તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
રાજકોટ લોકમેળોઃ ફોર્મ મેળવવા ભારે ધસારો ૧૫૦ ફોર્મ ઉપડયાઃ તંત્રને ૨ દિ'માં ૩૦ હજાર આવક

રાજકોટ તા.૨૧: રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા.૨થી ૬ સપ્ટેમ્બર સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવાનો છે, રાઈડસ માટેના પ્લોટ અને ખાણીપીણીના સ્ટોલ રાખવા માટે ફોર્મ વિતરણ ગઈકાલથી શરૂ થઈ ચૂકયું છે. પ્રથમ દિવસે ૮૬ ફોર્મ બાદ આજ બપોર સુધીમાં વધુ ૬૦ સહિત કુલ ૧૫૦ ફોર્મ ઉપડ્યા છે. ફોર્મ ભરીને ૨૮ જુલાઈ સુધીમાં પરત આપવાના રહેશે. રમકડાના સ્ટોલ માટે ભારે ધસારો છે, આ મેળાના ૨૨૮ સ્ટોલ અને પ્લોટ માટે તોરલ બિલ્ડીંગ, ઇન્ડિયન બેંક (કોર્ટ રોડ) ખાતેથી ફોર્મ વિતરણ થઈ રહ્યા છે. જે ફોર્મ ભરીને ૨૮ જુલાઈ સુધીમાં ઇન્ડિયન બેંકમાં જ સબમિટ કરવાના રહેશે. ફોર્મ વિતરણ માટે નાયબ મામલતદાર, તલાટી અને કારકુનની ૩ ટીમો તૈનાત કરવામાં આવી છે. પ્રથમ દિવસે કેટેગરી ઈ, એફ, જી અને એચ એટલે કે યાંત્રિક રાઈડ રાખવા માટે ૩૧ ફોર્મ ઉપડયા છે તો અન્ય કેટેગરી માટે ૫૫ ફોર્મ ઉપડયા છે.બીજી તરફ, તંત્ર દ્વારા આ વખતે પ્લોટ અને સ્ટોલના ભાવમાં રૂ. ૨૦૦૦થી લઈ ૧૨,૦૦૦ સુધીનો તોતિંગ ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેમાં ખાણીપીણીના સ્ટોલમાં રૂ. ૨૦૦૦થી ૫૦૦૦ અને રાઇડ્સના પ્લોટમાં રૂ. ૫૦૦૦થી ૮૦૦૦ સુધીનો વધારો કરાતાં વેપારીઓમાં ભારે કચવાટ ફેલાયો છે.
આ મામલે વેપારીઓ આગામી અઠવાડિયે કલેકટરને રજુઆતો કરશે, તંત્રને ર દિ'માં ફોર્મ પેટે રૂા.૩૦ હજારની આવક થઇ છે.
(3:37 PM IST)










