<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ધુરંધર ફિલ્‍મનો અસલી ધુરંધર : મેજર મોહિત શર્મા

આજથી આશરે બાવીસ વર્ષો પહેલાની આ વાત છે. હેવન ઓફ ધ અર્થ અર્થાત ધરતી પરના સ્‍વર્ગ ગણાતા કાશ્‍મીરની સુવર્ણ ભોમકા પર ઘટવા પામેલી આ એક વસ્‍તવિક સત્‍ય ઘટના છે.

બે દાયકા પહેલા ૨૦૦૦ના દસકમાં ૨૦૦૪ની સાલના માર્ચ મહિનાનો એ સમયકાળ છે. ધરતી પરનું સ્‍વર્ગ અને અખંડ ભારતનું એક અભિન્ન અંગ ગણાતું કાશ્‍મીર નર્કની જેમ સળગી રહ્યું હતું.

એક તરફ સ્‍વાયત્તતા અને અધિકારોના વિરોધમાં જમ્‍મુ અને કાશ્‍મીરમાં બળવાખોરો બળવો કરી રહ્યા હતા તો બીજી બાજુ કાશ્‍મીરની નયનરમ્‍ય હિમાચ્‍છિત ખીણોમાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે અવારનવાર થતાં યુદ્ધો અને લશ્‍કરી અવરોધો કાશ્‍મીર અને સરહદની પેલે પાર પોષાઈ રહેલા આતંકવાદને કારણે લાંબા સમયથી ચાલતા વિવાદના કારણે સંઘર્ષમાં પરિણમી રહ્યા હતા.

દેશની સીમા પારથી થતાં સપોર્ટેડ બોમ્‍બ બ્‍લાસ્‍ટ, કરફયુ, હત્‍યા, આતંક અને ડરના માહોલમાં હીઝબુલ મુઝાહિદ્દીન, જેશ-એ-મહોમ્‍મદ અને લશ્‍કર-એ-તોયબાના આતંકવાદીઓ રક્‍ત બીજની જેમ ઉદભવી રહ્યા હતા.

યુવાન કાશ્‍મીરીઓનું બ્રેન વોશ કરીને તેમના હાથમાં ઘાતકી હથિયારો થમાવી કાશ્‍મીરની ખીણોને એટલી બધી ડરામણી અને લોહિયાળ કરી મૂકવામાં આવી હતી કે સ્‍વર્ગ જેવી આ નયનરમ્‍ય ભૂમિની પ્રકૃતિક ઘાટીઓમાં સોળે કળાએ ખીલેલી કુદરતની આ અમુલ્‍ય સંપતિમાં ધબકી રહેલા જનજીવન અને માનવ જીવોનું કોઈજ મૂલ્‍યજ નહોતું રહ્યું.

દિન દહાડે કે આખા દિવસમાં કોઈપણ સમયે સિક્‍યુરિટી ફોર્સિસ સાથે આતંકીઓની થતી મૂઠભેડવાળી ખબરોથી દેશના તમામ અખબારો ભરેલા પડ્‍યા હતા. આવા ગંભીર, કપરા અને તાણયુક્‍ત વાતાવરણમાં ભારતના IB અર્થાત ઇન્‍ટેલીજન્‍સ બ્‍યૂરોને એક એવી ખૂંફિયા માહિતી મળે છે કે આતંકીઓ દેશમાં કોઈ મોટા હુમલાનું પ્રયોજન કરી રહ્યા છે. આવા અકથિત ભય અને દુઃખથી ભરેલા ભારેખમ ગમગીન વાતાવરણમાં ભારતીય સેના અને સિક્‍યુરિટી ફોર્સિસ માટે દુશ્‍મનોના પ્‍લાન અને તેમની ચાલને સફળ બનાવવા માટે તેમણે કરેલ તૈયારીઓ અંગેની અગાઉથીજ જાણકારી અને સટીક ઇન્‍ફોર્મેશન મેળવવી ખુબજ જરૂરી બની હતી.

આવામાં દેશની સરહદો પર આવેલી ભારતીય સેનાની છાવણીઓ પર ઘાતકી આંતકવાદી હુમલાઓ કરી દેશવાસીઓને ડરાવીને લોકોમાં દહેશત ફેલાવવાના મલીન ઈરાદા સાથે ઇફતીખાર ભટ્ટ નામનો એક ખતરનાક કાશ્‍મીરી યુવાન ભારતીય સેનાના ખૂંફિયા લોકેશન દર્શાવતા નકશા અને સેનાની અન્‍ય ગુપ્ત માહિતીઓની પોટલી સાથે પોતાના પ્‍લાનને અંજામ આપવા માટે કાશ્‍મીરની ઘાટીઓમાં આમથી તેમ ભટકીને આતંકીઓના સરદારને શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.

