<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ.પારગીની ટીમની મોટી કાર્યવાહી : ગોંડલના ગુંદાળાની સીમમાં જે.પી.મસાલા કારખાનામાંથી ૪૧.૯૧ લાખનો ભેળસેળયુક્ત જથ્થો ઝડપાયો : જુઓ વિડિયો

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલાની ટીમે પાડેલી રેઇડમાં આરોપી મિતુલ ઉર્ફે મનીષ ગીરધરભાઇ બાલધા પકડાયો : ધાણાજીરૂનું ભુસું અને મકાઈના લોટનું થતું હતું મિશ્રણ

રાજકોટ: જીલ્લામાં સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ રેન્જ તથા પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર (IPS) રાજકોટ ગ્રામ્ય નાઓ દ્વારા જીલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા મળેલી કડક સુચના અંતર્ગત એસ.ઓ.જી. બ્રાંચે એક મોટી સફળતા મેળવી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદાળા ગામની સીમમાં આવેલા એક કારખાનામાં દરોડો પાડીને પોલીસે રૂપિયા ૪૧,૯૧,૩૫૦/- ની કિંમતનો ભેળસેળયુક્ત મસાલાનો મસમોટો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

 માનવ આરોગ્ય સાથે ચેડાં કરી આર્થિક ફાયદો મેળવવાનું કૌભાંડ:એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.જે.ઝાલા તથા તેમની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન હ્યુમન સોર્સ અને ખાનગીરાહે એક ચોક્કસ હકિકત મળી હતી. આ બાતમીના આધારે ગુંદાળા ગામની સીમમાં મહાદેવ ઇન્ડ્રસ્ટ્રીઝમાં આવેલા 'જે.પી.મસાલા' નામના કારખાના અને ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ સેફટી ઓફીસરને સાથે રાખીને સંયુક્ત રેઇડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ ભેળસેળયુક્ત મરચું, જીરૂ, ધાણાજીરૂ અને હળદરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં બહાર આવ્યું હતું કે, ઓછો જથ્થો વાપરીને વધુ જથ્થો તૈયાર કરવા તેમજ મોટો આર્થિક ફાયદો મેળવવા માટે ધાણાજીરૂનું ભુસું, મકાઇનો લોટ તથા પામોલીન તેલનું મીશ્રણ કરી તેમાં કૃત્રિમ કલર ઉમેરીને આ ભેળસેળ કરવામાં આવતી હતી.

 ગોંડલનો આરોપી વેપારી મુદ્દામાલ સાથે ઝડપાયો: આ ગેરકાનૂની પ્રવૃત્તિ આચરી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકનાર ઇસમની પોલીસે સ્થળ પરથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીની વિગત નીચે મુજબ છે:
આરોપીનું નામ: મિતુલભાઇ ઉર્ફે મનીષભાઇ ગીરધરભાઇ બાલધા (ઉંમર વર્ષ ૩૯, જાતે-પટેલ, ધંધો-વેપાર).
સરનામું: મુરલીધર રેસીડેન્સી, માલધારી હોટલ પાછળ, તા-ગોંડલ, જી-રાજકોટ.
પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૪૧,૯૧,૩૫૦/- ની કિંમતનો મસાલાનો (મરચું, જીરૂ, ધાણાજીરૂ, હળદર) જથ્થો સીઝ કરીને આગળની તપાસ આદરી છે.

 આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભજવી મુખ્ય ભૂમિકા: આ સમગ્ર ભેળસેળના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ.પારગી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.જે.ઝાલાની ટીમે મહત્વની કામગીરી કરી હતી. આ સફળ ઓપરેશનમાં એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી, રૂપકબહાદુર બોહરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી, પૃથ્વીરાજસિંહ ડોડીયા અને નવદિપભાઇ બાબરીયા જોડાયા હતા અને પરિણામલક્ષી કામગીરી પાર પાડી હતી.

(11:22 AM IST)