<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

રાજકોટમાં રહી ઇવેન્‍ટ મેનેજમેન્‍ટનું કામ કરતાં કોડીનારના રીયાઝ શેખનો ફાંસો ખાઇ આપઘાત

પત્‍નિ ફોન કરતી હોઇ રિસીવ ન થતાં પરિચીતને ઘરે જોવા મોકલતાં ઘટનાની જાણ થઇઃ મનહરપુર ખાતે બનાવ બન્‍યોઃ સાત મહિનાની દિકરીએ પિતાનું છત્ર ગુમાવ્‍યું: પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૭: શહેરના કાલાવડ રોડ પર સયાજી હોટેલ નજીક ગંગોત્રી પાર્ક પાસેના આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં અને ઇવેન્‍ટ મેનેજમેન્‍ટનું કામ કરતાં મુળ કોડીનારના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પત્‍નિ પોતાના કામ પર હોઇ ત્‍યાંથી ફોન જોડતી હોઇ રિસીવ ન થતાં તેણે પરિચીતને ઘરે તપાસ કરવા મોકલતાં આ ઘટનાની જાણ થઇ હતી. કલેશને કારણે પગલુ ભર્યુ કે અન્‍ય કારણે? તે વિગતો બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ પર સયાજી હોટેલ નજીક આવેલી આવાસ યોજનામાં રહેતાં રીયાઝભાઇ ઇસુબભાઇ શેખ (ઉ.વ.૨૬) નામના યુવાને ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આપઘાત કરનાર રીયાઝભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તેના લગ્ન બે વર્ષ પહેલા મુંબઇની અલમાઝ નામની યુવતિ સાથે થયા હતાં. સંતાનમાં સાત મહિનાની દિકરી છે.

વધુ વિગત મુજબ રીયાઝભાઇ મુળ કોડીનારનો વતની હતો. તેના પિતા માછીમારીનો વ્‍યવસાય કરે છે. પોતે અહિ પત્‍નિ સાથે રાજકોટ રહી ઇવેન્‍ટ મેનેજમેન્‍ટનું કામ કરતો હતો. પત્‍નિ પણ નોકરી કરે છે. ગઇકાલે બપોર બાદ પત્‍નિ પતિને ફોન જોડતી હોઇ વારંવાર કોલ કરવા છતાં રિસીવ ન થતાં તેણે પરિચીતને ઘરે તપાસ કરવા મોકલતાં દરવાજો અંદરથી બંધ હતો. ખખડાવવા છતાં દરવાજો ખોલાતો ન હોઇ પત્‍નિ પણ ઘરે પહોંચી હતી. બાદમાં પોલીસને બોલાવી દરવાજો તોડાવતાં અંદર રીયાઝભાઇ લટકતી હાલતમાં મળ્‍યો હતો. ૧૦૮ના તબિબે તેને નિષ્‍પ્રાણ જાહેર કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. તાલુકા પીએસઆઇ ડી. જે. જોષીએ જરૂરી કાર્યવાહી હતી. કારણ જાણવા તપાસ યથાવત રખાઇ છે.

(12:03 PM IST)