<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

રાજકોટ લોકમેળોઃ આ વખતે તંત્ર દ્વારા ૮ કરોડનો વિમો લેવાની શકયતાઃ ૩ થી ૪ વિમા કંપનીને બોલાવાઇ

રાજકોટ, તા.૧૪: સૌરાષ્‍ટ્રના સૌથી મોટા રાજકોટના જન્‍માષ્ટમી લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની જનમેદની વચ્‍ચે સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતા તંત્ર દ્વારા મેળા માટે રૂપિયા આઠ  કરોડનું જંગી વીમા કવચની શકયતા વતુર્ળોએ દાખવી છે, ગયા વર્ષે અકસ્‍માતો અને સુરક્ષાના માપદંડોને ધ્‍યાનમાં રાખીને વીમાની રકમ વધારવામાં આવી હતી, જેને આ વર્ષે પણ યથાવત રાખીને લોકોની સુરક્ષિતતા સુનિヘત કરવામાં આવી છે.

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા આ ભવ્‍ય લોકમેળામાં સૌરાષ્‍ટ્ર અને ગુજરાતભરમાંથી પાંચ દિવસ દરમિયાન અંદાજે ૧૦ થી ૧૫ લાખ લોકો ઉમટી પડે છે. આટલી વિશાળ ભીડમાં કોઈ પણ અણધારી આફત, નાસભાગ, શોર્ટ સર્કિટ, આગ અકસ્‍માત કે ચકડોળ-રાઈડ્‍સમાં ટેકનિકલ ખામીને કારણે દુર્ઘટના સર્જાય તો મુલાકાતીઓને આર્થિક સુરક્ષા મળી રહે તે હેતુથી આ વીમો લેવામાં આવે છે.

જન્‍માષ્ટમીનો તહેવાર એ સૌરાષ્‍ટ્રવાસીઓ માટે લોકજીવનનો ઉત્‍સવ છે. તંત્ર દ્વારા લેવાયેલા સુરક્ષાના કડક પગલાં અને ૮ કરોડના વીમા કવચના નિર્ણય સંદર્ભે કારણે મુલાકાતીઓ અને તેમના પરિવારો કોઈપણ ભય વિના સુરક્ષિત વાતાવરણમાં મેળાની મજા માણી શકશે. ટૂંક સમયમાં જ જિલ્લા કલેક્‍ટર કચેરી દ્વારા સ્‍ટોલના ડ્રો અને અન્‍ય આયોજનોને આખરી ઓપ આપવામાં આવશે.

તંત્ર દ્વારા ૮ કરોડ આસપાસના વિમા અંગે ૩ થી ૪ વિમા કંપનીઓને બોલાવાઇ હોવાનું જાણવા મળે છે. 

 

(3:38 PM IST)