તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
પંચાયત વિભાગમાં બઢતીનો અસ્વીકાર : પ્રમોશન નકારનારા રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જામનગર ૬ નાયબ ચીટનીશોને મૂળ જગ્યાએ પરત મોકલતી રાજ્ય સરકારની મોટી કાર્યવાહી : જુઓ લિસ્ટ
તાલુકા વિકાસ અધિકારી તરીકેની બઢતી જતી કરનારા કર્મચારીઓને હવે એક વર્ષ સુધી પ્રમોશન માટે ધ્યાને લેવાશે નહીં : આર્થિક નુકસાન અને ભવિષ્યની સિનિયોરિટીના હક્કો ગુમાવવા અંગે પંચાયત વિભાગે બહાર પાડી કડક અધિસૂચના

ગાંધીનગર: બુધવાર, તા. ૧૫-૦૪-૨૦૨૬: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ અધિસૂચના બહાર પાડીને ગુજરાત પંચાયત સેવા, વર્ગ-૩ના એવા કર્મચારીઓની બઢતી રદ કરવામાં આવી છે જેમણે તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકેનું પ્રમોશન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. વિભાગ દ્વારા અગાઉ ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ આ કર્મચારીઓને ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ સંવર્ગમાં બઢતી આપીને વિવિધ જગ્યાઓ પર નિમણૂંક આપવામાં આવી હતી. જોકે, સંબંધિત કર્મચારીઓએ સ્વેચ્છાએ બઢતીનો અસ્વીકાર કરતા સરકારે હવે તેઓને તેમના મૂળ હોદ્દા અને કચેરી ખાતે પરત મોકલવાનો નિર્ણય કર્યો છે.
બઢતી અસ્વીકાર કરનારા કર્મચારીઓ અને તેમની વિગત:
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ નીચે દર્શાવેલા ૬ કર્મચારીઓએ બઢતી નકારતા તેઓને મૂળ જગ્યાએ ચાલુ રાખવામાં આવ્યા છે:
રાકેશ ગોરધનભાઇ રાઠોડ: જેઓ રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા હતા, તેઓને મોરબી જિલ્લાના માળીયામીયાણા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી અપાઈ હતી.
મુકુંદરાય એન. રાવલ: રાજકોટ જિલ્લા પંચાયત કચેરીના નાયબ ચીટનીશ, જેઓની વંથલી (જિ. જૂનાગઢ) ખાતે TDO તરીકે નિમણૂંક થઈ હતી.
ભાવેશકુમાર રતિલાલ ભાડેલીયા: સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીના નાયબ ચીટનીશ, જેઓની બઢતી બાદ લાઠી (જિ. અમરેલી) ખાતે નિમણૂંક આપવામાં આવી હતી.
ગૌરાંગકુમાર હર્ષદરાય જોષી: ભાવનગર જિલ્લા પંચાયત કચેરીના નાયબ ચીટનીશ, જેઓને ખાંભા (જિ. અમરેલી) ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે જવાબદારી સોંપાઈ હતી.
કેતન ધનજીભાઈ નકુમ: જામનગર જિલ્લા પંચાયત કચેરીના નાયબ ચીટનીશ, જેઓને પડધરી (જિ. રાજકોટ) ખાતે નિમણૂંક અપાઈ હતી.
રાજેશભાઈ કિશોરભાઈ જોષી: જામનગર જિલ્લા પંચાયત કચેરીના નાયબ ચીટનીશ, જેઓની ગોંડલ (જિ. રાજકોટ) ખાતે TDO તરીકે બઢતી થઈ હતી.
કર્મચારીઓએ ભોગવવી પડશે આકરી શરતો:
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કર્મચારીઓએ બઢતીનો હક્ક સ્વેચ્છાએ જતો કર્યો હોવાથી તેઓ ભવિષ્યમાં આર્થિક નુકસાન પરત મેળવવા કે પ્રવરતા (સિનિયોરિટી) અંગે કોઈ હક્કદાવો કરી શકશે નહીં. જો વર્ગ-૨માં કોઈ ઉચ્ચતર પગાર ધોરણ મેળવેલ હોય તો તે પણ પરત કરવાનું રહેશે. વધુમાં, બઢતીનો ઇનકાર કર્યાની તારીખથી એક વર્ષ સુધી અથવા ખાલી જગ્યા ઊભી થાય ત્યાં સુધી, એ બે માંથી જે મોડું હોય ત્યાં સુધી તેઓને બઢતી માટે વિચારણામાં લેવામાં આવશે નહીં.
રાજ્ય ચૂંટણી આયોગની ૧૦ એપ્રિલ ૨૦૨૬ની મંજૂરી બાદ, રાજ્યપાલના હુકમથી નાયબ સચિવ અચલ સોની દ્વારા આ આદેશો અમલી બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયની નકલ વિકાસ કમિશનર, સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓ અને તિજોરી અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓને જરૂરી કાર્યવાહી અર્થે રવાના કરી દેવામાં આવી છે.
(4:33 PM IST)










