હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ન્યારી રોડ પર મનપાની શનિવારી બજાર સામે વિસ્તારવાસીઓનો વિરોધ
ટ્રાફિકની સમસ્યા ઉકેલવા ખસેડેલી શનિવારી બજાર જ બની ટ્રાફિકનું નવું એપી સેન્ટર! : મામલો અવધ રોડ પર ટ્રાફિકજામ અને ગંદકીથી લોકો ત્રાહિમામ

રાજકોટ તા.૩૧: શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના ઉદ્દેશથી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાતી સાપ્તાહિક બજારોને શહેરની ભાગોળે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ નિર્ણય હવે મનપા માટે જ માથાનો દુખાવો બની રહ્યો છે. કાલાવડ રોડને લાગુ ન્યારી-૧ ડેમ રોડ ઉપર ખસેડવામાં આવેલી શનિવારી બજાર સામે સ્થાનિક રહીશોમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ખસેડાયેલી બજાર જ હવે ટ્રાફિકજામ અને ગંદકીનું કેન્દ્ર બનતાં મનપાની આયોજન પદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે.
વોર્ડ નં. ૧૧ના ન્યારી-૧ ડેમ રોડ ઉપર દર શનિવારે ભરાતી બજારને કારણે ન્યારી રોડ અને અવધ રોડ જંક્શન ઉપર વાહનોની અવરજવરમાં ભારે અડચણો સર્જાઈ રહી છે. ખાસ કરીને વીકએન્ડ દરમિયાન મોટી સંખ્યામાં ફેરિયાઓ અને ખરીદદારો ઊમટી પડતાં રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા વકરી રહી હોવાની સ્થાનિક રહીશોની ફરિયાદ છે.
આટલું ઓછું હોય તેમ બજાર પૂર્ણ થયા બાદ ફેરિયાઓ દ્વારા સ્થળ ઉપર ગંદકી છોડી દેવામાં આવતી હોવાનો પણ રહીશોએ આક્ષેપ કર્યો છે. બજાર બાદ યોગ્ય સફાઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં નારાજગી ફેલાઈ છે.
સ્થાનિક રહીશોએ આ મામલે મહાનગરપાલિકાના પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને શનિવારી બજારને રહેણાંક વિસ્તારથી દૂર અન્ય યોગ્ય સ્થળે ખસેડવાની માગણી કરી છે. આ રજૂઆત બાદ બજારનું ફરી સ્થળાંતર કરવા અંગે વિચારણા શરૂ થઈ હોવાનું જાણવા મળે છે.
જોકે, સમગ્ર મામલે મહાનગરપાલિકાના દબાણ હટાવ અધિકારીનો સંપર્ક કરવામાં આવતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ન્યારી ડેમ રોડ ઉપરની શનિવારી બજાર બંધ કરવા કે અન્યત્ર ખસેડવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના કે આદેશ મળ્યો નથી. સ્થાનિક રહીશોએ સીધી પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હોય તો તેની જાણકારી તેમને નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
હવે આગામી શનિવારે ન્યારી રોડ ઉપર બજાર ભરાશે કે મનપા પદાધિકારીઓ રહીશોની રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય કરશે તેના ઉપર સૌની નજર મંડાઈ છે.










