તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરીમાં સપડાયેલ ૧૩૬ પીડીતોના ૩૭૫ ચેક અને દસ્તાવેજો પરત અપાવ્યા
સુલતાનપુરમાં નોંધાયેલ ફરિયાદ અન્વયે પોલીસે વ્યાજખોરની ઓફિસેથી ચેક, આરસી બુક અને દસ્તાવેજો કબ્જે કરી લોકોને પરત કર્યા વ્યાજખોર અસફાકે ૩ થી ૧૦ ટકાએ બે કરોડથી વધુ વ્યાજે આપ્યા'તાઃ ૬ વિઘા સરકારી જમીનમાં ફાર્મહાઉસ બનાવી નાખ્યુઃ એસ.પી. વિજયસિંહ ગુર્જરની કાર્યવાહીથી લોકોની પ્રસંશા

રાજકોટ તા.૭: રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરીની પ્રવળત્તિને જડમૂળથી ઉખેડી નાખવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રીઢા વ્યાજખોરની ધરપકડ કરી તેની પાસેથી અનેક લોકોના પડાવી લીધેલ કોરા ચેક, સ્ટેમ્પ પેપર અને વાહનોની આર.સી. બુક સહિતનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને પરત કરતા ગ્રામ્ય પોલીસની કાર્યવાહીની લોકોમાં પ્રસંશા થઇ રહી છે.
ગોંડલ તાલુકા ના વાસાવડ નાં રહેતા જીતેશભાઇ સતાણીએ અસફાક હનિફભાઇ સલાટ પાસેથી એક વર્ષ પહેલા રૂ. ૧,૦૦,૦૦૦ ઊંચા વ્યાજે લીધા હતા. ફરિયાદીએ રૂ. ૭૦,૦૦૦ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં અસફાકે ઉઘરાણી ચાલુ રાખી હતી અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી બેંકના ત્રણ કોરા ચેક પડાવી લીધા હતા. આ મામલે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ અને ગુજરાત નાણા ધીરધાર કરનાર બાબત અધિનીયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સુલતાનપુર પોલીસ અને એલ.સી.બી.ની ટીમે તપાસ હાથ ધરી અસફાક સલાટ ની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે કુલ ૧૩૫ થી વધુ વ્યક્તિઓને વ્યાજે પૈસા આપ્યા હતા.
પોલીસે આરોપીના કબજામાંથી ૧૩૬ વ્યક્તિઓના મળી કુલ ૩૭૫ ચેક મળી આવ્યા હતા. જેમા રકમ ભરેલા ૧૦ ચેક જેની કુલ કિંમત રૂ. ૨૨,૨૦,૦૦૦ છે.તથા ૩૬૫ કોરા ચેક મળી આવ્યા હતા, જેના આધારે આરોપીએ અંદાજે રૂ. ૨ કરોડનું ધિરાણ આપેલું છે. અન્ય દસ્તાવેજોઃ કુલ ૩૫ સ્ટેમ્પ પેપર અને આશરે ૧૮ થી ૨૦ વાહનોની આર.સી. બુક મળી આવી હતી.
આ તમામ દસ્તાવેજો આરોપીના પરિવારજનો દ્વારા સ્વેચ્છાએ અને વિના શરતે ભોગ બનનાર લોકોને પરત કરી દેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે આરોપીએ અંદાજે ૬ વીઘા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ફાર્મ હાઉસ બનાવ્યું હતું. આરોપીએ આ જમીન પણ સ્વેચ્છાએ ખાલી કરી સરકારને પરત સોંપવા જણાવ્યું છે. પકડાયેલ અસફાક હનિફભાઇ સલાટ ઉં.વ. ૩૮ અગાઉ પણ પ્રોહિબિશન, મારામારી અને વ્યાજખોરીના અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરી કે અસામાજિક તત્વોનો ભોગ બની હોય, તો તેઓ પોલીસ કંટ્રોલ રૂમના નંબર ૭૪૩૩૯૧૧૧૦૦ ઉપર અથવા અધિકારીઓ વિજય સિંહ ગુર્જર, સિમરન ભારદ્વાજ, નવીન ચક્રવર્તી રેપુડી, કે.જી.ઝાલા કે આર.એ.ડોડીયાનો સંપર્ક કરી શકે છે.
(12:10 PM IST)










