તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
પ્લાસ્ટીક સ્ક્રેપમાં ભાગીદારીના નામે બેડી યાર્ડના વેપારી સાથે સુરતના રાકેશ માંડોતની ૧.૬૩ કરોડની ઠગાઇ
યાર્ડમાં કામનાથ ટ્રેડીંગનો વહિવટ સંભાળતા જીગરભાઇ સોરઠીયા સાથે સુરતના શખ્સે ગયા વર્ષે સંપર્ક કરી વિશ્વાસ કેળવી ફ્રોડ આચર્યુઃ કુવાડવા પોલીસમાં ફરિયાદ જીગરભાઇએ ૨ કરોડ ૨૯ લાખનું રોકાણ કર્યુ તેની સામે ૬૫.૮૨ લાખજ પાછા દીધાઃ ઉઘરાણી કરતાં રાકેશે કહ્યું-હું શેર બજારમાં હારી ગ્યો છું, પછી આપી દઇશ!

રાજકોટ તા. ૧૧: રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલી જાણીતી પેઢીના મહેતાજીને વિશ્વાસમાં લઈ સુરતના એક વેપારીએ ભાગીદારીમાં પ્લાસ્ટિકના સ્ક્રેપનો ધંધો કરવાના બહાને રૂ. ૧,૬૩,૨૯,૩૦૦-એક કરોડ ત્રેસઠ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસોની છેતરપિંડી કરતાં યાર્ડમાં ચર્ચા જાગી છે. ઠગાઈ આચરનાર આરોપીએ વેપારી પાસેથી મેળવેલા નાણાં શેરબજારમાં હારી ગયાનું બહાનું બતાવી રકમ પરત ન આપતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે રણછોડનગર-૧૦માં રહેતાં અને બેડી માર્કેટ યાર્ડમાં કામનાથ ટ્રેડીંગ નામની પેઢીમાં સોળ વર્ષથી મહેતાજી તરીકે નોકરી કરતાં અને પેઢીના તમામ એકાઉન્ટનો વહિવટ તથા વેપાર સંભાળતા જીગરભાઇ સુરેશભાઇ સોરઠીયા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી સુરત પાલ વિસ્તાર ગોવર્ધન સ્કાયલાઇન ૧૦૦૨-બી-વિંગમાં રહેતાં રાકેશ પુખરાજભાઇ માંડોત વિરૂધ્ધ રૂા. ૧ કરોડ ૬૩ લાખ ૨૯ હજાર ૩૦૦ની ઠગાઇ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જીગરભાઇ સોરઠીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે બેડી યાર્ડની કામનાથ ટ્રેડીંગ પેઢી મારા પિતા સુરેશભાઇ દામજીભાઇ સોરઠીયા અને કાકા મહેશભાઇ દામજીભાઇ સોરઠીયા તથા કાકા જયકિશનભાઇ ચનાભાઇ સોરઠીયા અને દાદા ચનાભાઇ મેઘજીભાઇ સોરઠીયાની માલિકીની છે. દોઢ વર્ષ પહેલા રોકશ માંડોત જે સુરતનો છે તે વેદાંત ઇકો પ્લાસ્ટ નામની પેઢી ધરાવતો હતો. જે પેઢીમાં પ્લાસ્ટીકના રો-મટીરીયલ્સનો વેપાર કરતો હોઇ જેથી તેની સંપર્કમાં આવ્યો હતો. આ પછી હું પેઢીના સંચાલકોની મંજુરીથી રાકેશ સાથે વેપાર કરતો હતો. એક બે વખત રાકેશ બેડી યાર્ડની પેઢી ખાતે રૂબરૂ આવ્યો હતો. આ પછી અમારે એક બીજા સાથે પ્લાસ્ટીકના સ્ક્રેપનો વેપાર ચાલુ હતો.
