હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોનું મહાસંમેલન
શિક્ષણ સુધારા વિધેયક-૨૦૨૬ની જોગવાઈઓની સમીક્ષા, વ્યાજબી આરટીઈ ભરપાઈ, એફઆરસીમાં એકરૂપતા અને વહીવટી પ્રક્રિયાઓ સરળ બનાવવાની માંગ

રાજકોટ, તા.૩૦: સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ-ગુજરાત દ્વારા રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોનું મહાસંમેલન આજે તા. ૩૦ના રોજ યોજાયેલ હતુ. સંમેલનમાં સ્વનિર્ભર શાળાઓની સ્વાયત્તતા, આર્થિક સદ્ધરતા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંકળાયેલા પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી સરકાર સમક્ષ નક્કર અને સમયબદ્ધ નિરાકરણની માંગ કરવામાં આવી હતી.
મહામંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ગુજરાતની ૧૭,૦૦૦થી વધુ સ્વનિર્ભર શાળાઓ રાજ્યના શૈક્ષણિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. શાળાઓના હિત, અધિકારો અને સ્વાયત્તતાના રક્ષણ માટે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેના કારણે રાજ્યભરના શાળા સંચાલકોમાં ભારે નારાજગી પ્રવર્તી છે. મહામંડળના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરાએ તેમની માંગણીઓ અંગે જણાવ્યું હતું કે માધ્યમિક શિક્ષણ બોર્ડના સુધારા વિધેયક-૨૦૨૬ની સ્વનિર્ભર શાળાઓને અસર કરતી જોગવાઈઓ અંગે રજૂ કરાયેલા વાંધાઓની સમીક્ષા કરી જરૂરી સ્પષ્ટતા અને સુધારા કરવામાં આવે. શાળાઓની કાયદેસરની સ્વાયત્તતા, વહીવટી અધિકારો અને શૈક્ષણિક સ્વતંત્રતાનું રક્ષણ થાય તથા શાળાઓને અસર કરતા નીતિગત નિર્ણયો લેતાં પહેલાં મહામંડળ સાથે અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવે તેવી સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ માંગ છે.
મહામંડળના પ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે રાજ્યના ચારેય એફઆરસી (FRC) ઝોનની સમિતિઓની નિર્ણયઙ્ઘક્રિયા અને માપદંડોમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી જરૂરી છે. સમાન પરિસ્થિતિ ધરાવતી શાળાઓ માટે સમાન અને પારદર્શક માપદંડો અમલમાં મૂકવામાં આવે, ફી દરખાસ્તોનો નિર્ધારિત સમયમર્યાદામાં નિકાલ થાય અને શાળાઓના વાસ્તવિક સંચાલન ખર્ચને યોગ્ય મહત્ત્વ આપવામાં આવે તેવી તેમણે રજૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ફીનું નિયમન થવું જોઈએ, બિનજરૂરી નિયંત્રણ નહીં. નિયમન ન્યાયસંગત, ખર્ચ આધારિત અને શાળાઓની કાયદેસરની સ્વાયત્તતા જાળવનારું હોવું જોઈએ.
મહામંડળના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ અજયભાઈ પટેલે આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે મહામંડળની પ્રથમ પ્રાથમિકતા સરકાર સાથે સંવાદ દ્વારા પ્રશ્નોનો ઉકેલ મેળવવાની છે. સૌરાષ્ટ્ર ઝોનના મહાસંમેલન, અન્ય ઝોનના કાર્યક્રમો અને દિવાળી બાદ ગાંધીનગર ખાતે સામૂહિક રજૂઆત દ્વારા સરકાર સમક્ષ પ્રશ્નો મૂકવામાં આવશે. તેમ છતાં નક્કર અને સમયબદ્ધ ઉકેલ નહીં મળે તો અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર તા. ૯ અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૬ના રાજ્યવ્યાપી બે દિવસ શાળાઓ બંધ રાખીને વિરોધ નોંધાવવાની દિશામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.
મહામંડળના હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું હતું કે, ‘અમે સરકાર સાથે સંવાદ અને સહકારથી પ્રશ્નો ઉકેલવા ઇચ્છીએ છીએ. અમારી માંગ કોઈ વિશેષ છૂટછાટની નથી; ન્યાયસંગત ફી નિયમન, વાસ્તવિક ખર્ચ આધારિત આરટીઈ ભરપાઈ, એફઆરસીમાં એકરૂપતા, વહીવટી પારદર્શિતા અને શાળાઓની કાયદેસરની સ્વાયત્તતાનું રક્ષણ થાય તે અમારી માંગ છે. હવે માત્ર આશ્વાસનોને બદલે નક્કર નિર્ણયો અને સમયબદ્ધ અમલીકરણ જરૂરી છે.'
‘સમાન પ્રશ્ને સમાન નિર્ણય' ના અભિગમ સાથે યોજાયેલા આ મહાસંમેલનમાં સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોએ ઉપરોક્ત મુદ્દાઓ અને આગામી રણનીતી અંગે ચર્ચા અને વિચારણા કરી હતી. સૌરાષ્ટ્ર કક્ષાનું આ અધિવેશન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના યજમાન પદે સફળતાપૂર્વક યોજાયું. આ માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી. વી. મહેતા અને પ્રમુખ અવધેશભાઈ કાનગડની આગેવાનીમાં મંડળના કારોબારી સભ્યો અને હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી










