તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 21st April 2026
રાજકોટ પોલીસનો વધુ એક સપાટો: ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને ટીમની કામગીરી ‘શામજી મકા ગેંગ’ પર ગુજસીટોકનો સિકંજો: ગેંગના ૧૨ જણા સામે ગુનો દાખલ
ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ખૂન, લૂંટ અને અપહરણ જેવા ૩૭ ગુનાઓ આચરતી ગેંગના ૮ આરોપીઓની ધરપકડ: ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો જણાવી

રાજકોટ: શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી આતંક મચાવતી અને સંગઠિત ગુનાખોરીમાં સંડોવાયેલી કુખ્યાત શામજી મકા ગેંગ વિરુદ્ધ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૧૨ સભ્યો વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫ (G.C.T.O.C) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શામજી ઉર્ફે શામો મકાભાઇ મકવાણા અને તેની ટોળકી વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૫ દરમિયાન રાજકોટ શહેરમાં ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ અને દારૂ-જુગાર જેવા ગંભીર ગુનાઓ આચરતી હતી. આ ટોળકીએ પોતાની ધાક જમાવવા માટે અનેકવાર હિંસક હુમલાઓ કરી સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ માટે ગુનાખોરી જ આજીવિકાનું સાધન બની ગઈ હતી.
ક્રાઇમ બ્રાન્ચ અને થોરાળા પોલીસની વિવિધ ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અત્યાર સુધીમાં ગેંગના ૮ સભ્યોની ધરપકડ કરી છે. જેમાં દેવશી મકવાણા, દિલીપ ચૌહાણ, ચિરાગ મકવાણા, કિરણ ખીમસૂરિયા, અજય જાદવ, ગૌતમ બારૈયા, નાગેશ મકવાણા અને મેહુલ સોલંકીનો સમાવેશ થાય છે. બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ખાસ બાબત એ છે કે, આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓએ ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકતો ટાંચમાં લેવાની (સીઝ કરવાની) પ્રક્રિયા પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી ભરત બી. બસીયાની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની ટીમે અતિ ગુપ્ત રીતે આ ગેંગના ગુનાહિત ઇતિહાસની વિગતો મેળવી હતી. આ ગેંગ વિરુદ્ધ કુલ ૩૭ જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી ૨૨ ગુનાઓ ગુજસીટોકની કલમ ૨(૧)(સી) મુજબની જોગવાઈઓમાં ફિટ બેસતા હોવાથી આ કડક કાયદાનો અમલ કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓમાં ૧. દેવશીભાઇ મકાભાઇ મકવાણા, ૨. દિલીપ ઉર્ફે દિલો પ્રેમજીભાઇ ચૌહાણ, ૩. ચિરાગ ઉર્ફે ભયલુ શામજીભાઇ મકવાણા, ૪. કિરણ મોહનભાઇ ખીમસુરીયા, ૫. અજય રાજુભાઇ જાદવ, ૬. ગૌતમ ઉર્ફે ગોગો ધરમભાઇ બારૈયા, ૭. નાગેશ ઉર્ફે લાલો શામજીભાઇ મકવાણા અને ૮. મેહુલ કનુભાઇ સોલંકીનો સમાવેશ થાય છે.
આ સંગઠિત ગેંગ વિરુદ્ધ કડક કાયદાકીય માળખું તૈયાર કરવામાં નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશનર ભરત બી. બસીયાની ભૂમિકા મહત્વની રહી હતી. દરખાસ્ત તૈયાર કરવાની કામગીરીમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.બી. જાડેજા જોડાયા હતા. આ ટીમમાં એ.એસ.આઇ જનકભાઇ ફુગસીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતિકસિંહ રાઠોડ, પી.એસ.આઇ. વી.ડી. ડોડીયા, એ.એન. પરમાર, આર.કે. ગોહિલ, ડી.પી. ઝાલા અને એસ.વી. ચુડાસમા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ સાથે એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. વી.કે. ઝાલા અને તેમની ટીમે પણ સાથ આપ્યો હતો. થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. સોઢા તથા પી.એસ.આઇ. એન.આર. ડોબરીયા, એમ.એસ. મહેશ્વરી અને એ.પી. રત્નએ પણ આ ગુનેગારોને પકડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે
(5:44 PM IST)