એવામાં એક રાત્રે કાવો એટ્‍લે કે કાશ્‍મીરી ચાય પીતી વખતે ઇફતીખારે કાવો વેચનારા દુકાનદારને કહ્યું કે ભારતીય સેનાના જવાનોએ મારા ભાઈને મારી નાખ્‍યો છે અને હવે મારે તેની મોતનો બદલો લેવો છે. મારી પાસે એક ખુબજ જબરદસ્‍ત પ્‍લાન છે. ઇફતીખાર તેને મળનારા દરેક વ્‍યક્‍તિને આજ વાત કરતો રહ્યો પરંતુ સેનિકો જેવો સશક્‍ત બાંધો ધરાવનારા ૬.૨ ફૂટ ઊંચા, ઘટાદાર દાઢી અને ખભા સુધીના લાંબા વાળવાળા પરંપરાગત કાશ્‍મીરી ફેરા પહેરેલા શુદ્ધ કાશ્‍મીરી ભાષા બોલતા અને કાશ્‍મીરના શોપિયાની ગલીઓમાં આવારાની જેમ ભટકતા આ કાશ્‍મીરી યુવાનની ઘણા દિવસો સુધી કોઈએ નોંધ સુદ્ધા ના લીધી.

ઇફતીખાર તેમછતા પૂરી ધીરજથી દિવસોના દિવસો સુધી કોઈકના આગમનની રાહ જોતો રહ્યો પરંતુ તેને મળવા કોઈ આવ્‍યું નહીં. અચાનક, એક દિવસે એક કાશ્‍મીરી યુવાન ઇફતીખારની પાસે આવ્‍યો અને તેને પોતાની સાથે તેની પાછળ આવવા માટે કહ્યું. આટલા સમયથી ઇફતીખાર જે મોકાની રાહ જોતો હતો તે મોકો આજે તેને સામેથી મળ્‍યો હતો. તે કાંઈપણ વિચાર્યા વગર કે સમય ગુમાવ્‍યા વગર પેલા યુવાનની પાછળ પાછળ ચાલવા લાગ્‍યો. તે યુવક કાશ્‍મીરના શોપિયાની પાતળી સાંકડી ગલીઓ અને ખૂબડ ખાબડ રસ્‍તાઓમાંથી પસાર થતો તેને લઈને કાશ્‍મીરના ઘટાદાર ઘનઘોર ગીચ જંગલોમાં આવી પહોંચ્‍યો.

આ સૂમસામ, વિરાન અને ભયજનક શાંતિવાળા ડરામણા ઇલાકામાં દૂર એકાંતમાં એક નાનકડા ટીલાના પથ્‍થર પર બે વ્‍યક્‍તિઓ શાંતિથી બેઠા હતા જેમના ચહેરાઓ પર અજબ પ્રકારની ક્રૂરતા વર્તાતી હતી.

ખુબજ ડરામણા લાગતાં આ બંને વ્‍યક્‍તિઓએ કાશ્‍મીરી ડ્રેસ ફિરણ પહેરેલી હતી અને સાલ ઓઢેલી હતી. બંને ખતરનાક ઘાતકી હથિયારોથી લદાયેલા હતા. ઇફતીખારના ચહેરા પર અજબની ખુશી અને મનમાં ગજબની શાંતિ હતી કારણ કે આ એજ દિવસ હતો જેનો તેને વર્ષોથી ઇંતેજાર હતો. તેની સામે બેઠેલા ખતરનાક હથિયારોથી લદાયેલા એ બે ઇસમો કાશ્‍મીર હિઝબુલ મુઝાહીદદિનના બે પ્રમુખ અને સૌથી મોટા નામચીન ખૂંખાર આતંકવાદીઓ અબુ તોરારા અને અબુ સબઝાર હતા.

બંને આતંકવાદીઓએ ઇફતીખારને પૂછ્‍યું કે તું કોણ છો અને ભારતીય સેના સામે કેમ લડવા માંગે છે જેના જવાબમાં ઇફતીખારે ભારતીય સેના પર બળાપો કાઢતા એવું સમજાવેલુ કે કેવી રીતે ભારતીય સેનાને કારણે પથ્‍થરમારાની એક ઘટનામાં તેના નિર્દોષ ભાઈનું કરૂણ રીતે મોત નીપજયું હતું. તે ઘટના માટે ભારતીય સેનાને જવાબદાર ગણાવીને તેમને નુકશાન પહોચાડી તેમની સામે તે બદલો લેવા માંગતો હોવાનું તેનું એકમાત્ર મિશન હતું. તેની પાસે એક એવો ફૂલ પ્રૂફ પ્‍લાન હતો કે જે અન્‍ય કોઈની મદદ વગર સફળતાપૂર્વક એક્‍ઝિક્‍યુટ થઈ શકે તેમ નહોતો.

ભારતીય સેના સામે બદલો લેવાની તેની ખુન્નસ ભરેલી ભાવનાથી પ્રેરાઇને તેના ઈરાદાઓને ઈંધણ આપવા માટે બંને આતંકીઓ તેને કાશ્‍મીરમાંજ આવેલા એક ખૂંફિયા રસ્‍તેથી પાકિસ્‍તાન લઈ ગયા જ્‍યાં પૂરા બે અઠવાડીયા સુધી ઇફતીખાર તેમના ગુપ્ત અડ્ડાઑ અને આશ્રયસ્‍થાનો પર આતંકવાદીઓને અપાતી તેમની ખાસ ટ્રેનીંગ લેતો રહ્યો.

આતંકવાદીઓ તેમના આતંકીઓની ભરતીઓમાં વિશેષ સજાગ રહે છે. પરંતુ, અન્‍ય ભરતીઓથી વિપરીત આ કાશ્‍મીરી યુવાને ઉત્‍કૃષ્ટ પહેલ અને ધાર્મિક ઉત્‍સાહ દર્શાવતા તેને તરત જ વધુ નેતૃત્‍વ અને વૈચારિક તાલીમ માટે સીધાજ દાયકાઓનો અસરકારક બળવાખોરીનો અનુભવ ધરાવતા આતંકીઓના લીડર અને હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્‍ડર અબુ સબજાર અને અબુ તોરારા હેઠળ નિયુક્‍ત કરવામાં આવ્‍યો.

આતંકીઓએ પૂરા પંદર દિવસોમાં ઇફતીખારને ભારતીય સેના સામે બદલો લેવાને કાબિલ બનાવી દીધો અને ત્‍યારબાદ તેને LOC અર્થાત બે દેશોની વચ્‍ચે આવેલી લાઇન ઓફ કંટ્રોલ પાર કરાવીને અન્‍ય આતંકીઓ ની ટુકડી સાથે ભારતીય સેનાની ચોકી પર હુમલો કરવાની તક આપી.

આખરે હુમલો કરવાના એ અંતિમ દિવસે બંને આતંકીઓએ ઇફતીખારનો એ પ્‍લાન જોયો જે એકદમ સોલીડ અને સો ટકા સક્‍સેસ પ્રૂફ હતો. પ્‍લાન મુજબ જે આર્મી અને ચેક પોસ્‍ટ પર હુમલો કરવાનો હતો ત્‍યાં ફોજીઓની હલન ચલન કેવી હશે, ત્‍યાં કેટલા સિપાહીઓ હશે, ભારતીય સેનાને આ હુમલા પછી કેટલું મોટું નુકશાન થશે અને હુમલા માટે સાચો સમય ક્‍યો હશે તેમજ ભારતીય સેના ક્‍યા હથિયાર કેવી પરિસ્‍થિતીમાં ક્‍યારે વાપરે છે તે બધીજ મિલીટરી ઓપરેશનોની ગુપ્ત વાતોની જીણામાં જીણી માહિતીઓ ઇફતીખારે આતંકીઓને આપી હતી.

અંજામના એ ગોજારા દિવસે સીમા પારના ગામોમાંથી ત્રણ આતંકીઓ ઓટોમેટિક હાઈટેક મશીનગનો અને ગોળા બારૂદ જેવા જાન લેવા ખતરનાક અને ઘાતકી હથિયારો સાથે સુસજ્જ થઈને ઇફતીખારએ બતાવેલા પ્‍લાનને અંજામ આપવા માટે તેના અડ્ડા પર રાત્રે આવી પહોંચ્‍વાના હતા. પ્‍લાનને આખરી અંજામ આપવાની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી હતી. ઇફતીખાર તેમના ખૂંફિયા રહેઠાણની બહારના ભાગે બે ખૂંખાર આતંકવાદીઓ અને એક પોતે એમ કુલ ત્રણેય જણાં માટે કાશ્‍મીરી ચાય એટ્‍લે કે કાવો બનાવી રહ્યો હતો.

એવામાં અચાનક ઇફતીખારની હિલચાલ પર શક જતા પ્‍લાનની સફળતા અંગે શંકા જણાતા બંને આતંકીઓએ એકબીજા સાથે ગુપ્ત વાતો કરતાં એકે બીજાને કહ્યું આપણે ઇફતીખારના નામ સિવાય તેના વિષે કશુજ જાણતા નથી. શું આ યુવાન ભરોસો કરવા લાયક તો છે ને? એવામાં ઇફતીખાર એક ટ્રેમાં કાવાના ત્રણ ગ્‍લાસ સાથે રૂમમાં દાખલ થયો. રૂમમાં હાજર રહેલા બંને આતંકીઓમાંથી અબુ સબજારને એ વાતની શંકા હતી કે આ યુવાન આટલી કાળજીપૂર્વક લશ્‍કરી હુમલાની યોજના કેવી રીતે બનાવી શકે છે અને તેણે તેને તેની પૃષ્ઠભૂમિ વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું.

