<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સભાસદોના સંતાનોને શૈક્ષણિક પુરસ્‍કાર અને સ્‍કોલરશીપ અપાશે

સભાસદ પરિવારજનો મહત્તમ લાભ મેળવેઃ દિનેશભાઈ પાઠક : ફોર્મ વિતરણ દરેક શાખાઓમાં:પરત આપવાની અંતિમ તા. ૧૮ જુલાઇ શૈક્ષણિક પુરસ્‍કાર માટે ધો. ૧૦ અને ધો. ૧૨ના એ-૧ અને એ-૨ ગ્રેડવાળા માન્‍યઃ સ્‍કોલરશીપ માટે ધો. ૧૨માં જનરલ કેટેગરીમાં એ-૧ અને એ-૨ ગ્રેડ માન્‍ય અને આર્થિક રીતે પછાત વર્ગમાં બી-૧ અને બી-૨ ગ્રેડ પણ માન્‍ય

 રાજકોટઃ  નાગરિક સહકારી બેંક લિ. દ્વારા સભાસદોના સંતાનોને શૈક્ષણિક પુરસ્‍કાર અને સ્‍કોલરશીપ આપવામાં આવે છે અને આ વર્ષ માટેના ફોર્મનું વિતરણ કાર્ય શરૂ થયું હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

બેંકના ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠકે જણાવ્‍યું હતું કે ‘માર્ચ-૨૦૨૬માં લેવાયેલી ધો. ૧૦, ધો. ૧૨ની પરીક્ષામાં બેંકના શેર સભાસદોનાં સંતાનો કે સભાસદ, જેઓએ એ-૧ અને એ-૨ ગ્રેડ મેળવેલા છે તેઓને શૈક્ષણિક પુરસ્‍કાર આપવામાં આવશે. આવી જ રીતે માર્ચ ૨૦૨૬માં લેવાયેલ ધો. ૧૨ની પરીક્ષામાં ઉર્તીણ થયેલા હોય, તેવા વિદ્યાર્થીઓ સ્‍કોલરશીપ (આર્થિક સહાય) યોજનાનો પણ લાભ મેળવી શકશે. તેમાં જનરલ કેટેગરીમાં એ-૧ અને એ-૨ ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ અને આર્થિક રીતે પછાતની કેટેગરીમાં બી-૧ અને બી-૨ ગ્રેડ મેળવેલા વિદ્યાર્થીઓ પણ માન્‍ય ગણાશે. આર્થિક રીતે પછાતની કેટેગરીમાં, સરકારમાન્‍ય અધીકારીનાં આર્થિક રીતે પછાત હોવાના દાખલાની ઝેરોક્ષ જોડવાની રહેશે. આ યોજનાનો લાભ શેર સભાસદો મહત્તમ મેળવે તેવી હાર્દિક અપીલ કરવામાં આવી હતી.

સમગ્ર પ્રોજેક્‍ટ માટે બેંકના પ્રોજેક્‍ટ ચેરમેન સી.એ. શ્રી ભૌમિકભાઈ શાહ અને પ્રોજેક્‍ટ ડિરેકટર શ્રી નવિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કામગીરી થઇ રહી છે. ફોર્મ રાજકોટ શહેરની અને બહારગામની તમામ શાખાઓથી મળે છે. ફોર્મમાં સંપુર્ણ વિગતો ભરી પરત આપવાની અંતિમ તા. ૧૮ જુલાઈ ૨૦૨૬ને શનિવાર છે. ફોર્મ માટેનો સમય સોમવારથી શનિવાર (બીજો - ચોથો શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાય) સવારના ૧૧ થી ૪નો છે. સંપુર્ણ વિગતો સાથે ફોર્મ બહારગામમાં જે તે શાખામાં અને રાજકોટ શહેરમાં ફક્‍ત રાજકોટ નાગરિક સહકારી બેંક લિ., હેડ ઓફિસ, અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય, સેક્રેટરી વિભાગ, ચોથો માળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા સર્કલ પાસે, રાજકોટ ખાતે પરત આપવાના રહેશે.

 ઉલ્લેખનીય છે કે બેંક દ્વારા ૧૦ વર્ષથી ૧૮ વર્ષ સુધીના માયનોર બાળકોના બચત ખાતા ખોલી નિયત રકમનાં વ્‍યવહાર સાથે સ્‍વતંત્ર રીતે બેંકિંગ કરવાની સુવિધા આપવામાં આવે છે. તેમની જ સહીથી ચેક લખી શકાય છે. આમ, બાળકોમાં બાળપણ થી જ બેંક વ્‍યવહાર સાથે બચતની ટેવ કેળવી શકાય છે. માયનોર બાળકોની પોતાની સહીથી ખાતામાં વ્‍યવહાર થાય તેવી સુવિધા આપનાર ગુજરાતની સર્વ પ્રથમ સહકારી બેંક હોવાનું યાદીમાં જણાવાયું છે

(4:38 PM IST)