તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Monday, 20th April 2026
રાજકોટના નિવૃત ફોૈજીએ પોૈત્રના જન્મદિવસે જ ગુમાવ્યો યુવાન દિકરોઃ ફસડાઇને સ્વીમિંગ પૂલમાં પડી જતાં અજયભાઇનું મોત
કાગવડ પાસેના હેવન રિસોર્ટમાં કરૂણ ઘટનાઃ રાઠોડ પરિવારની ખુશી શોકમાં પલ્ટાઇ ગઇ : અજયભાઇ રાઠોડના ૮ વર્ષના દિકરાનો જન્મદિવસ હોઇ પરિવારજનો ઉજવણી માટે રિસોર્ટમાં ગયા હતાં: મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૨૦: ગોંડલ તાલુકાના કાગવડ પાસે આવેલા રિસોર્ટમાં આજે રવિવારે ૮ વર્ષના દિકરાના જન્મ દિવસ નિમીતે ઉજવણી કરવા અને ન્હાવાની મોજ માણવા સપરિવાર ગયેલા ગોંડલના ગોમટા નજીકના નવાગામના યુવાન અજયભાઇ ભાણજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૩)નું સ્વીમિંગ પૂલમાં ન્હાતી વખતે બેભાન થઇ પૂલમાં પડી ગયા બાદ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. રાજકોટથી પોૈત્રના જન્મદિવસની ઉજવણી કરવા નિવૃત ફોૈજી દાદા તેમજ દાદી સહિતના પરિવારજનો પણ સામેલ થયા હતાં. પોૈત્રના જન્મદિવસે નિવૃત ફોૈજીએ પોતાનો યુવાન દિકરો ગુમાવી દેતાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલના નવાગામમાં રહેતાં અજયભાઇ ભાણજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૩)ના દિકરા વિહાન (ઉ.વ.૮)નો ૧૯મીએ રવિવારે જન્મદિવસ હોઇ તેમણે ઉજવણી કરવાનું આયોજન કર્યુ હતું. અજયભાઇ, તેમના પતિન પારૂલબેન, પુત્ર વિહાન સાથે આ ઉજવણીમાં રાજકોટ આંબેડકરનગરમાં રહેતાં વિહાનના દાદા નિવૃત ફોૈજી ભાણજીભાઇ રાઠોડ, દાદી, તેમજ કાકા, કાકી સહિતના પરિવારજનો પણ સામેલ થયા હતાં.
રાઠોડ પરિવારના આ તમામ સદસ્યો ગોંડલના કાગવડ નજીક આવેલા હેવન રિસોર્ટ ખાતે ઉજવણી કરવા પહોંચ્યા હતાં. બધા લોકો બપોરે એકાદ વાગ્યે પૂલમાં ન્હાઇ રહ્યા હતાં અને મજા માણી રહ્યા હતાં ત્યારે અજયભાઇ ન્હાતી વખતે પૂલમાંથી બહાર આવ્યા હતાં અને પૂલ પાસે જ અચાનક બેભાન થઇ જતાં ફરી પૂલમાં પડી ગયા હતાં. તે વખતે તેમનો દિકરો વિહાન પણ બાજુમાં જ હતો. થોડીવાર સુધી શરીરનું હલનચલન ન થતાં બીજા સદસ્યોને શંકા ઉપજતાં તપાસ કરતાં અજયભાઇ બેભાન જણાતાં તુરત જ બહાર કાઢી સીપીઆર અપાયુ હતું અને ૧૦૮ બોલાવી સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.પરિવારજનોએ સીસીટીવી ફૂટેજ જોતાં અજયભાઇ પૂલની બહાર આવ્યા બાદ એકાએક બેભાન થઇ ગયા બાદ અંદર પડી જતાં દેખાયા હતાં. કદાચ હાર્ટએટેક આવી ગયાની શક્યતા જણાઇ હતી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે. મૃતયુ પામનાર અજયભાઇ બે ભાઇમાં મોટા હતાં અને સેલ્સ માર્કેટીંગનું કામ કરતાં હતાં. તેમના પિતા, માતા સહિતના પરિવારજનો રાજકોટ ગોંડલ રોડ આંબેડકરનગરમાં રહે છે. નિવૃત ફોૈજી દાદાએ પોતાના પોૈત્રના જન્મદિવસે યુવાન દિકરાને ગુમાવી દીધો હતો. સમગ્ર રાઠોડ પરિવારમાં આ બનાવથી શોકની કાલીમા વ્યાપી ગઇ છે. ગોંડલ તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(12:15 PM IST)










