તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
વિકસિત ભારતના સંકલ્પ સાથે સૌનું જીવન સુખ, સમૃદ્ધિ અને પ્રગતિથી ઝળહળે ઊઠે : ઉદય કાનગડ
ઘેર ઘેર દીપ પ્રગટે, હૈયે હૈયે આશા જાગે... : ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ એ પાંચ પર્વોનો મહાસંગમ : જીવનમાં પ્રકાશ, પ્રેમ અને પ્રેરણાના પાંચ અધ્યાય સમાન ભારતીય સંસ્કૃતિની અનોખી પરંપરા : દિવાળી-નૂતન વર્ષ નિમિત્તે રાજકોટવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય : નવા વિચારો, નવા સંબંધો, નવી આશા, ઉત્સાહ અને ઉમંગથી સૌના જીવનને મહેકાવતું દીપોત્સવી પર્વ બની રહે

રાજકોટ : ઘેર ઘેર દીપ પ્રગટે, હૈયે હૈયે આશા જાગે અને વિકસિત ભારતના સંકલ્પ સાથે દરેકનું જીવન સુખ, સમૃદ્ધિ અને પ્રગતિથી ઝળહળે તેવી મંગલકામના સાથે રાજકોટના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડે શહેરીજનોને પ્રકાશના પાવન પર્વ દિવાળી તથા નવલા નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. નવા વિચારો, નવા સંબંધો, નવી આશા, ચેતના અને ઉમંગથી સૌના જીવનને મહેકાવતું દીપોત્સવી પર્વ જીવનમાં ફેલાયેલા અંધકારને દૂર કરીને પ્રેમ, ભક્તિ, એકતા અને સદભાવનાનો પ્રકાશ ફેલાવનારું બની રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી છે.
ધારાસભ્ય શ્રી ઉદય કાનગડે જણાવ્યું હતું કે, 'જનાઃ ઉત્સવપ્રિયાઃ'ની ઉક્તિને સાકાર કરતા ભારતીયો વિવિધ તહેવારોની ઉજવણી દ્વારા જીવનમાં ઉત્સાહ અને પ્રેરણાનું સિચન કરતા આવ્યા છે. સાતમ-આઠમ અને નવરાત્રિ પર્વનું સમાપન થાય એટલે લોકો આતુરતાપૂર્વક દિવાળીની રાહ જોવા લાગે છે. તહેવારોમાં શિરોમણિ ગણાતા દીપોત્સવી પર્વની ઉજવણી માટે ઘેર ઘેર તૈયારીઓ શરૂ થાય છે. વાઘબારસ પછી ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ એમ પાંચ પર્વોના મહાસંગમને લોકો અદમ્ય ઉત્સાહ અને આનંદોલ્લાસથી ઉજવી ઘરો અને હૃદયોને પ્રકાશિત કરે છે.
દીપોત્સવી પર્વ એ જનસમુદાય દ્વારા પ્રગટાવવામાં આવતા અસંખ્ય દીવડાઓની અનંત હારમાળા થકી અંધકારને હટાવી પ્રકાશ પાથરવાનું સરાહનીય અભિયાન છે. આ પાંચેય પર્વો ભારતીય સંસ્કૃતિની ઉજ્જવળ પરંપરા અને જીવનમૂલ્યોનું પ્રતીક છે. ધનતેરસ એટલે સમૃદ્ધિની કામના સાથે આરોગ્ય, સુખાકારી અને શુભતાના સ્વાગતનો પાવન દિવસ. આ દિવસે ધન-લક્ષ્મીનું પૂજન થાય છે અને ભગવાન ધન્વંતરીની જન્મજયંતિ પણ ઉજવાય છે. કાળી ચૌદશ એટલે નકારાત્મકતા, અજ્ઞાન અને દુર્ગુણોનો ત્યાગ કરીને આંતરિક શક્તિને જાગૃત કરવાનો દિવસ. નરક ચતુર્દશી તરીકે ઓળખાતા આ પર્વે ધાર્મિક મંત્રોચ્ચાર અને પૂજનનું વિશેષ માહાત્મ્ય રહેલું છે.
