભવ્ય લાઇટિંગ અને રંગબેરંગી શોભાસજ્જાએ સમગ્ર ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડને કૃષ્ણમય બનાવી દીધું હતું.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયાએ સ્વાગત કર્યું હતું, જ્યારે અંતે સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટે આભારવિધિ કરી હતી.
વિશેષરૂપે કાર્યક્રમના અંતે ઉપસ્થિત નગરજનો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરાળી પેટીસના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જન્માષ્ટમીના પર્વે યોજાયેલી આ અનોખી મટકી ફોડ સ્પર્ધાએ રાજકોટમાં કૃષ્ણભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો. કાનુડાની કૃષ્ણલીલાના રંગે રંગાયેલા રંગીલા રાજકોટમાં હજારો નગરજનોએ આ આયોજનને મનભરીને માણ્યું હતું.
(4:26 PM IST)










