તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
રિક્ષાથી લઇ ફલેટ સુધીઃ પાંચ સ્થળે દરોડા, કયાંક ખુલેલી ‘બોટલ' તો કયાંક આખી ‘પેટીઓ' મળી
દિવાળી પહેલા દારૂની રેલમછેલ અટકાવવા પોલીસની કવાયત થોરાળા, ગાંધીગ્રામ, ક્રાઇમ બ્રાંચ અને માલવીયાનગર પોલીસના દરોડામાં પાંચ ઝપટે ચડી ગયા

રાજકોટ તા. રઃ દિવાળીના તહેવારમાં દારૂની રેલમછેલ અટકાવવા પોલીસ દ્વારા કવાયત શરૂ કરાઇ છે. થોરાળા, ગાંધીગ્રામ, ક્રાઇમ બ્રાંચ અને માલવીયાનગર પોલીસે રિક્ષાથી લઇ ફલેટમાં અલગ અલગ પાંચ સ્થળોએ દરોડા પાડી વિદેશી દારૂની ખુલેલી બોટલથી લઇ પ૭ હજારના દારૂના જથ્થા સાથે પાંચને ઝડપી લીધા હતા.
થોરાળા પોલીસનાં એએસઆઇ ધીરજભાઇ પરમાર, કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રાજકોટ-ભાવનગર હાઇવે પર આજી જીઆઇડીસીમાં અમન ગેઇટ પાસેથી દારૂ ભરેલી રિક્ષા સાથે ચાલક ગોરધન કરશનભાઇ હરપા (ઉ.વ. પ૦, રહે. શ્યામ કિરણ સોસાયટી, માડા ડુંગર, આજીડેમ ચોકડી પાસે) ને પકડી વ્હીસ્કીની પ૭ હજારની દારૂની ૮૧ બોટલ, રિક્ષા અને ફોન સહિત રૂા. ૧.૬૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્સ. ભગીરથસિંહ જાડેજા, કોન્સ. સનીશભાઇ લાવડીયા સહિતના સ્ટાફે બજરંગવાડી નજીકથી સ્કુટરમાં દારૂ લઇને નિકળેલા દિપેશ ઉર્ફે ભટીયો દિલીપભાઇ કંબોડીયા (ઉ.વ. ર૬, રહે. અક્ષરનગર) ને પકડી રૂા. ૧૦ હજારની વ્હીસ્કીની ૬ બોટલ કબ્જે કરી હતી.
ત્રીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. તુલશીભાઇ ચુડાસમા, કોન્સ. સંજયભાઇ ખાખરીયા સહિતે મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં સેટેલાઇટ એપાર્ટમેન્ટમાં રહેતાં રમેશ લાલજીભાઇ રાઠોડ (ઉ.વ. ૩૬) નાં મકાનમાં દરોડો પાડી તેને પકડી વ્હીસ્કીની બે લીટરની બોટલમાં ભરેલા દોઢ લીટર વિદેશી દારૂ, ફોન સહિત રૂા. ર૬ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. પુછતાછમાં મનીષ પરબત હેરમાનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
ચોથા દરોડામાં ક્રાઇમ બ્રાંચનાં હેડ કોન્સ. દિપકભાઇ ચૌહાણ, કોન્સ. રાજેશભાઇ ચાવડા સહિતના સ્ટાફે બેડી ચોકડી નજીક ભગવતીપરા તરફ જતા રોડના ખુણેથી વિજયસિંહ અરવિંદસિંહ ગોહીલ (ઉ.વ. ર૬, રહે. લિલાપર વિસ્તાર, શિહોર, જી. ભાવનગર) ને રૂા. ૭૮૦૦ની વ્હીસ્કીની ર૪ બોટલ સાથે પકડી લીધો હતો.
પાંચમાં દરોડામાં માલવીયાનગર પોલીસના એએસઆઇ કે. કે. નિકોલા, હેડ કોન્સ. કૃણાલસિંહ ઝાલા સહિતના સ્ટાફે એસ.ટી.વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા વિશાલ લક્ષ્મણભાઇ રાઠોડ (ઉ.વ. ૩૦) ને ઘર નજીકથી રૂા. ર૦૧૦નાં વ્હીસ્કીના ૬ ચપલા સાથે પકડી લીધો હતો.
(3:38 PM IST)










