તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 24th April 2026
હોડથલીમાં રાજકોટના એડવોકેટ પર શેઢા પાડોશીનો હુમલોઃ ખૂનની ધમકી
વકિલની જમીનમાંથી માટી કાઢી જેસીબી-ટ્રેકટરથી શેઢા પાડોશી પોતાની જમીનમાં માટી નાંખતાં હોઇ તેને અટકાવતાં ડખ્ખો : સત્ય સાઇ હોસ્પિટલ રોડ ફુલવાડી પાર્કમાં રહેતાં વિજયભાઇ આર. તોગડીયાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ઉમરાળીના ઘનશ્યામ હુંબલ સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૪: શહેરના નાના મવા રોડ પર રહેતા એડવોકેટની રાજકોટના સરધાર નજીક હોડથલી ગામની સીમમાં તેમના પત્નિના નામે માલિકીની જમીન આવેલી હોઇ તેમાંથી માટી કાઢવા બાબતે પાડોશી ખેડૂતે હુમલો કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ બનાવમાં આજીડેમ પોલીસે નાના મવા મેઇન રોડ સત્ય સાઇ હોસ્પિટલ રોડ ફુલવાડી પાર્ક ત્રિનેત્ર-૬૧ ખાતે રહેતાં અને વકિલાત કરતાં વિજયભાઇ રવજીભાઇ તોગડીયા (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી રાજકોટના સરધાર નજીકના ઉમરાળી ગામે રહેતાં ઘનશ્યામ કરસનભાઇ હુંબલ વિરૂધધ ગુનો દાખલ કર્યો છે.
વિજયભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે રાજકોટના હોડથલી ગામમાં તેમની પત્નિ વર્ષાબેનના નામે ખેતીની જમીન આવેલી છે. ગત તા. ૨૨/૦૪/૨૦૨૬ના રોજ ગામમાં માતાજીની તિથિ હોવાથી તેઓ પરિવાર સાથે વતન હોડથલી ગયા હતા. તે દરમિયાન ગ્રામજનો પાસેથી માહિતી મળી હતી કે તેમની જમીનમાં કોઈ જેસીબી અને ટ્રેક્ટર વડે માટી કાઢી રહ્યું છે. આથી વિજયભાઇ અન્ય એક ખેડૂત વિનોદભાઇ તોગડીયાને સાથે રાખીને પોતાની વાડીએ તપાસ કરવા પહોંચ્યા હતા.
વાડીએ પહોંચતા જાણવા મળ્યું હતું કે બાજુની જમીનના માલિક ઘનશ્યામભાઈ કરશનભાઈ હુંબલ (રહે. ઉમરાળી) જેસીબી અને ટ્રેક્ટરની મદદથી વિજયભાઇની જમીનના પાણીના ધોરીયામાંથી માટી કાઢીને પોતાની જમીનમાં નાખતા હતા. વિજયભાઇએ આ બાબતે વિરોધ કરી તમે અમારી જમીનમાંથી માટી કેમ કાઢો છો? તેમ પુછતા ઘનશ્યામભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. બાદમાં તેણે વકિલ વિજયભાઇ સાથે બેફામ ગાળાગાળી કરી, તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ધમકી આપી હતી કે-જો હવે આ જમીનમાં પગ મૂકીશ તો તને જાનથી મારી નાખીશ.
આ બનાવના પગલે વિજયભાઇએ તાત્કાલિક ૧૧૨ નંબર પર ફોન કરતા પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને આવતી જોઈ આરોપી ઘનશ્યામભાઈ જેસીબી અને ટ્રેક્ટરો લઈને ત્યાંથી નાસી ગયો હતો. આજીડેમ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ તેજપાલસિંહ જે. સરવૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:43 AM IST)










