<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

૧૮.૪૬૭ કિલો ગાંજાના ગુનામાં ફરાર યુપીના હર્ષસિંહને રાજકોટ રેલ્‍વે પોલીસે દબોચ્‍યો

છત્તીસગઢના કર્મવીરને પકડયો ત્‍યારે નામ ખુલ્‍યુ઼ હતું: વતન જવા ટ્રેન પકડે એ પહેલા કોન્‍સ. હસમુખભાઇની બાતમીથી પીએસઆઇ જે. એમ. પરમાર અને ટીમે પકડી લીધો

રાજકોટ તા. ૧૦: તાજેતરમાં રાજકોટ રેલ્‍વે એલસીબી પોલીસ, એસઓજીની ટીમે છત્તીસગઢના સુરજપુરના ફુસમુસી ગામના કર્મવીર તુલસીદાસ પાટીલને રૂા. ૯.૨૩ લાખના ૧૮ કિલો ૪૬૭ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. ત્‍યારે તેની સાથેનો યુપીનો શખ્‍સ ભાગી ગયો હતો. આ શખ્‍સને પણ રેલ્‍વે પોલીસે પકડી લીધો હતો. તે વતનમાં જવા માટે ટ્રેન પકડવા રાજકોટ રેલ્‍વે સ્‍ટેશને આવ્‍યો હતો. પરંતુ ટ્રેન પકડે એ પહેલા પોલીસે દબોચી લીધો હતો.

કર્મવીર પાટીલને ગાંજા સાથે પકડી લેવાયો ત્‍યારે પુછતાછમાં તેણે પોતાની સાથેનો યુપીના બાંદા જીલ્લાનો તેંદુરા ગામનો હર્ષસિંહ લલકસિંહ (ઉ.વ.૨૫) ભાગી ગયાનું કબુલ્‍યું હતું. આ શખ્‍સની શોધખોળ ચાલુ હોઇ રેલ્‍વે પોલીસના કોન્‍સ. હસમુખભાઇ રાઘવભાઇને બાતમી મળી હતી કે ગાંજાના ગુનામાં ફરાર હર્ષસિંહ તેના વતન જવા માટે ટ્રેન પકડવા રાજકોટ રેલ્‍વે સ્‍ટેશને આવ્‍યો છે. તેના આધારે તેને દબોચી લીધો હતો.

રેલ્‍વે એલસીબીના પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. પરમાર, એએસઆઇ હરપાલસિંહ, હેડકોન્‍સ. પૃથ્‍વીરાજસિંહ, કોન્‍સ. હસમુખભાઇ, ભુપતભાઇ, જયેશભાઇ, દિવ્‍યરાજસિંહે આ કામગીરી કરી હતી. ઝડપાયેલા શખ્‍સની વિશેષ પુછતાછ માટે રીમાન્‍ડની તજવીજ હાથ ધરાઇ છે.

(3:23 PM IST)