તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
રાજકોટ SOGની મોટી કાર્યવાહી: રૂ. ૨૩.૮ લાખના હાઈબ્રિડ ગાંજા પ્રકરણમાં અભિનેત્રી અંકિતા દવેના ભાઈ ગૌતમ દવેની ધરપકડ
ઓક્ટોબર માસમાં યોગીરાજ નગરના ગિરિરાજ એપાર્ટમેન્ટમાંથી ઝડપાયેલા ૬૮૦ ગ્રામ હાઈબ્રિડ કેનાબીસ કેસમાં પૂજા ભટ્ટ બાદ વધુ એક આરોપી સકંજામાં : સંગ્રહ અને વિતરણ માટે ડ્રગ્સ પૂરું પાડ્યાનું તપાસમાં ખુલ્યું : NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ

રાજકોટ: રૂ. ૨૩.૮ લાખની કિંમતના હાઈબ્રિડ ગાંજાના કેસમાં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે તપાસનો વ્યાપ વધારતા અભિનેત્રી અંકિતા દવેના ભાઈ ગૌતમ દવેની ધરપકડ કરી છે. નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે ચાલી રહેલી કડક કાર્યવાહી હેઠળ પોલીસે આ મામલે એનડીપીએસ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી તેજ બનાવી છે.
ઓક્ટોબરના દરોડા બાદ તપાસમાં ખુલ્યું નામ:
આ ઘટનાની વિગતો મુજબ, રાજકોટ એસઓજીની ટીમે ગત ઓક્ટોબર મહિનામાં શહેરના યોગીરાજ નગર વિસ્તારમાં આવેલા ગિરિરાજ એપાર્ટમેન્ટ ખાતે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી અંદાજે ૬૮૦ ગ્રામ હાઈબ્રિડ કેનાબીસ (ગાંજો) મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. ૨૩.૮ લાખ જેટલી થાય છે. તે સમયે પોલીસે સ્થળ પરથી પૂજા ભટ્ટ નામની મહિલાની ધરપકડ કરી હતી.
સંગ્રહ અને વિતરણ માટે ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ:
પૂજા ભટ્ટની ધરપકડ બાદ એસઓજી દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન એવી ચોંકાવનારી વિગત સામે આવી હતી કે જપ્ત કરાયેલા ગાંજાના સંગ્રહ અને તેના વિતરણ માટે ગૌતમ દવેએ જ આ ડ્રગ્સ પૂરું પાડ્યું હતું. આ કડી મળતાની સાથે જ પોલીસે ગૌતમ દવેને દબોચી લઈ તેની ધરપકડ કરી છે.
ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસની કવાયત:
હાલમાં રાજકોટ પોલીસ દ્વારા આ હાઈબ્રિડ ગાંજાના સંગ્રહ અને વિતરણ સાથે જોડાયેલા સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ પ્રકરણમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(10:55 PM IST)










