News of Saturday, 15th August 2026
રાજકોટ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી: જેતપુરમાં વ્રજ વાટીકા હોટલ પર દરોડો
જુગાર રમતા ૯ શખ્સો ઝડપાયા; રૂ. ૪૧.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ : રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જુનાગઢ હાઇવે રોડ પર આવેલી ‘વ્રજ વાટીકા’ હોટલમાં રાજકોટ રેન્જ પોલીસે સપાટો બોલાવીને તીનપતિનો નસીબ આધારીત જુગાર રમી રહેલા ૯ શખ્સોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી જુગારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
ચોક્કસ બાતમીના આધારે કરાઈ રેડ:
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર ડામી દેવા અને કડક કાર્યવાહી કરવા માટે સખ્ત સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી બી.સી.મીયાત્રા અને તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે સતત વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું.
આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પો.સ.ઇ. શ્રી બી.સી.મીયાત્રા તથા સ્ટાફે જેતપુર-જુનાગઢ હાઇવે પર આવેલી વ્રજ વાટીકા હોટલમાં દરોડો પાડ્યો હતો. જ્યાં હોટલના માલિક દિપકભાઇ જમનભાઇ પોલરાની માલિકીની હોટલના રૂમમાં પરેશભાઇ ભિખુભાઇ કાછડીયા દ્વારા બહારથી માણસો બોલાવીને જુગાર રમાડવામાં આવી રહ્યો હતો.
લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે:
પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડ રૂ. ૧૨,૨૬,૧૦0/-, બે કાર અને સાત મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૪૧,૨૬,૧૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓની યાદી:
૧. પરેશભાઇ ઉર્ફે બટર ભિખુભાઇ કાછડીયા (રહે. જેતપુર)
૨. હરેશભાઇ છગનભાઇ સેંજલીયા (રહે. મંડલીકપુર, તા. જેતપુર)
૩. ગોગનભાઇ નાથાભાઇ પરમાર (રહે. હરીપુર, તા. ખંભાળીયા)
૪. માયાભાઇ જાડાભાઈ માયાણી (રહે. હરીપર, તા. ખંભાળીયા)
૫. રામજીભાઇ ઉર્ફે રામદે ગોગનભાઇ ભોગેસરા (રહે. અમર, તા. કુતીયાણા)
૬. ભાવેશભાઇ રસીકભાઇ ધુળેસીયા (રહે. જુનાગઢ)
૭. અનિલભાઇ શાંતીભાઇ વેકરીયા (રહે. જેતપુર)
૮. સનાભાઈ દેવાભાઇ બામણીયા (રહે. અમરગામ, તા. કુતીયાણા)
૯. દીપકભાઇ જમનભાઈ પોલરા - હોટલ માલિક (રહે. જેતલસર, તા. જેતપુર)
પોલીસે તમામ ૯ આરોપીઓની ધોરણસર અટકાયત કરી રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:14 AM IST)