અબુ સબજારને તેના પર અવિશ્વાસનો અહેસાસ થતાંજ ઇફતીખારે પોતાની અતિ ઘાતકી એવી AK-47 રાઇફલ રૂમમાં હાજર રહેલા બંને આતંકવાદીઓ તરફ ફેંકતા પૂરા આત્‍મવિશ્વાસથી એવું કહ્યું કે જો તમોને મારા પર વિશ્વાસ ના હોય તો મને તત્‍કાલિકપણે ગોળી મારી દો. ઇફતીખારની આવાઝમાં આટલો બધો આત્‍મવિશ્વાસ અને બદનમાં આટલી બધી ખુમારી છલકતી જોઈને અબુ તોરારા અને અબુ સબઝારે એ વાતને ત્‍યાંજ પડતી મૂકી દીધી. બંને આતંકીઓ ઇફતીખાર પર બેધ્‍યાન થઈ જમીન પર રાખેલી ટ્રેમાંથી કાવાનો ગ્‍લાસ લેવા માટે નીચેની તરફ ઝુક્‍યા કે તરતજ સ્‍ફૂર્તિથી ઇફતીખારે તેના ફિરણમાંથી ૯ એમ.એમ.ની એક ઘાતકી પિસ્‍ટલ કાઢીને બંને આતંકીઓને પોઈન્‍ટ બ્‍લેન્‍ક રેન્‍જથી શુટ કરીને બંનેના ઢીમ ત્‍યાંજ ઢાળી દીધા.

ઇફતીખાર જો ધારત તો આ બંને આતંકીઓને તે પહેલીવાર જ્‍યારે મળ્‍યો ત્‍યારેજ તેમને આસાનીથી મારી શક્‍યો હોત પરંતુ આ બંનેની મોત કરતા તેને વધારે જરૂર હતી તેમના નેટવર્ક, તેમના પ્‍લાન્‍સ, તેમનો અસલી મકસદ, તેમની છુપાવાની ગુપ્ત જગ્‍યા, તેમના સંતાવાના અલગ અલગ મહેફૂસ ઠેકાણા અને તેમના અંડર ગ્રાઉન્‍ડ વર્કર્સ વિષેની માહિતી એકઠી કરવાની જે તેને તેમના અલગ અલગ કેટેગરીના નિષ્‍ણાંતો સાથેની પંદર દિવસોની સધન ટ્રેનિંગ અને વિવિધ આતંકીઓસાથેની મુલાકાત દરમ્‍યાનજ મેળવી લીધું અને ત્‍યારબાદ તેને મોકો મળતાજ તેણે આ બંને ખૂંખાર આતંકીઓના ત્‍યાંજ ઢીમ ઢાળી દીધા. ત્‍યારબાદ તેણે નજીકના ભારતીય આર્મીના બેઝ કેમ્‍પમાં જઈને પોતાની સાચી ઓળખ આપીને તેમની સમક્ષ પોતાની જાતને સમર્પિત કરી દીધી અને તેમને જોઈતી તમામ માહિતીઓ તેમને સુપ્રત કરી દીધી.

વાચક બિરાદર હવે રોમાંચનો એક હળવો ઝટકો ખાવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે સરહદની પેલે પારના કાશ્‍મીરના ગામોમાં અને પાકિસ્‍તાનમાં પ્રવર્તી રહેલાં આતંકવાદીઓની સાથે એક આતંકી બનીને પૂરા પંદર દિવસો સુધી આતંકીની જેમ રહીને તેમની દરેક હિલચાલ પર નજર રાખીને તેમના દરેક પ્‍લાન્‍સ, મકસદો, તેમના સપોર્ટરો, તેમના અતિઆધુનિક હથિયારોના સપ્‍લાયરો, તેમની ભવિષ્‍યની યોજનાઓ વિગેરે વિષેની તમામ સચોટ માહિતીઓ એકત્રિત કરીને આ બધીજ ગુપ્ત ઇન્‍ફોર્મેશન ભારતીય સેનાને આપનાર એ આતંકી ઇફતીખાર અન્‍ય બીજું કોઈ નહીં પરંતુ ભારતના અતિ સિક્રેટ ગુપચાર વિભાગના પ્રથમ પેરા સ્‍પેશિયલ ફોર્સના સિનિયર મિલીટરી રેન્‍કના જાંબાઝ આર્મી ઓફિસર મેજર મોહિત શર્મા હતા જેમણે ભારતીય સેના માટે આતંકીઓનો વેશ ધારણ કરીને તેમની સાથે ભળી જઈને તેમની તમામ ગુપ્ત મહિતીઓ એકત્રિત કરીને તેમનું મિશન સફળતાપૂર્વક પાર પાડ્‍યું હતું.

