તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
રાજકોટના ભક્તિનગર સ્ટેશનનો ₹૨૬.૮૦ કરોડના ખર્ચે કાયાકલ્પ : ૧૭ જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઈ-લોકાર્પણ થશે
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓ અને ૪ નવી લિફ્ટ સાથે સજ્જ : દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને મુસાફરો માટે વિશ્વસ્તરીય વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાઈ

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ આવતા અને રાજકોટ શહેરની મધ્યમાં સ્થિત ભક્તિનગર રેલવે સ્ટેશનનો ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત અત્યંત આધુનિક અને ભવ્ય પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. આ નવવિકસિત રેલવે સ્ટેશનનું વિધિવત ઉદ્ઘાટન આગામી ૧૭ જુલાઈ ૨૦૨૬ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે. આ ઐતિહાસિક લોકાર્પણ પ્રસંગે ભક્તિનગર સ્ટેશન ખાતે સ્થાનિક કાર્યક્રમ બપોરે ૨ વાગ્યાથી શરૂ થશે. આ પુનર્વિકાસથી દરરોજ અવરજવર કરતા હજારો મુસાફરોને આંતરરાષ્ટ્રીય સ્તરની આધુનિક સવલતોનો સીધો લાભ મળશે.
₹૨૬.૮૦ કરોડના ખર્ચે સ્ટેશન બિલ્ડિંગ અને ફૂટ ઓવર બ્રિજનું નવનિર્માણ:
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ભક્તિનગર સ્ટેશન સૌરાષ્ટ્ર વિસ્તારનું એક અત્યંત મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને વ્યાપારિક હબ હોવાની સાથે દરરોજ સરેરાશ ૬,૯૦૦ મુસાફરોની અવરજવર ધરાવતું અગ્રણી સ્ટેશન છે. મુસાફરોની સતત વધતી ભીડ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કુલ ₹૨૬.૮૦ કરોડનો ભારે ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાંથી સ્ટેશન ભવનના ભવ્ય બાંધકામ માટે ₹૧૧.૮૧ કરોડ અને ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ પાછળ ₹૧૪.૯૯ કરોડની રકમ વાપરવામાં આવી છે.
આધુનિક પ્રતીક્ષાલય, અદ્યતન એસીપી ક્લેડિંગ અને આકર્ષક ગાર્ડન એરિયા:
નવા સ્ટેશન ભવનને આધુનિક એસીપી ક્લેડિંગ સાથે આકર્ષક અને ભવ્ય દેખાવ આપવામાં આવ્યો છે. પ્લેટફોર્મ નંબર ૧ પર આકર્ષક કોટા સ્ટોન ફ્લોરિંગ અને પ્લેટફોર્મ નંબર ૨ તથા ૩ પર મુસાફરોની સુવિધા માટે વધારાના કવર શેડ બનાવવામાં આવ્યા છે. આશરે ૮,૬૦૦ ચોરસ ફૂટના એરિયામાં સ્ટેશન બિલ્ડિંગનું અપગ્રેડેશન અને ૨,૭૬૦ ચોરસ ફૂટમાં વિશાળ કોનકોર્સ હોલ તૈયાર કરાયો છે. મુસાફરો માટે મહિલા અને પુરુષોના અલગ-અલગ એરકન્ડિશન્ડ પ્રતીક્ષાલય, આધુનિક વીઆઈપી રૂમ, અદ્યતન શૌચાલય બ્લોક, શ્રેષ્ઠ લાઈટિંગ અને વેન્ટિલેશનની અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેશન પરિસરને હરિયાળું બનાવવા ૨૫,૬૮૫ ચોરસ ફૂટ વિસ્તારમાં આકર્ષક ગાર્ડન ડેવલપ કરાયો છે, જેમાં વાહનો માટે વ્યવસ્થિત પાર્કિંગ સ્પેસ પણ ફાળવવામાં આવી છે.
વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ:
નવા સ્ટેશન પર વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે ૨૦-૨૦ મુસાફરોની ક્ષમતા ધરાવતી ૪ આધુનિક લિફ્ટ કાર્યરત કરવામાં આવી છે. ૧૨ મીટર પહોળો મુખ્ય ફૂટ ઓવર બ્રિજ અને વેરાવળ દિશા તરફ ૩.૬૬ મીટર પહોળો વધારાનો ફૂટ ઓવર બ્રિજ મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરશે. દિવ્યાંગો માટે વિશેષ પાર્કિંગ, રેમ્પ, ટેક્ટાઈલ ટાઈલ્સ અને દિવ્યાંગ-અનુકૂળ આધુનિક મોડ્યુલર શૌચાલય બનાવાયા છે. પાણીની સુવિધા માટે ૧ લાખ લીટરનો ભૂગર્ભ જળ સંપ અને ૫૦,૦૦૦ લીટરની ઓવરહેડ આરસીસી ટેન્ક પણ ઊભી કરાઈ છે.
આ ભવ્ય પ્રોજેક્ટ અંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ પુનર્વિકાસ રાજકોટ ડિવિઝનની આધુનિક અને સુરક્ષિત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની કટિબદ્ધતા દર્શાવે છે. અહીં ઉપલબ્ધ કરાયેલી મુસાફર-કેન્દ્રિત સુવિધાઓ સૌરાષ્ટ્ર અને રાજકોટના ઔદ્યોગિક, સામાજિક તેમજ વ્યાપારિક ક્ષેત્રના વિકાસને એક નવી ઊંચાઈ અને નવી ગતિ પ્રદાન કરશે.
(12:39 PM IST)










