હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીમાં મેન્ડેટ વિવાદ ઘેરો બન્યોઃ વ્હિપના અનાદર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપથી ખળભળાટ
ભાજપના અધિકૃત મેન્ડેટ ઉમેદવાર વિજય સખિયા અને મતદાર લખમણભાઈ મીડિયા સમક્ષ આવ્યાઃ સહકારી રાજકારણમાં મોટો ઉલટફેરઃ મેન્ડેટ અને વ્હિપ છતાં ક્રોસ વોટિંગ થયાના ચોંકાવનારા ખુલાસાઃ ચૂંટણી પ્રક્રિયા અને પક્ષના આદેશો પર ઉઠયા ગંભીર સવાલો

રાજકોટઃ રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સંઘ (રાલો સંઘ)ની યોજાયેલી ચૂંટણી અને તેના પરિણામો બાદ સ્થાનિક સહકારી રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. ભાજપ દ્વારા આપવામાં આવેલા સત્તાવાર મેન્ડેટ અને વ્હિપ છતાં ચૂંટણીમાં થયેલા ભારે ઉલટફેર બાદ હવે વિવાદ વધુ વકર્યો છે. મેન્ડેટ મેળવનાર ઉમેદવાર વિજયભાઈ સખિયા અને મતદાર લખમણભાઈએ એકસાથે મીડિયા સમક્ષ આવીને ચૂંટણી પ્રક્રિયા તથા પક્ષના આદેશો અંગે કેટલાંક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં ઉમેદવાર વિજયભાઈ સખિયા અને મતદાર લખમણભાઈએ દાવો કર્યો હતો કે સહકારી ક્ષેત્રની આ હાઈપ્રોફાઈલ ચૂંટણીમાં પક્ષના સત્તાવાર મેન્ડેટ અને વ્હિપનો ખુલ્લેઆમ અનાદર કરવામાં આવ્યો છે. ભાજપે જેને સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તેમની સામે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને ક્રોસ વોટિંગ કરાવવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રા.લો. સંઘની આ ચૂંટણીમાં ભાજપના જ બે મોટા જૂથો સામસામે આવી જતાં મુકાબલો અત્યંત રસાકસીભર્યો બન્યો હતો. ચૂંટણીમાં પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણી સહિતના દિગ્ગજોને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. મતદાન દરમિયાન સુરક્ષા બંદોબસ્ત અને ક્રોસ વોટિગની આશંકા વચ્ચે યોજાયેલી આ ચૂંટણીના પરિણામો બાદ હવે મેન્ડેટ અને પક્ષીય શિસ્ત ભંગના મુદ્દે સહકારી અગ્રણીઓ વચ્ચે આક્ષેપબાજી ચાલુ થઈ ગઈ છે. મીડિયા સમક્ષ કરવામાં આવેલા આ નવા ખુલાસાઓને પગલે રાજકોટ જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને હવે પક્ષ હાઈકમાન્ડ આ મામલે કેવા શિસ્તભંગના પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે.