મેજર મોહિત શર્માએ આતંકીઓ વિષેની આપેલી અત્‍યંત ગુપ્ત અને સચોટ માહિતીના આધારે ભારતીય સેનાએ આગળ જતા કાશ્‍મીરની ઘાટી ઓમાં થનારા ઘણા ખરા આતંકવાદી હમલાઓ, હત્‍યાઓ, કાવતરાઓ, હથિયારોની ખેપો, તેમના સપોર્ટરો અને તેમના નેટવર્કનો પર્દાફાસ કરીને તેમના દરેક કાવતરાઓ અને પ્‍લાન્‍સને એક્‍ઝિક્‍યુટ થતાં પહેલાજ નિષ્‍ફળ બનાવીને ભારતીય જવાનો અને સેંકડો કાશ્‍મીરી લોકલોને વિના કારણે તેમનો જાન ગુમાવીને શહિદ થતાં બચાવ્‍યા હતા.

ભારતના એક અભિન્ન અંગ અને ધરતી પરના સ્‍વર્ગ ગણાતા કાશ્‍મીરની હિમાછીત પર્વતમાળાની પ્રકૃતિક સોંદર્યથી લદાયેલી સ્‍વર્ગ જેવી નયનરમ્‍ય ઘાટીઓમાં સાચેજ ઘટવા પામેલી અને વાસ્‍તવિક જીવનમા વાસ્‍તવમાંજ આકાર લઈ ચૂકેલી આ સત્‍યકથાની આ છે માત્ર મિડલ સ્‍ટોરી. તેનાં રૂવાડા ઊભા કરી દે તેવા ક્‍લાઇમેક્‍સમાં જતાં પહેલા તેનાં વીતી ગયેલા ફલેશબેક પર એક નજર કરીએ.

સાલ ૨૦૦૦ના દાયકામાં વર્ષ ૨૦૦૪ની સાલમાં ભારતમાં સાચેજ થઈ ગયેલા ભારતમાતાના ખાસ પુત્ર અને ભારતીય સેનાના અત્‍યંત બહાદુર જાસૂસી નાયક એવા જાંબાજ મેજર મોહિત શર્માનો જન્‍મ તારીખ ૧૩મી જાન્‍યુઆરી ૧૯૭૮ના રોજ હરિયાણાના રોહતક ખાતે શ્રી રાજેન્‍દ્ર શર્મા અને શ્રીમતી સુશીલા શર્માજીને ત્‍યાં તેમના બીજા સંતાનના સ્‍વરૂપમાં થયો હતો.

બાળપણથી પરિવારમાં ચિન્‍ટુ નામથી, કોચમેટ્‍સ માટે માઇક નામથી અને આતંકવાદીઓ માટે ઇફિતખાર નામથી જાણીતા થયેલા દેશના આ જાંબાઝ સૈનિકને ભારતીય સેનાના જવાનો તેમની રેન્‍ક મુજબ તેમને માનથી મેજર મોહિત શર્મા તરીકે સંબોધતા હતા.

મેજર મોહિત શર્મા નાનપણથીજ માઉથ ઓર્ગન અને સિન્‍થેસાઇઝર વગાડવામાં ખૂબજ નિપૂર્ણ હતા. હકીકતમાં તેમના સ્‍વભાવ અનુસાર તેમને જે કાંઈપણ નવું વાદ્ય મળે તેને વગાડવા માટે તેઓ એટલી હદે મહેનત કરે કે તે વાજિત્ર વગાડવામાં માસ્‍ટર બનીને ટૂંક સમયમાંજ તેઓ તેના નિષ્‍ણાંત બની જાય. તેમના આવા બુલંદ આત્‍મવિશ્વાસથી તેઓ લાઇવ પર્ફોર્મન્‍સ આપવામાં ક્‍યારેય ખચકાટ નહોતા અનુભવતા અને હેમંતકુમારના તેમના પસંદદીદા ગીતોની ધુનોને માઉથ ઓર્ગન પર વગાડીને તેમજ મુખેથી ગાઈને તેઓ તેમના સંમમોહક સ્‍વરબદ્ધ અવાજથી સંભાળનારા હરએક શ્રોતાગણોને તેમના અવાજના જાદુથી મંત્રમુગ્‍ધ કરી દેતા.

મેજર મોહિત શર્માએ દિલ્‍હીના સાઉથ એક્‍સટેન્‍શનમાં આવેલી માનવ સ્‍થલી સ્‍કૂલમાંથી પોતાનું શિક્ષણ શરૂ કરેલું અને ત્‍યારબાદ તેમણે એક વર્ષ માટે સાહિબાબાદની હોલી એન્‍જલ્‍સ સ્‍કૂલમાં પ્રવેશ મેળવ્‍યો અને ત્‍યાંથી તેમણે ૧૯૮૮માં ડીપીએસ ગાઝિયાબાદમાં પ્રવેશ મેળવ્‍યો.

