<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

રાજકોટના રવિએ ર૪ કલાકમાં ૬પ૧ હેરકટ કરી વર્લ્‍ડ રેકોર્ડ સર્જયો

સોરઠીયા (વાણંદ) સમાજનું ગૌરવ વધાર્યું : રવિ રાઠોડે દક્ષિણ આફ્રિકાના યુવાનનો પ૪૩ હેરકટનો રેકોર્ડ તોડયો : ધો. ૧ર પાસ કર્યા બાદ કેબીનથી વ્‍યવસાય શરૂ કર્યો હતો, આજે પોતાની મહેનતથી રૈયા ટેલીફોન એકસચેન્‍જ સામે આરડી સલૂનના નામે ફેમીલી સલૂન ચલાવી રહ્યા છે, રવિભાઇ જણાવે છે કે આ સિધ્‍ધિ મેળવવા માટે મેં અને મારી ૧૦ લોકોની ટીમ દ્વારા ત્રણ મહિનાથી અથાક મહેનત કરી હતી, રાજકોટમાં મોટી એકેડેમી શરૂ કરવાની ઇચ્‍છા

રાજકોટ : અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કહેવત વધુ એક વખત સાર્થક કરી બતાવી છે રાજકોટના યુવાન રવિભાઇ રાઠોડ (મો. ૯૯ર૪૮૪પ૪૭૦)એ. રાજકોટમાં રહેતા રવિભાઇ રાઠોડ છેલ્લા ર૧ વર્ષથી સોરક્રિયા કરી કંઇક નવું કરવાની નેમના સાથે છેલ્લા ૩ મહિનાથી અથાગ મહેનત કરી રહ્યા હતા અને આખરે તેમને તેમના પરિવારજનો, સબંધીઓ, સ્‍નેહીજનો, મિત્રો અને તેમના ગ્રાહકોના સહયોગથી ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. તેઓએ સતત ર૪ કલાક સુધી ૬પ૧ લોકોના હેરકટ કરી વિશ્વ આખામાં રાજકોટ, સૌરાષ્‍ટ્ર અનેગુજરાતનું નામ રોશન કર્યું છે.

રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એકસચેન્‍જ સામે આરડી સલુન એન્‍ડ એકેડેમી ચલાવતા રવિભાઇ રાઠોડે ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન મેળવવા નિર્ણય કર્યો હતો. ર૦ર૪માં આફ્રિકાના આન્‍દ્રે ગ્રોઇનવલ્‍ડ દ્વારા સતત ર૪ કલાક સુધી પ૪૩ લોકોના હેર કટ કરી વર્લ્‍ડ રેકોર્ડ સર્જયો હતો. જેને તોડી રાજકોટના યુવાન રવિભાઇ રાઠોડએ આ રેકોર્ડ તોડી ર૪ કલાકમાં ૬પ૧ લોકોના હેરકટ કરી ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન મેળવી આ  રોકોર્ડ પોતાના નામે હાસિલ કરી લીધો છે.

રવિભાઇ રાઠોડએ જણાવ્‍યું હતું કે, ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન મેળવવાનું મારું સપનું હતું. આજે એ પૂર્ણ થયું છે. રાજકોટના કાલાવાડ રોડ સ્‍થિત હોટલ એમટીવી ખાતે તા. ર૦.૦પ.ર૦ર૬ સવારે ૬ વાગ્‍યાથી શરૂઆત કરી તા. ર૧.૦પ.ર૦ર૬ સવારે ૬ વાગ્‍યા સુધી સતત ર૪ કલાક ૬પ૧ લોકોના હેર કટ કરવામાં આવ્‍યા હતા. આમાં લગભગ એકથી બે મિનિટના સમય દરમિયાન એવરેજ એક હેર કટ કરવામાં આવ્‍યા હતા. જેમાં મને મેનેજમેન્‍ટ ઉપરાંત અમારા આરડી સલુનના ૧૦ લોકોના સ્‍ટાફ તેમજ મિત્રો વર્તુળો દ્વારા પુરેપુરો સહયોગ મળેલો હોવાનું જણાવેલ હતું.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આ વર્લ્‍ડ રેકોર્ડનું સંપૂર્ણ વિડીયો રેકોર્ડીંગ પણ કરવામાં આવ્‍યું છે. જેમાં પ્રથમ હેર કટ કરાવનાર વ્‍યકિતને એક ફોર્મ ભરવાનું હતું, જેમાં તેમના ફ્રન્‍ટ, બેક અને સાઇડના લેન્‍થ માપવામાં આવી હતી અને બાદમાં હેર કટ થયા પછી પણ લેન્‍થ માપવામાં આવી હતી. એટલું જ નહીં બીફોર આફટરના ફોટા સાથે પણ પુરાવા ગીનીસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ ટીમને સોંપવામાં આવ્‍યા છે.

