તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 28th November 2026
રાજકોટ લાયન સફારી પાર્કનું કામ 90% પૂર્ણ છતાં અટક્યું: ₹7.94 કરોડની દરખાસ્ત પેન્ડિંગ રહેતા બે મહિનાથી કામગીરી ઠપ્પ
₹44.29 કરોડનું ભંડોળ પૂર્ણ થતાં એન્ટ્રન્સ પ્લાઝા અને સુવિધા માટે વધારાના ખર્ચની મંજૂરી અટકી; જૂન અને જન્માષ્ટમીની જાહેરાત છતાં લોકાર્પણ લંબાયું

રાજકોટ : રાજકોટ શહેરના પ્રદ્યુમન પાર્ક પાછળ 29 હેક્ટર જમીન પર બની રહેલા એશિયાટિક લાયન સફારી પાર્કનું અંદાજે 90 ટકા કામ પૂર્ણ થયા બાદ ફાળવાયેલું ₹44.29 કરોડનું ભંડોળ પૂરું થઈ જતાં અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ₹7.94 કરોડના વધારાના ખર્ચની દરખાસ્ત મંજૂર ન કરાતાં છેલ્લા બે મહિનાથી કામગીરી અટકી પડી છે. એન્ટ્રન્સ પ્લાઝા, મુલાકાતીઓની સુવિધા અને ક્ષેત્રફળ વધારવાની યોજના સાથે જોડાયેલી આ મંજૂરી અટવાતાં પ્રોજેક્ટનું લોકાર્પણ વિલંબમાં પડ્યું છે.
7 ફેઝમાં નિર્માણાધીન આ સફારી પાર્કમાં ચેઇન લિંક ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલ, ઈન્સ્પેક્શન પાથ, ઈન્ટર્નલ રોડ અને ટુ-વે ગેટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે નાઈટ શેલ્ટર, GSR, મોટા રસ્તા, નાના તળાવો અને ચેકડેમ સહિતના કામો પૂર્ણતાના આરે છે.
વધારાની સુવિધાઓ ઊભી કરવા અને પાર્કનું ક્ષેત્રફળ આશરે 10,000 ચોરસ મીટર વધારવા માટે ₹7.94 કરોડની દરખાસ્ત રજૂ કરાઈ હતી, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી ન મળતાં બાકીના કામો અટક્યા છે અને સમયમર્યાદા લંબાઈ શકે છે.
અગાઉ જૂન-2026 અને ત્યારબાદ જન્માષ્ટમીના તહેવારમાં સફારી પાર્ક ખુલ્લો મૂકવાની જાહેરાતો કરાઈ હતી, પરંતુ દિવાળી અને વેકેશન વીતી ગયા છતાં ભંડોળની મંજૂરીના ગૂંચવાયેલા મુદ્દાને કારણે લોકાર્પણ થઈ શક્યું નથી.
પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સહેલાણીઓને સાસણ અને દેવળિયાની જેમ ખુલ્લામાં સિંહદર્શનનો અનુભવ શહેર નજીક મળી શકશે, તેમજ પીક સીઝનમાં પરમિટની મુશ્કેલી વચ્ચે આ સ્થળ ગીર પ્રવાસન સર્કિટના વિકલ્પ તરીકે ઉપયોગી બની શકે છે.
(7:55 PM IST)










