તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
મહેસૂલ કર્મચારીઓની માસ સીએલની રજા નામંજૂરઃ ફિકસ પગારદાર
કર્મચારીઓ પણ જોડાયાઃ ૧ દિ'માં ૪૦૦ ફાઇલો અટકી પડી હાલ કોઇ કડક ચેતવણી અપાઇ નથીઃ બુધવારથી શરૂ થતી બેમૂદતી હડતાલ અંગે સરકારી સૂચના બાદ નિર્ણય..

રાજકોટ, તા.૫: રાજ્યભરમાં મહેસૂલી કર્મચારીઓ દ્વારા પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને આજે માસ સીએલ પર ઉતરી જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને કારણે રાજ્યભરની સરકારી કચેરીઓમાં વહીવટી કામગીરી પર ભારે અસર જોવા મળી રહી છે. આ આંદોલનમાં માત્ર કાયમી કર્મચારીઓ જ નહીં, પરંતુ હંગામી અને કરાર આધારિત કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે, જેના કારણે મહેસૂલી તંત્રની કામગીરી લગભગ ઠપ થઈ ગઈ છે. રાજકોટ શહેર-જીલ્લામાં ૧૦૦ જીલ્લા ફિકસ પગારદાર કર્મચારીઓ પણ હડતાલ ઉપર ઉતરી ગયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.
બીજી બાજુ તંત્રે કડક નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા કર્મચારીઓની માસ સીએલ નામંજુર કરી દેવામાં આવી છે. કચેરીઓમાં કામકાજ પ્રભાવિત ન થાય અને અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટી સ્તરે આ પગલું લેવામાં આવ્યું છે.
દરમિયાન આગામી બુધવારથી શરૂ થનારી બેમુદતી હડતાલ અને કર્મચારીઓની હડતાલને લઈને કલેક્ટરે પત્રકારને સ્પષ્ટ જણાવ્યું છે કે, ‘‘અત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ આગામી સમયમાં સરકાર તરફથી જેવી સૂચના મળશે તે મુજબ નિયમનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.''
કર્મચારીઓની જીદ અને તંત્રની કડકાઈ વચ્ચે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી સંભાવના છે, જેના પર નાગરિકો અને વહીવટી વિભાગની નજર ટકેલી છે.
દરમિયાન એક દિ'ની માસ સીએલમાં રાજકોટ શહેર- જીલ્લાની તમામ મહેસૂલ કચેરીઓ, ઇ-ધારા , વિગેરે તમામ બ્રાંચ સૂમસામ નજરે પડી હતી. બીનખેતી, અપીલ, અશાંતધારા સહિતની તમામ ૪૦૦ જેટલી ફાઇલો ૧ દિવસમાં જ અટકી પડયાનું બહાર આવ્યું છે. અરજદારોને ધક્કા થતા ભારે દેકારો મચી ગયો છે.
(3:19 PM IST)