આ રીતે અમારી વચ્ચે વ્યાપારીક સંબંધ હતાં. ત્યારબાદ ઓગસ્ટ-૨૦૨૫માં રાકેશ માંડોતે મારો સંપર્ક કરી જણાવ્યું હતું કે તેની પેઢીને જીએસટી તરફથી નોટિસ મળી છે. જેથી નોટિસનો નિકાલ ન આવે ત્યાં સુધી પેઢીના નામના બિલ બનાવવાની જગ્યાએ તમામ વહીવટ તેમની માતા વિમલાબેન જૈન, પત્નિ રિંકલબેન જૈન અને તેમના પોતાના ખાતામાં કરવાનો રહેશે. રાકેશે એવી પણ લાલચ આપી હતી કે રોકાણ તમારું રહેશે, મહેનત મારી રહેશે અને નફામાં બંને સરખો ભાગ રાખશું.
આ પછી રાકેશ માંડોતની વાત પર વિશ્વાસ રાખી મેેં મારી પેઢીના માલિકોની મંજુરીથી તા. ૨૯/૦૮/૨૦૨૫ થી તા. ૧૭/૦૪/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન પ્લાસ્ટિક મટીરીયલની ખરીદી માટે મોટી રકમ ચુકવી હતી. જેમાં રાકેશના માતા વિમલાબેનના ખાતામાં બેંક મારફતે રૂ. ૧,૩૭,૮૪,૮૦૦ આપ્યા હતાં. જેની સામે રાકેશે માત્ર રૂ. ૩૯,૪૨,૦૦૦નો હિસાબ આપી બાકીના રૂ. ૯૮,૪૨,૮૦૦ પચાવી પાડ્યા હતાં. આ જ રીતે તેના પત્નિ રિંકલબેનના ખાતામાં બેંક મારફતે રૂ. ૪૪,૧૬,૫૦૦ આપ્યા હતાં. જેની સામે માત્ર રૂ. ૨૪,૦૦,૦૦૦નો હિસાબ આપી રૂ. ૨૦,૧૬,૫૦૦ આપ્યા નહોતાં.
તેમજ રાકેશ માંડોતના ખાતામાં બેંક મારફતે રૂ. ૧૩,૨૦,૦૦૦ અને આંગડિયા મારફતે રૂ. ૩૪,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૪૭,૨૦,૦૦૦ આપ્યા હતાં. જેની સામે માત્ર રૂ. ૨,૫૦,૦૦૦ નો હિસાબ આપી રૂ. ૪૪,૭૦,૦૦૦ પચાવી પાડયા હતાં. આ રીતે મેં રાકેશ માંડોતના કહેવાથી કુલ રૂ. ૨,૨૯,૨૧,૩૦૦ ચૂકવ્યા હતા, જેની સામે આરોપી રાકેશે માત્ર રૂ. ૬૫,૯૨,૦૦૦ નો જ માલ-હિસાબ આપ્યો હતો.
જીગરભાઇએ વધુમાં જણાવ્યું છે કે બાકી નીકળતી રૂ. ૧,૬૩,૨૯,૩૦૦ની રકમ અંગે જીગરભાઈએ અવારનવાર ઉઘરાણી કરતા રાકેશ માંડોતે એવો ખુલાસો કર્યો હતો ક-તમે આપેલા રૂપિયા હું શેરબજારમાં હારી ગયો છું અને થોડા દિવસોમાં પરત આપી દઈશ. આ પછી મેં અગાઉ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી ત્યારે પણ આરોપીએ નાણાં ચુકવી દેવાની બાંહેધરી આપી હતી. પરંતુ લાંબો સમય વિતી જવા છતાં એક પણ રૂપિયો પરત ન આપતા આખરે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો થયાનું જણાતાં કુવાડવા પોલીસમાં જાણ કરી હતી અને ફરિયાદ દાખલ કરાવી હતી. પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં પીએસઆઇ એમ. આર. મકવાણાએ તપાસ હાથ ધરી છે
(3:48 PM IST)










