તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
જિલ્લા પંચાયતમાં ફરી ભાજપની સત્તા આવે તો રાજુ ડાંગર, અર્જુન ખાટરિયા અથવા સંજય પીપળિયા પ્રમુખ
કલ્પનાના ઘોડા હણહણ્યાઃ પરિણામ પછી દાવેદારો સવારી કરી રેસમાં જોડાશે : ૩૬ બેઠકો માટે ભાજપના ૩૬, કોંગ્રેસના ૩૪, ‘આપ'ના ૩૩ સહિત કુલ ૧૦૯ ઉમેદવારો : પ્રમુખપદ બક્ષીપંચ માટે અનામતઃ અન્ય અમૂક નામ પણ ચર્ચામાં: પાટીદારને ઉપપ્રમુખ અથવા કારોબારી અધ્યક્ષ પદ

રાજકોટ, તા. ૧૬: જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે તા. ર૬ રવિવારે ચૂંટણી યોજાનાર છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની એક પણ બેઠક બિનહરીફ થઇ નથી. ભાજપના ૩૬ કોંગ્રેસના ૩૪ અને આમ આદમી પાર્ટીના ૩૩ સહિત અન્ય પક્ષ અને અપક્ષો મળી કુલ ૧૦૯ ઉમેદવારો મેદાનમાં છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ પ્રમુખ પદ બક્ષીપંચ માટે અનામત છે. જિલ્લામાં જ્ઞાતિના સમીકરણો જોતા પંચાયતનું પ્રમુખપદ આહીર અથવા કોળી સમાજને મળે તેવી પ્રબળ શકયતા છે. કડવા-લેઉવા પાટીદારને ઉપપ્રમુખ પદ અથવા કારોબારી અધ્યક્ષ પદ આપવામાં આવે તેવી સંભાવના છે. પ્રમુખ પદ માટે ત્રણ-ચાર નામ વહેતા થયા છે.
પ્રમુખ બનવા માટે પોતે જીતે અને પોતાના પક્ષની બહુમતી આવે તે જરૂરી છે. જિલ્લા પંચાયતમાં વિતેલા પાંચ વર્ષની જેમ આવતા પાંચ વર્ષ માટે પણ ભાજપ તરફી જનદેશ આવશે તેવી રાજકીય સમીક્ષકોની ધારણાના આધારે આવતા અઢી વર્ષ માટેના પ્રમુખ પદના સંભવિત નામો ચર્ચાવા લાગ્યા છે.
ગોંડલ તાલુકાની મોવૈયા બેઠક પરથી ચૂંટણી લડતા પૂર્વ ઉપપ્રમુખ શ્રી રાજુ ડાંગર પ્રમુખ પદના સૌથી વધુ મજબૂત ઉમેદવાર ગણાય છે. કોંગ્રેસમાંથી ૪ વખત પંચાયતમાં ચૂંટાઇને ભાજપમાં આવેલા શ્રી અર્જુન ખાટરિયા આ વખતે ભાજપના લડવૈયા તરીકે કોટડાસાંગાણી બેઠક પરથી મેદાનમાં છે. પ્રમુખ પદ માટે તેમનું નામ વ્યાપક ચર્ચામાં છે. રાજકોટ તાલુકાની કુવાડવા બેઠક પરથી ચૂંટણીમાં ઝુકાવનાર ચુવાળીયા કોળી સમાજના શ્રી સંજય પીપળિયાનું નામ સંભવિત નવા પ્રમુખની યાદીમાં મોખરે ગણાય છે. કુવાડવા પંથકમાં તેમના રાજકીય મૂળ ઉંડા છે. તેઓ તાલુકા પંચાયતના સભ્ય તરીકે રહી ચુકયા છે. ઉપરાંત લોધિકા બેઠકના ઉમેદવાર દિલીપ ધીરૂભાઇ સરવૈયા (ખાંટ રાજપૂત) ગોંડલ તાલુકાની બેઠકના સામદભાઇ ગાંભવા અથવા અન્ય કોઇ નામ પ્રમુખ પદ માટે ચર્ચામાં આવી શકે છે.
પ્રમુખ પદની પસંદગી વખતે હાઇકમાનું ઉમેદવારની વ્યકિતગત ક્ષમતા, જ્ઞાતિ, ભૂગોળ, ઉમર, શિક્ષણ તેમજ નજીકના જિલ્લાઓના પ્રમુખની પસંદગીના સમીકરણો ધ્યાને લ્યે છે.(૬.૧૪)
(3:06 PM IST)










