<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં. ૮ માં ભાજપનો શંખનાદઃ વિકાસના એજન્‍ડા સાથે મેદાને ઉતર્યા ચાર દિગ્‍ગજ ઉમેદવારો

મનિષ ભટ્ટ, પ્રવિણ સેંગલીયા, કિરણબેન માકડીયા અને રીટાબેન સખીયા અકિલાના આંગણે

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાની આગામી યોજાનારી ચૂંટણી માટે વોર્ડ નં. ૮ માં રાજકીય માહોલ પૂરજોશમાં જામ્‍યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ વોર્ડમાં વર્ષોનો અનુભવ ધરાવતા ચાર મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારીને જીતનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે. 'સ્‍માર્ટ સિટી' અને 'વિકસિત રાજકોટ'ના સૂત્ર સાથે ભાજપના આ ઉમેદવારો વોર્ડના દરેક ખૂણે વિકાસની નવી કેડી કંડારવા માટે મતદારોના આશીર્વાદ માંગી રહ્યા છે.

 શિક્ષણ અને સેવાના સમર્પિત ચહેરા વોર્ડ નં. ૮ ના ક્રમાંક ૧ ના ઉમેદવાર કિરણબેન માકડિયા શિક્ષણ અને મહિલાઓના પ્રશ્નોને વાચા આપવા માટે જાણીતા છે. પોલિટિકલ સાયન્‍સમાં સ્‍નાતક થયેલા કિરણબેન સરકારી શિક્ષણ સમિતિમાં સભ્‍ય તરીકે શાળાઓની ગુણવત્તા સુધારવા અને બાળકોને ઉજ્જવળ ભવિષ્‍ય આપવા માટે સતત કાર્યરત છે. મહિલાઓને પગભર બનાવવા અને વિવિધ સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા તેમણે વોર્ડમાં એક આગવી છાપ ઉભી કરી છે.

મહિલા સુરક્ષા અને સક્રિય સામાજિક નેતૃત્‍વ ક્રમાંક ૧૨ પરથી ચૂંટણી લડનાર રીટાબેન સખિયા મહિલા મોરચામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. પોલીસ સુરક્ષા સમિતિના સભ્‍ય તરીકેનો તેમનો અનુભવ વોર્ડના રહેવાસીઓ, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે ખૂબ જ મહત્‍વનો સાબિત થયો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેવા આયોજનો અને સામાજિક પ્રશ્નોના નિકાલમાં તેઓ હંમેશા અગ્રેસર રહે છે, જે વોર્ડની પ્રજા માટે એક મજબૂત નેતૃત્‍વ પૂરું પાડે છે.

યુવા જોશ અને પ્રજાલક્ષી કાર્યોના સારથી ક્રમાંક ૬ ના ઉમેદવાર પ્રવિણભાઈ સેગલિયા વ્‍યવસાયે કન્‍સ્‍ટ્રક્‍શન અને ટ્રાન્‍સપોર્ટ ક્ષેત્રે સફળ રહ્યા છે, પરંતુ તેમની સાચી ઓળખ એક 'જનસેવક' તરીકેની છે. ભાજપના યુવા સંગઠનને ગતિશીલ કરવામાં તેમની મહત્‍વની ભૂમિકા રહી છે. વોર્ડના પાયાના પ્રશ્નો હોય કે યુવાનોની સમસ્‍યાઓ, પ્રવિણભાઈ ૨૪ કલાક પ્રજાની વચ્‍ચે રહેવામાં માને છે. રાજકોટને સ્‍માર્ટ સિટી બનાવવાની દિશામાં તેમનો અભિગમ ખૂબ જ સ્‍પષ્ટ અને મક્કમ છે.અનુભવી નેતૃત્‍વ અને બૌદ્ધિક અભિગમના પ્રણેતા ક્રમાંક ૮ ના ઉમેદવાર મનીષ ભટ્ટ વકીલાત અને કોર્પોરેટ કન્‍સલ્‍ટન્‍ટ તરીકેનો બહોળો વ્‍યાવસાયિક અનુભવ ધરાવે છે. ભાજપના પૂર્વ ઉપાધ્‍યક્ષ રહી ચૂકેલા મનીષભાઈ સંગઠનની વિચારધારાને ખૂબ જ સારી રીતે જાણે છે. સાહિત્‍ય પ્રેમી અને સંસ્‍કૃતિના ચાહક મનીષ ભટ્ટ અનેક સામાજિક તથા લોકકલ્‍યાણકારી સેવાકીય પ્રવૃત્તિઓના માધ્‍યમથી વોર્ડમાં લોકપ્રિય છે. તેમનો અનુભવી અભિગમ વોર્ડના વિકાસ કાર્યોમાં મહત્‍વની ભૂમિકા ભજવશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે વોર્ડ નં.૮ના ચારેય ઉમેદવારો મનિષ ભટ્ટ, પ્રવિણભાઈ સેંગલીયા, કિરણબેન માકડીયા અને રીટાબેન સખીયા તેમજ સંજયભાઇ દવે (પ્રભારી વોર્ડ નં.૮), દેવકરણભાઈ જોગરાણા (વોર્ડ પ્રમુખ), મહેશભાઈ રાઠોડ (રાજકોટ શહેર પૂર્વ ઉપપ્રમુખ) નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:44 PM IST)