તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
બોગસ મેડીકલ સર્ટીફીકેટવાળા સફાઇ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા સ્થગિત કરવા મેયરને રજુઆત
રાજકોટ કામદાર યુનિયને ફરી અવાજ ઉઠાવ્યો : આવતા સપ્તાહે ધરણા

રાજકોટ તા. ૨ : મહાનગરપાલીકામાં કાયમી સફાઇ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા મંજુર કરવાની પ્રક્રિયામાં બોગસ મેડીકલ સર્ટીફીકેટનો ઉપયોગ થયાના ગંભીર આક્ષેપો થયા હોય આવા રાજીનામા કોર્ટના અંતિમ નિર્ણય સુધી સ્થગિત રાખવા રાજકોટ કામદાર યુનિયને મેયરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
આ અંગે વિગતો વર્ણવતા યુનિયનના આગેવાનોએ જણાવ્યુ હતુ કે એનક કિસ્સામાં શારીરિક રીતે સંપૂર્ણ સક્ષમ હોવા છતા અનફીટના મેડીકલ સર્ટીફીકેટ રજુ કરી રાજીનામા મંજુર કરવામાં આવ્યાની શંકાઓ સેવાઇ રહી છે. ત્યારે બીજી તરફ ખરેખર લાંબા સમયથી બીમારીથી પીડાતા હોવા છતા તેમના કેસો લાંબા સમયથી પેન્ડીંગ રાખવામાં આવ્યા છે. જેથી બોગસ મેડીકલ સર્ટીફીકેટ કૌભાંડની તટસ્થ તપાસ કરવા અને કાનુની પ્રક્રિયાનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી રાજીનામા કાર્યવાહી સ્થગિત કરવા માંગણી ઉઠાવાઇ છે.
જો આવતા સપ્તાહ સુધીમાં આ બાબતે ન્યાયી પગલા નહીં ભરાય તો મહાપાલીકાની સામે ધરણા કાર્યક્રમ યોજવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ કામદાર યુનિયનના પારસ બેડીયા (મો.૯૪૦૮૧ ૮૬૦૧૮) અને અન્ય આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:49 PM IST)