ઉતર પ્રદેશના ગાઝિયાબાદમાં ઉછરેલા મેજર મોહિત શર્મા જ્‍યારે વર્ષ ૧૯૯૫માં ગાઝિયાબાદની દિલ્‍હી પબ્‍લિક સ્‍કૂલમાં પોતાનો ધોરણ ૧૨નો અંડરગ્રેજ્‍યુએટનો અભ્‍યાસક્રમ કરતાં હતા ત્‍યારે નાનપણથીજ તેમનામાં જે દેશભક્‍તિની ભાવના પ્રગટેલી તેને કારણે તેમણે એ વખતેજ NDAની પ્રવેશ પરીક્ષા આપવા માટે પ્રેરિત કર્યા અને એજ અરસામાં તેમણે NDAઅર્થાત નેશનલ ડિફેન્‍સ એકેડેમીની પ્રવેશ પરીક્ષા પણ આપી દીધેલી. ધોરણ ૧૨નો અભ્‍યાસક્રમ સારા માર્કસથી પૂરો કર્યા પછી તેમના માતાપિતા એવું ઇચ્‍છતા હતા કે તેઓ એન્‍જાિનિયર બને અને આથી તેમણે તેમના પરિવારની ભાવનાને માન આપીને મહારાષ્ટ્રના શેગાંવમાં આવેલી શ્રી સંત ગજાનન મહારાજ કોલેજ ઓફ એન્‍જિનિયરિગમાં પ્રવેશ પણ મેળવ્‍યો.

તેમણે મનથી એન્‍જાિનિયરિગ કોલેજમાં પ્રવેશ મેળવેલો પરંતુ નાનપણથીજ તેમનું દિલ ભારતીય સેનામાં જોડાવા માટે ખુબજ ઉત્‍સુખ હતુ. આખરે મનના વિચારો પર દિલની ભાવનાઓનો વિજય થયો અને તેમણે વર્ષ ૧૯૯૫માં પ્રતિષ્ઠિત NDA માં જોડાવા માટે એન્‍જિનિયરિંગ કોલેજને છોડી દીધી. બરાબર આજ અરસામાં તેમને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાંથી ભારતીય સશષા દળોમાં ઓફિસરના હોદ્દા માટે સર્વિસીસ સિલેક્‍શન બોર્ડ તરફથી SSB કોલ મળ્‍યો અને તેઓ પોતાનો એન્‍જિનિયરિગનો અભ્‍યાસક્રમ અધ વચ્‍ચેથીજ પડતો મૂકીને ભોપાલ ખાતે SSBનો ઇન્‍ટરવ્‍યુ આપવા માટે ગયા જેમાં પાસ થયા બાદ તેઓ ડિસેમ્‍બર ૧૯૯૫માં NDA અર્થાત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાં જોડાયા.

NDAમાં તેમના કાર્યકાળ દરમિયાન તેઓ ઇન્‍ડિયા સ્‍ક્‍વોડ્રનના સભ્‍ય બન્‍યા જ્‍યાં તેમણે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને સર્વશ્રેષ્ઠ કેડેટ્‍સમાંના એક તરીકે ઉભરી આવ્‍યા. તેઓ તેમના પ્રિય ઘોડા ઇન્‍દિરા સાથે એક ચેમ્‍પિયન હોર્સ રાઇડર હતા જેઓ કર્નલ ભવાનીસિહના સક્ષમ માર્ગદર્શન હેઠળ તાલીમ પામેલા હતા. તેઓ ફેધરવેઇટ કેટેગરીમાં બોક્‍સિંગ ચેમ્‍પિયન હતા અને શ્રેષ્ઠ તરવૈયાઓમાંના એક હતા. તેમણે IMA અર્થાત ભારતના દહેરાદૂન ખાતે આવેલી ઇન્‍ડિયન મિલીટરી એકેડેમીમાં પોતાની શ્રેષ્ઠતા સાબીત કરવા માટેની ભૂખ ચાલુ રાખી જ્‍યાં તેમને BCA અર્થાત બટાલિયન કેડેટ એડજ્‍યુટન્‍ટના પદની નિમણૂક આપવામાં આવી. તેઓ ભારતના તત્‍કાલીન રાષ્ટ્રપતિ શ્રી કે. આર. નારાયણનને તેમના રાષ્ટ્રપતિ ભવનમાં મળવાની તક સાંપડનારા પસંદ કરાયેલા શ્રેષ્ઠ કેડેટસોમાંના એક એવા સૌથી બાહોશ કેડેટ હતા.

