<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

વડવાજડીમાં જમાઇના ધમકીભર્યા વિડીયોથી કંટાળી રસીલાબેન પરમારે એસિડ પી લીધું

છ વર્ષથી દિકરી રિસામણે હોઇ ભરણપોષણનો કેસ કર્યો હોવાથી તેણીનો પતિ, સાસરીયા કરતાં હોવાનો આક્ષેપઃ મહિલા રાજકોટ સારવારમાં

 

રાજકોટ તા. ૩૦: કાલાવડ રોડ પર આવેલા વડવાજડી ગામમાં રહેતાં મહિલાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. તેમની દિકરી રિસામણે હોઇ અને સાસરિયા વિરૂધ્‍ધ કેસ કર્યો હોઇ આ કારણે જમાઇ ધમકીભર્યા વિડીયો મોકલી ડરાવતો હોઇ કંટાળીને તેણીએ આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

પ્રાપ્‍ત વિગત મુજબ વડવાજડીમાં રહેતાં રસિલાબેન હરિભાઇ પરમાર (ઉ.વ.૪૫) રાતે નવેક વાગ્‍યે એસિડ પી જતાં સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે  મેટોડા પોલીસને જાણ કરી હતી. રસીલાબેનના પતિ કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે.

રસિલાબેને કહ્યું હતું કે મારી દિકરી મોનાલી છએક વર્ષથી રિસામણે છે અને તેણીએ તેના પતિ સિધ્‍ધાર્થ તેમજ સાસરીયા સામે ભરણપોષણનો કેસ કર્યો છે. અવાર-નવાર દિકરીના સાસરીયા અમને હેરાન કરે છે અને જમાઇ પોતે મરી જશે અને બધાને ફસાવી દેશે તેવા વિડીયો બનાવીને અમને મોકલીને ડરાવે છે, હેરાન કરે છે. આ કારણે કંટાળીને મેં એસિડ પી લીધુ હતું. તેણીના આક્ષેપો અંગે મેટોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:02 AM IST)