<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

મનપામાં સસ્‍તા ભાવે ડીઝલ ખરીદીના ઠરાવના ૪૦ દિ' બાદ પણ અમલ ન થયો

કન્‍ઝ્‍યુમર રેટને બદલે બજાર ભાવે ડીઝલ ખરીદવાનો સ્‍ટેન્‍ડિંગ કમિટીનો નિર્ણય કાગળ પર જ રહ્યોઃ હવે ભાવ તફાવત ઘટયા બાદ ટેન્‍ડરની કાર્યવાહી શરૂ

 

રાજકોટ ,તા.૧૫:મહાનગરપાલિકામાં ડીઝલ ખરીદીમાં ખર્ચ બચાવવા માટે સ્‍ટેન્‍ડિંગ કમિટીએ કરેલો મહત્‍વપૂર્ણ ઠરાવ ૪૦ દિવસ બાદ પણ અમલમાં આવ્‍યો નથી. પરિણામે પ્રજાના કરવેરાના લાખો રૂપિયા વધારાના ડીઝલ ખર્ચમાં વેડફાઈ ગયા હોવાનું સામે આવ્‍યું છે. કન્‍ઝ્‍યુમર રેટના બદલે બજાર ભાવે (રિટેલ રેટ) ડીઝલ ખરીદવાનો નિર્ણય ગત ૫ જૂનની સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં તાત્‍કાલિક અસરથી અમલમાં મૂકવાનો ઠરાવ કરવામાં આવ્‍યો હતો, પરંતુ વહીવટી વિલંબ અને પત્રવ્‍યવહારમાં સમય વેડફાતા આજદિન સુધી નવી વ્‍યવસ્‍થા અમલમાં આવી નથી.

રાજકોટ મહાનગરપાલિકા વર્ષ ૨૦૧૫થી ઈન્‍ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના કન્‍ઝ્‍યુમર ડેપો મારફતે ડીઝલ ખરીદે છે. સામાન્‍ય રીતે કન્‍ઝ્‍યુમર રેટ મોટા જથ્‍થામાં ખરીદી માટે લાગુ પડતો હોય છે, પરંતુ અમેરિકા-ઈરાન વચ્‍ચેના યુદ્ધ બાદ ઈંધણની કિંમતોમાં આવેલા અસામાન્‍ય ફેરફારને કારણે કન્‍ઝ્‍યુમર રેટ બજાર ભાવ કરતાં વધુ થઈ ગયો હતો. તે સમયે બજારમાં ડીઝલનો રિટેલ ભાવ પ્રતિ લિટર રૂ. ૯૭.૭૨ હતો, જ્‍યારે મનપાને કન્‍ઝ્‍યુમર રેટ મુજબ રૂ. ૧૩૭.૪૧ ચૂકવવા પડતા હતા. એટલે કે પ્રતિ લિટરે રૂ. ૩૯.૬૯ વધુ ચૂકવવાનો વારો આવ્‍યો હતો.

મનપામાં દરરોજ અંદાજે ૩,૨૮૧ લિટર ડીઝલનો વપરાશ થાય છે. આ મુજબ દરરોજ આશરે રૂ. ૧.૩૦ લાખ જેટલો વધારાનો ખર્ચ થતો હતો, જ્‍યારે માસિક નુકસાન રૂ. ૩૯ લાખ સુધી પહોંચતું હતું. આ સ્‍થિતિને ધ્‍યાનમાં રાખી સ્‍ટેન્‍ડિંગ કમિટીએ તાત્‍કાલિક કન્‍ઝ્‍યુમર રેટથી ખરીદી બંધ કરીને ખુલ્લા બજારમાંથી રિટેલ ભાવે ડીઝલ ખરીદવાનો નિર્ણય કર્યો હતો.

સત્તારૂઢ થયા બાદ મેયર ડો. નેહલ શુક્‍લાએ મનપાના ઈંધણ ખર્ચમાં ૭૦ ટકા સુધી બચત કરવાનો સંકલ્‍પ જાહેર કર્યો હતો. આ સંકલ્‍પને અનુરૂપ જ સ્‍ટેન્‍ડિંગ કમિટીએ ખર્ચ બચાવવાનો નિર્ણય લીધો હતો. તેમ છતાં, ઠરાવ બાદ પણ તેની અમલવારી થઈ શકી નથી.

સૂત્રોના જણાવ્‍યા મુજબ, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયા વચ્‍ચે કેન્‍દ્ર સરકારના પરિપત્ર અને પ્રક્રિયાને લઈને થયેલા પત્રવ્‍યવહારમાં જ મોટાભાગનો સમય પસાર થઈ ગયો. દરમિયાન કોઈ વ્‍યવહારૂ નિર્ણય લેવામાં આવ્‍યો નહીં, જેના કારણે કોર્પોરેશનને લાખો રૂપિયાનું વધારાનું આર્થિક ભારણ સહન કરવું પડ્‍યું.જ્‍યારે અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન કેન્‍દ્ર સરકારે સરકારી કચેરીઓને કન્‍ઝ્‍યુમર રેટથી ઈંધણ ખરીદવા અંગે પરિપત્ર જાહેર કર્યો હતો, ત્‍યારે ગુજરાત સરકારે આવો કોઈ અલગ પરિપત્ર બહાર પાડ્‍યો નહોતો. તેમ છતાં મનપાએ લાંબા સમય સુધી જૂની વ્‍યવસ્‍થા ચાલુ રાખી હતી.

હાલમાં સ્‍થિતિ બદલાઈ ગઈ છે. બજારમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૯૭.૭૨ની આસપાસ છે, જ્‍યારે કન્‍ઝ્‍યુમર રેટ રૂ. ૧૦૧.૦૯ છે. બંને વચ્‍ચે હવે માત્ર રૂ. ૩.૩૮નો જ તફાવત રહ્યો છે. એટલે હવે કોર્પોરેશનને થતું નુકસાન ઘણું ઘટી ગયું છે. જોકે, જ્‍યારે પ્રતિ લિટર લગભગ રૂ. ૪૦નો તફાવત હતો.

(2:48 PM IST)