તારીખ ૧૧મી ડિસેમ્‍બર ૧૯૯૯ના રોજ તેઓ IMA માંથી પાસ થયા અને મદ્રાસ રેજિમેન્‍ટની ૫મી મદ્રાસ બટાલિયનમાં કમિશન્‍ડ થયા. તેમનું પહેલું પોસ્‍ટિંગ હૈદરાબાદમાં થયુ કે જ્‍યાંથી તેઓ ૩૮ RR અર્થાત રાષ્ટ્રીય રાઇફલ્‍સની ૩૮મી બટાલિયન કે જે ભારતીય સેનાનું બળવાખોર વિરોધી દળ છે તેમાં સામેલ થઈને કાશ્‍મીરમાં બળવાખોરી વિરોધી કામગીરીના ભાગ રૂપે દેશની સેવા કરવા માટે ગયા. અહિયાં તેમને સાલ ૨૦૦૨માં ગેલેન્‍ટ્રી COASM અર્થાત ચીફ ઓફ આર્મી સ્‍ટાફ કમેન્‍ડેશનનો તેમનો પહેલો મેડલ મળ્‍યો. તેઓ શરૂઆતથીજ પેરા-કમાન્‍ડો બનવા માંગતા હોય આગળ જતા તેમને એજ વર્ષમાં ભારતની પેરા સ્‍પેશિયલ ફોર્સીસ કે જેને અનૌપચારિક રીતે PARA SF તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે ભારતીય સેનામાં પેરાશૂટ રેજિમેન્‍ટની સ્‍પેશિયલ ફોર્સ બટાલિયનનું એક જૂથ છે તેમાં ડિસેમ્‍બર ૨૦૦૨માં સીધાજ રિક્રૂટ કરીને તેમની આવડત અને આગવી શૈલીથી પભાવિત થઈને માત્ર એકજ વર્ષમાં એટ્‍લે કે જૂન ૨૦૦૩માં તેમને પ્રશિક્ષિત પેરા કમાન્‍ડોના માનદ પદથી નવાજવામાં આવેલા.

માર્ચ ૨૦૦૪ માં તેમણે બહાદુરીભર્યા કારનામાઓથી કરેલા પરાક્રમો અને હાથ ધરેલા મિલીટરી ઓપરેશન્‍સ માટે તેમને સર્વોચ્‍ચ સેના મેડલથી નવાજવામાં આવેલા અને ત્‍યારબાદ તેમને બેલગામમાં પ્રશિક્ષક તરીકે પોસ્‍ટ કરીને બેલગામમાં કમાન્‍ડોસને તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવેલી. અહિયાં તેમણે પૂરા બે વર્ષ સુધી પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવ્‍યે રાખેલી અને છેવટે કાશ્‍મીરમાં ગુપ્ત કામગીરી કર્યા પછી ઓફિસિયલી તેમને માર્ચ ૨૦૦૪માં કેપ્‍ટન તરીકેની નિમણુક આપીને કેપ્‍ટન તરીકેની બહાદુરી માટે સેના મેડલ એનાયત કરવામાં આવેલો. તેમણે જાન્‍યુઆરી ૨૦૦૫ થી ડિસેમ્‍બર ૨૦૦૬ સુધીના ૨ વર્ષ માટે કમાન્‍ડો વિગ બેલગામમાં પ્રશિક્ષક તરીકે પણ સેવા આપી હતી.

તારીખ ૧૧મી ડિસેમ્‍બર ૨૦૦૫ના રોજ તેમને આપવામાં આવેલી સત્તાવાર બઢતીથી તેઓ કેપ્‍ટનમાંથી સીધાજ ભારતીય સેનામાં મેજર બની ગયા અને જાંબાઝ ઓફિસર મેજર મોહિત શર્માના નામથી આખી ભારતીય સેનામાં એક સેલિબ્રિટિની માફક પ્રખ્‍યાત થઈ ગયા.