તેઓ જણાવે છે કે, હું ધો. ૧ર પાસ કર્યા બાદ અમારા મૂળ ધંધામાં લાગી ગયો હતો. જેમાં એ સમયે એટલા રૂપિયા ન હતા કે કોઇ મોટી દુકાન ખરીદી કરી શકી. પરંતુ કોઇપણ કામ નાનું નથી હોતું એમ માની શરૂઆત નાની કેબીનથી કરવામાં આવી હતી. એ સમયે ૭ કિલોમીટર દૂર રહેતો હોવાથી સાયકલ લઇને કેબિન પર દરરોજ સવારે આવી રાત્રે પરત ઘરે જતો. ધીમે ધીમે સમય જતા અથાગ મહેનત અને પરિશ્રમ થકી કેબીનમાંથી ભાડે દુકાન, ત્‍યારબાદ ઘરની દુકાન ખરીદી અને આજે વિશાળ ફેમીલી સલૂન ચલાવી રહ્યા છીએ.

તસ્‍વીરમાં રવિ રાઠોડ સાથે તેમના સાથે સભ્‍યોની ટીમ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

હવે કોઇ જ્ઞાતિબાધ નથી, દરેક

સમાજના યુવાનો સ્‍પેશ્‍યિલ કોર્સ કરી હેર આર્ટીસ્‍ટ બની રહ્યા છેઃરવિ રાઠોડ

રાજકોટ : રવિ રાઠોડ જણાવે છે કે, અગાઉના સમયમાં સૌરક્રિયા એ નાનું કામ માનવામાં આવતું હતું પરંતુ આજે માત્ર વાળંદ સમાજ જ નહીં પરંતુ દરેક સમાજના યુવાનો હેર આર્ટિસ્‍ટ બનવા માંગતા હોય છે અને આ માટે મેગા તેમજ મેટ્રો સિટીમાં કલાસીસ પણ કરતા હોય છે. હું એક વાળંદ સમાજમાંથી આવતો હોવાથી મને મારી જ્ઞાતિનું ગૌરવ છે અને મારા કામ પ્રત્‍યે ધગસ પણ છે. પહેલાના સમયમાં એટલું વળતર ન મળતું પરંતુ હવે કોઇ જ્ઞાતિ બાધ નથી. દરેક સમાજના લોકો હેર આર્ટિસ્‍ટ બની રહ્યા છે. સ્‍પેશ્‍યિલ કોર્સ કરી રહ્યા છે. અમદાવાદ, મુંબઇ, દિલ્લી અને વિદેશોમાં પણ હેર કટીંગ માટેના કોર્સ ચાલુ કરવામાં આવ્‍યા છે અને હવે આગામી ટૂંક સમયમાં રાજકોટમાં મારું એકેડેમીક શરૂ કરવાની મારી ઇચ્‍છા છે. જેથી સૌરાષ્‍ટ્રભરના યુવાનોને દિલ્લી, મુંબઇ સુધી આ કલા શીખવા ધક્કો ન ખાવો પડે.

(3:40 PM IST)