News of Thursday, 9th July 2026
રાજકોટમાં ફાયરિંગ કરી હત્યાના આરોપી રણજીત વાળા અને તેના પુત્ર સહીત ત્રણ શખ્સોને સરધાર નજીકથી ઝડપી લેવાયા
આરોપીઓએ ઘટનાસ્થળે 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કરતા કૃષ્ણસિંહ જાડેજાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું: આરોપીઓ પાસેથી જે હથિયાર મળેલ તે ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું

રાજકોટમાં ગત રાત્રે બનેલી ફાયરિંગ અને હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રણજીત વાળા અને તેના પુત્ર સહિત કુલ ૩ શખ્સોને સરધાર નજીકથી ઝડપી પાડ્યા છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને કારણે આરોપીઓ ભાગી છૂટવામાં નિષ્ફળ રહ્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ મામલાની શરૂઆત એક સગીર અને કૃષ્ણસિંહ જાડેજા વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીથી થઈ હતી. વિવાદ એટલો વકરી ગયો કે સગીરે તુરંત જ તેના મોટાભાઈ અને પિતા રણજીત વાળાને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા. સ્થળ પર પહોંચતા જ રણજીત વાળાએ હથિયાર કાઢી આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આરોપીઓએ ઘટનાસ્થળે 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કરતા કૃષ્ણસિંહ જાડેજાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ કાર લઈને ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે વોચ ગોઠવી તેમને સરધાર નજીકથી દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી જે હથિયાર મળી આવ્યું છે, તે ગેરકાયદે હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે કે આટલી નાની વાતમાં હત્યા કરવા પાછળનું અન્ય કોઈ અંગત અદાવતનું કારણ છે કે કેમ.
(11:32 PM IST)










