<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

રાજકોટ વોર્ડ નં. ૧૪ માં ‘આપ' દ્વારા પરિવર્તનનો શંખનાદઃ શિક્ષણ, આરોગ્‍ય અને જનસુવિધાના મુદ્દે મેદાનમાં

શિક્ષિત ઉમેદવારો નૈમિષ પાટડીયા, જયદીપ નકુમ, સોનલબેન વિરાણી અને શીતલબેન ગોહેલનો જનસંપર્ક

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખીને વોર્ડ નં. ૧૪ માં આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્‍યું છે. ‘ઝાડુ' ના નિશાન સાથે મેદાનમાં ઉતરેલા ચારેય ઉમેદવારોએ મતદારોને પાયાની સુવિધાઓ અને ભ્રષ્ટાચાર મુક્‍ત શાસન આપવાના વચન સાથે જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ કર્યો છે. ગીતામંદિર મેઈન રોડ પર મનસાતીર્થ-૧ ખાતે ખોલવામાં આવેલા મધ્‍યસ્‍થ કાર્યાલયથી ચૂંટણી પ્રચારનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા સંકલ્‍પ પત્ર મુજબ, જો તેઓ સત્તામાં આવશે તો મહાનગરપાલિકા હસ્‍તકની શાળાઓનું નવીનીકરણ કરવામાં આવશે અને ખાનગી શાળાઓ જેવી જ અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આરોગ્‍ય ક્ષેત્રે દરેક વોર્ડમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો (મોહલ્લા ક્‍લિનિકની તર્જ પર) સ્‍થાપવામાં આવશે, જ્‍યાં દવાઓ અને નિદાનની સેવાઓ વિનામૂલ્‍યે મળશે. આ ઉપરાંત સિટી સ્‍કેન અને એમ.આર.આઈ. જેવી મોંઘી તપાસ પણ મફત આપવાનો વાયદો કરવામાં આવ્‍યો છે.

વોર્ડ નં. ૧૪ ના ઉમેદવારોએ જણાવ્‍યું હતું કે, વિસ્‍તારના રોડ-રસ્‍તા, પીવાના પાણીની સમસ્‍યા અને ગટર લાઈનની સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે. પ્રોપર્ટી ટેક્‍સમાં રાહત અને પારદર્શક વહીવટ દ્વારા પ્રજાના પૈસાનો સદુપયોગ કરવાની નેમ વ્‍યક્‍ત કરી છે. વરિષ્‍ઠ નાગરિકો માટે બગીચા, યોગ કેન્‍દ્રો અને યુવાનો માટે પુસ્‍તકાલયો તેમજ ઈ-લાઈબ્રેરીની સુવિધા ઉભી કરવાનું પણ આયોજન છે.

પર્યાવરણની જાળવણી માટે વરસાદી પાણીના નિકાલ માટે ફ્‌લડ પાઈપ-લાઈન અને કચરાના રિસાયકલિંગ માટેના પ્રોજેક્‍ટ્‍સ પર ભાર મૂકવામાં આવ્‍યો છે. મહિલાઓની સુરક્ષા માટે સ્‍વરક્ષણની તાલીમ અને સમગ્ર વોર્ડમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભું કરવાની ખાતરી આપવામાં આવી છે. વોર્ડ નં. ૧૪ ના શિક્ષિત અને ઉત્‍સાહી ઉમેદવારોની ટીમ હાલ ઘરે-ઘરે જઈને મતદારોને મળી રહી છે, જેને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પાર્ટીના ઉમેદવારોએ જણાવ્‍યું હતું.

તસ્‍વીરમાં વોર્ડ નં. ૧૪ના ‘આપ'ના ઉમેદવારો નૈમિષ પાટડીયા, જયદીપ નકુમ, સોનલબેન વિરાણી અને શિતલબેન ગોહેલ તેમજ વોર્ડ ઇન્‍ચાર્જ ઇન્‍દુભાઇ રાઓલ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

 

(2:30 PM IST)