વર્ષ ૨૦૦૯માં તેમને કેપ્‍ટનમાંથી મેજર તરીકેની બઢતી મળી. માર્ચ ૨૦૦૯ના રોજ તેઓ તેમની ટીમ સાથે કાશ્‍મીરના કુપવાડામાં હતા જ્‍યાં તેમને હાફરુદા જંગલમાં આતંકવાદીઓના કેમ્‍પ વિશે માહિતી મળી. માર્ચ ૨૦૦૯ દરમિયાન મેજર મોહિત શર્માનું આખું યુનિટ જમ્‍મુ અને કાશ્‍મીરના કુપવાડા જિલ્‍લામાં તૈનાત હતું એ દરમ્‍યાન તેમને કુપવાડા જિલ્‍લામાં કેટલાક આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસ અંગેની ગુપ્ત માહિતી મળી જેના આધારે મેજર મોહિત શર્મા અને તેમના સુરક્ષા દળોએ ૨૧ માર્ચ ૨૦૦૯ ના રોજ આતંકવાદીઓની શોધખોળ કરીને તેમનો નાશ કરવાની કામગીરી શરૂ કરી જેના ભાગરૂપે તેમને હાફરુડાના ઘનઘોર, ગાઢ અને ગીચ જંગલમાં ઘૂસણખોર આતંકવાદીઓ સામે બ્રાવો એસોલ્‍ટ ટીમનું નેતૃત્‍વ સોંપવામાં આવ્‍યું. તેમણે તેમની અસાધારણ વ્‍યૂહાત્‍મક કુશળતા સાથે એક નિર્ભય સૈનિકની જેમ જમ્‍મુ અને કાશ્‍મીરમાં ગેરિલા યુદ્ધ અને જંગલ લડાઇમાં તેમની કુશળતા સાબીત કરી. મેજર મોહિત શર્માએ તેમની ટીમ સાથે જંગલમાં કેમ્‍પ કર્યો અને ૨૧મી માર્ચ ૨૦૦૯ના રોજ મેજર અને તેમના જવાનોનું આતંકવાદીઓ સાથે થયેલા એન્‍કાઉન્‍ટરમાં આતંકીઓ સાથેના અંધાધુન ગોળીબારમાં સાથી કમાન્‍ડોને બચાવવા જતા મેજર મોહિત દુશ્‍મનોની ગોળીઓથી ગંભીર રીતે ઘાયલ થયા તેમછતાં તેમણે તેમની ટીમના સભ્‍યોને ત્‍યાંથી બહાર કાઢ્‍યા અને ગોળી વાગવા છતાં તેમણે વીરતાપૂર્વક ગતિ મેળવતા ગ્રેનેડ ફેંકીને ચાર આતંકવાદીઓને ઠાર માર્યા. આ એન્‍કાઉન્‍ટરમાં સેનાના મેજર મોહિત શર્મા સહિત આઠ સૈનિકો શહીદ થયા હતા.

 મેજર મોહિત શર્માને તેમની અદમ્‍ય બહાદુરી, અવિરત લડાઈ ભાવના અને સર્વોચ્‍ચ બલિદાન માટે ભારતના આર્મી ચીફ દ્વારા પ્રશંસા મેડલ એનાયત કરવા સાથે તેમની શહાદતને નવાજવા માટે રાષ્ટ્રનો સર્વોચ્‍ચ શાંતિ સમયનો શૌર્ય પુરસ્‍કાર મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્‍યો હતો.

રૂપિયા ત્રણ હજાર કરોડના વિશ્વ વિક્રમી વકરા સાથે જગતભરમાં સફળ રહેલી બોલીવૂડ ભારતના સિને ઇતિહાસની સૌથી સફળ બંને ધુરંધર ફિલ્‍મોમાં હમઝા અલી મજારીનું મુખ્‍ય પાત્ર મેજર મોહિત શર્માના જીવન પરથી પ્રેરણા લઈને સર્જવામાં આવેલું છે.

ભારતના જાંબાઝ સિપાહી મેજર મોહિત શર્માના સાહસિક જાસૂસી મિશનો અને આતંકવાદ વિરોધી કામગીરીઓનું વિગતવાર વર્ણન શિવ અરૂર અને રાહુલ સિંહ દ્વારા લખાયેલ પુસ્‍તક ઇન્‍ડિયાઝ મોસ્‍ટ ફિયરલેસ ૨ માં કરવામાં આવ્‍યું છે જેમાં મેજર મોહિત શર્માએ ઇસ્‍લામિક સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં કેવી રીતે ઘૂસણખોરી કરી અને બે ખતરનાક આતંકવાદીઓને મારી નાખ્‍યા તે વિશેની વિસ્‍તૃત વાત કરવામાં આવી છે.

મેજર મોહિત શર્માના શહિદ થયાને આજે સતર વર્ષો એટ્‍લે કે પોણા બે દાયકા પછી પણ હરિયાણાના રોહતકના પેરા સ્‍પેશિયલ ફોર્સના ઓફિસર મેજર મોહિત શર્માને તેમની બહાદુરી અને પરમ બલિદાન માટે ઘરે ઘરે યાદ કરવામાં આવે છે. તેમના પરિવારમાં તેમના પિતા શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ શર્મા, માતા શ્રીમતી સુશીલા શર્મા, મોટા ભાઈ શ્રી મધુર શર્મા અને પત્‍ની લેફટનન્‍ટ કર્નલ ઋષિમા સરીન છે કે જેઓ આર્મી ઓફિસર છે જે વર્ષ ૨૦૦૧માં આર્મી સર્વિસ કોર્પ્‍સમાં કમિશન્‍ડ થયા હતા.

આમ, મેજર મોહિત શર્માના પરિવારે રાષ્ટ્ર પ્રત્‍યેની સેવા ભાવના વારસાગત રીતે ચાલુ રાખી છે જે સમગ્ર દેશવાસીઓ માટે એક ગર્વ લેવા જેવી વાત છે. જય હિન્‍દ... જય ભારત... ભારતમાતાની જય...

 

કમલ જારોલી

 એડવોકેટ અને નોટરી, રાજકોટ 

 

(3:25 PM IST)