<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

રાજકોટ ગ્રામ્ય એલસીબીની મોટી કામગીરી: વીરપુર લૂંટકાંડના ચારેય આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા

પોલીસ હોવાની ઓળખ આપી કાર અને બાઇક પર આવેલા શખ્સો દ્વારા આચરવામાં આવેલી લૂંટનો ભેદ સીસીટીવી ફૂટેજના આધારે ઉકેલાયો

મેવાસા ચોકડી : રાજકોટ ગ્રામ્યના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉમરાળી ગામ પાસેના મેવાસા ચોકડી નજીક તાજેતરમાં સર્જાયેલા લૂંટના અનડીટેક્ટ ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) રાજકોટ ગ્રામ્યની ટીમે ગણતરીની કલાકોમાં જ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષકશ્રી વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર જે.પી. રાવ અને તેમની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરીને આ ગંભીર ગુનાને અંજામ આપનારા ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ઘટનાની વિગતવાર માહિતી મુજબ, વીરપુર પંથકના મેટોડા રહેતા ફરિયાદી અરજણભાઈ કુંભાભાઈ જળુ ગત તા. ૦૯/૧૧/૨૦૨૬ ના રોજ વહેલી સવારે આશરે પાંચ વાગ્યે પોતાનું બાઈક લઈને મેટોડાથી છાડવાવદર ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મેવાસા ચોકડી પાસે એક કાળા રંગની ફોર વ્હીલ કાર (એસ્ટીલો નં. GJ-03-BA-8044) અને એક શાઈન બાઈક પર સવાર ચાર અજાણ્યા ઈસમોએ તેમને રોક્યા હતા. આ શખ્સોએ પોતાને પોલીસ હોવાનું ખોટું જણાવીને ફરિયાદી પાસે દારૂ હોવાની બાતમી હોવાનું કહી તેમની તપાસ લીધી હતી અને ત્યારબાદ તેમની પાસેથી કપડાનું બેગ, ૨,૫૦૦ રૂપિયા રોકડા, મોબાઇલ ફોન, બાઈક તથા હાથમાં પહેરેલી વીંટી સહિત કુલ રૂપિયા ૪૪,૦૦૦ ના મુદ્દામાલની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા, જે અંગે વીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસના ત્વરિત ઉકેલ માટે એલસીબી પીઆઈ જે.પી. રાવ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ગોંડલ-જામકંડોરણા રોડ પરના તમામ સરકારી તથા ખાનગી સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. ટેક્નિકલ સોર્સ અને સીસીટીવી ફુટેજના વાહનના નંબરના આધારે આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી હતી અને પોલીસે દરોડા પાડીને (૧) મયુરભાઈ બાલાભાઈ સરમાળી (રહે. વડ વાજડી, લોધીકા), (૨) મહેશ ઉર્ફે ભુરો શાદુળભાઈ રાઠોડ, (૩) જયદીપ ઉર્ફે ગની કાળુભાઈ સોલંકી અને (૪) શાહીલ ઉર્ફે શાવો ઉર્ફે ગુરૂ મોહીનશા સોહરવદી (ત્રણેય રહે. વાળા ડુંગરા, જેતપુર) ને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી રોકડ, ૪ મોબાઇલ ફોન, લૂંટમાં વપરાયેલી કાર, કપડાના બેગ અને વીંટી સહિત કુલ રૂ. ૧,૩૯,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ સફળ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીના અધિકારીઓ-કર્મચારીઓ, વીરપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના કર્મચારીઓ સક્રિયપણે જોડાયા હતા. પકડાયેલા તમામ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને તેઓ અગાઉ આવા કોઈ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તથા આમાં અન્ય કોઈની સંડોવણી છે તે દિશામાં પોલીસે આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.

(11:30 AM IST)