તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
પડધરીના ખાખરાબેલા ગામના યુવરાજસિંહ જાડેજાની હત્યામાં પકડાયેલ બંન્ને આરોપીઓના રીમાન્ડ મંગાયા
રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સ્પે. સ્કવોડના પીએસઆઇ એ.બી.જાડેજા તથા ટીમે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહને આબુ બોર્ડરથી દબોચી લીધા : પોસ્કો-દુષ્કર્મના કેસમાં બે વર્ષથી ફરાર બંને કચ્છ,

રાજસ્થાન અને મનાલીની હોટલમાં કુક તરીકે કામ કરતા'તાઃ પોતે મોબાઇલ ફોન ન વાપરતા પણ અન્યના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી પરીચીતો પાસે રૂપીયા મંગાવતા'તા : યુવરાજસિંહની હત્યામાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ? તે અંગે બંનેની પુછતાછઃ પોસ્કો અને દુષ્કર્મના કેસમાં વોન્ટેડ રહયા તે દરમિયાન મદદગારી કરનાર શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરશે
રાજકોટ, તા., રપઃ પડધરીના ખાખરાબેલા ગામે યુવરાજસિંહ અનોપસિંહ જાડેજાની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટેલ વોન્ટેડ આરોપીઓને રૂરલ પોલીસે આબુ બોર્ડરેથી ઝડપી લીધા બાદ બંન્નેને આજે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજુ કરાનાર છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ર૦-પ-ર૦૦૬ના રોજ પડધરીના ખાખરાબેલા-પ ગામના દુષ્કર્મ-પોકસો પીડિતાના કાકા યુવરાજસિંહ અને અનોપસિંહ જાડેજા (ઉ.વ.૪૦) પોતાની કાર લઇ રાજકોટથી ખાખરાબેલા ગામ આવતા'તા ત્યારે ગામના પાદરમાં સ્કોર્પીયો કારમાં આવેલા મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસીકસિંહ જાડેજાએ છરીના ઘા ઝીંકી યુવરાજસિંહની હત્યા કરી નાશી છુટયા હતા. બન્ને આરોપી અગાઉ હત્યાનો ભોગ બનનાર યુવરાજસિંહ પરિવારે નોંધાવેલ દુષ્કર્મ-પોસ્કોના ગુન્હામાં ૭૮૧ દિવસની ફરાર હતા અને આ કેસમાં સમાધાન કરવાની યુવરાજસિંહએ ના પાડતા બંન્ને ફરાર આરોપીઓને તેનું ઢીમઢાળી દીધું હતું.
ફરાર આરોપીઓએ ફરીયાદીની હત્યા કરતા અને પડધરી પોલીસની બેદરકારી ખુલતા પડધરીના તત્કાલીન મહિલા પીઆઇ. એસ.એન. પરમાર તથા એચ.એન. રાઠોડ, પી.એસ.આઇ. વાળા તથા એ.એસ.આઇ. ભગીરથસિંહ જાડેજાને રેન્જ આઇજી નિર્લિપ્તરાયે સસ્પેન્ડ કર્યા હતા અને બંને આરોપીઓને ઝડપ્યાં રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરે ધોરાજી એ.એસ.પી. સીમરન ભાડાજના માર્ગદર્શન રૂરલ એલસીબી, રૂરલ એલ.ઓ.જી. રેન્જ તથા ભાયાવદરના પી.આઇ. એ.વી. જાડેજા સહિતના ટીના અધિકારીઓની સ્પેશીયલ સ્કવોડ બનાવાયો હતો.
દરમિયાન ભાયાવદરના પી.આઇ. એ.બી. જાડેજા તથા રૂરલ એલસીબીના વિરભદ્રસિંહ સહિતની ટીમે ફરાર બન્ને આરોપીઓ મહેન્દ્રસિંહ તથા યશપાલસિંહનું પગેરૂ દબાવી બન્ને રાજસ્થાનમાં નાસી જાય તે પૂવર્ળ આબુ બોર્ડરેની મોડી રાત્રીના દબોચી લીધા હતા.
પોલીસ પુછતાછમાં પકડાયેલ બંને આરોપીએ એવી કબુલાત આપી હતી કે તેની સામે પોસ્કો અને દુષ્કર્મની ફરીયાદ થયા બાદ નાસી જઇ કચ્છ-રાજસ્થાન અને મનાલીની હોટલમાં કુક તરીકે કામ કરતા હતા. પોલીસને પોતાનું લોકેશન ન મળે તે માટે બંને મોબાઇલ ફોન વાપરતા ન હતા અને અન્યના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી વોટસએપ કોલ મારફતે પરીચીતો સાથે વાત કરી રૂપીયા મંગાવતા હતા. આરોપી મહેન્દ્રસિંહને ૮૦ થી વધુ નંબર યાદ હોય પરીચીતોને ફોન કરી તેની પાસેથી રૂપીયા મંગાવતા હતા.
પકડાયેલ યશપાલસિંહ અને મહેન્દ્રસિંહને આજે રીમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજુ કરાશે. યુવરાજસિંહની હત્યામાં તેની સાથે અન્ય કોઇ શખ્સો સામેલ હતા કે કેમ? તે અંગેની પુછતાછ હાથ ધરાઇ છે. તેમજ પોસ્કો અને દુષ્કર્મના કેસમાં વોન્ટેડ રહયા એ દરમિયાન તેની મદદગારી કરનાર શખ્સોના નામો ખુલશે તો તેની સામે કાર્યવાહી કરાશે તેમ તપાસનીસ અધિકારી પડધરીના પીઆઇ મયુર ચૌહાણે જણાવ્યું હતું.
(11:49 AM IST)