દિવાળી એ અંધકાર પર પ્રકાશ, અસત્ય પર સત્ય અને નિરાશા પર આશાના વિજયનું મહાપર્વ છે. ઘેર ઘેર દીપમાળા, રંગોળી અને રંગબેરંગી રોશનીથી ઘરો, દુકાનો અને બજારો ઝગમગી ઊઠે છે. ત્યારબાદ નૂતન વર્ષનું મંગલ પ્રભાત નવી આશા, ઊર્જા, ઉત્સાહ અને સંકલ્પો લઈને આવે છે. ભાઈબીજ એ ભાઈ-બહેનના અતૂટ સ્નેહબંધન અને પારિવારિક લાગણીનું પાવન પર્વ છે. આમ, પાંચેય પર્વો જીવનમાં પ્રકાશ, પ્રેમ અને પ્રેરણાના પાંચ અધ્યાય સમાન છે. ધારાસભ્ય શ્રી કાનગડે વધુમાં જણાવ્યું હતું કે, દિવાળીના આગમન સાથે ઘરોની સાફસફાઈ, નવા કપડાં અને ચીજવસ્તુઓની ખરીદી, મીઠાઈઓની વહેંચણી, આંગણામાં રંગોળી અને દીપમાળાના શણગારથી સર્વત્ર ઉત્સવનો માહોલ સર્જાય છે. પરિવારજનો, સગાંસંબંધીઓ અને મિત્રો સાથે હળીમળીને આ પર્વની ઉજવણી થાય છે. દિવાળી બાદ નૂતન વર્ષના મંગલ પ્રભાતે સબરસની ખરીદી તથા શુકન સાચવવાની પરંપરા સાથે લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી મોં મીઠાં કરાવે છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે ભાવપૂર્વક ભોજન ગ્રહણ કરી ઉપહાર આપે છે. આ પરંપરાઓ ભારતીય સંસ્કૃતિમાં રહેલા પ્રેમ અને પારિવારિક એકતાને વધુ મજબૂત બનાવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રી રામચંદ્રજી રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ ઘેર ઘેર દીપ પ્રગટાવી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગ સાથે દિવાળીની ઉજવણીની પરંપરા જોડાયેલી છે. અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આજે પણ પ્રેરણાદાયી છે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ, આત્મનિર્ભરતા, ટેકનોલોજી અને વૈશ્વિક પ્રગતિની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા નૂતન વર્ષે સૌ સંકલ્પબદ્ધ બનીએ. દેશની પ્રગતિમાં દરેક નાગરિક પોતાનું યોગદાન આપે અને વિકાસના લાભો સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનીએ.
રંગીલા રાજકોટવાસીઓ દરેક તહેવારની રંગેચંગે ઉજવણી કરવા માટે જાણીતા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે આયોજિત દિવાળી કાર્નિવલમાં શહેરીજનો ઉત્સાહભેર જોડાય છે. રાત્રિના સમયે રિગરોડ ફરતે રંગબેરંગી રોશનીનો ઝગમગાટ અને નયનરમ્ય શણગાર સૌને આકર્ષે છે. દિવાળી માત્ર રોશની અને આતશબાજીનો ઉત્સવ નથી, પરંતુ માનવહૃદયોને જોડીને અંતરની અમીરાત પ્રગટાવનારું પાવન પર્વ છે. સમાજમાં એકતા, ક્ષમા, સહકાર અને હકારાત્મકતાનું વાતાવરણ સર્જવાનો આ અવસર છે. ગમા-અણગમા, વેરઝેર અને ખટરાગના અંધકારને ઓગાળીને પ્રેમ, હેત અને આનંદનો પ્રકાશ પાથરવાનું આ પર્વ સૌને પ્રેરણા આપે છે. સંબંધોનું સ્નેહથી નવીનીકરણ થાય અને દરેક પરિવારમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનું આગમન થાય તે જ દીપોત્સવી પર્વની સાચી ઉજવણી છે. અંતમાં ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડે રાજકોટ સહિત સૌ શહેરીજનોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દીપાવલીનું દિવ્ય તેજ દરેક ઘરમાં આનંદનો પ્રકાશ ફેલાવે, દરેક હૃદયમાં આશાનો દીપ પ્રગટાવે અને નૂતન વર્ષ સૌના જીવનમાં ઉત્તમ આરોગ્ય, સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ તથા પ્રગતિ લઈને આવે. વિકસિત ભારતના નિર્માણમાં સૌ સહભાગી બને અને આ પવિત્ર પર્વમાળા દરેક પરિવાર માટે મંગલમય તથા કલ્યાણકારી બની રહે તેવી પ્રાર્થના છે.
(3:47 PM IST)










