News of Tuesday, 30th June 2026
RMC નાં ૨૪ લાખના વીડિયોગ્રાફી બિલ પ્રકરણનાં ગાંધીનગર સુધી પડ્યા પડઘા : રાજકોટ કમિશનર અને મેયર પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માંગશે આકરો ખુલાસો
જંગલેશ્વર ડિમોલિશનમાં માત્ર બે હજાર મેળવનાર કેમેરામેનના ધડાકાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારની પોલ ખુલી! : કૌભાંડના ઘેરા પડઘા પડતાં સરકાર એક્શન મોડમાં : હોદ્દેદારોને ગાંધીનગરનું તેડું

ગાંધીનગર:રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના શાસનકાળ દરમિયાન સામે આવેલા જંગલેશ્વર વિડિયોગ્રાફી બિલ કૌભાંડની ગંભીર નોંધ લઈને હવે રાજ્ય સરકારે આકરા તેવર અપનાવ્યા છે. પાટનગરના સચિવાલય સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ ચકચારી નાણાકીય ગેરરીતિની વિગતો બહાર આવતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટના પદાધિકારીઓ તેમજ ઉચ્ચ વહીવટી તંત્રને તાકીદે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. સચિવાલય ખાતે યોજાનારી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરકાર આ ગંભીર ભ્રષ્ટાચારના મુદ્દે આરએમસીના સત્તાધીશોની આકરી ઝાટકણી કાઢીને સમગ્ર મામલાની ઝીણવટભરી સમીક્ષા કરશે તેમ પ્રાથમિક જાણવા મ્દિ રહ્યું છે.
રોજિંદા વેતન પર કામ કરનાર સામાન્ય નાગરિકે ખોલી તંત્રની પોલ:
જંગલેશ્વર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી દબાણ હટાવવાની વ્યાપક ઝુંબેશ દરમિયાન સત્તાવાર વીડિયો રેકોર્ડિંગની કામગીરી કરનાર સ્થાનિક વિડિયોગ્રાફર મુકેશ ચૌહાણે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેણે જાહેરમાં વિસ્ફોટક વિગતો આપતા જણાવ્યું કે, તેણે આ સાઇટ પર માત્ર એક જ દિવસ સેવા આપી હતી અને તેના બદલામાં તેને માત્ર ૨,૦૦૦ રૂપિયાનું દૈનિક વેતન મળ્યું હતું. આમ છતાં, વહીવટી તંત્રે આંખે પાટા બાંધીને આ કામગીરીનું કુલ બિલ રૂ. ૨૪ લાખ જેવી તોતિંગ રકમનું બનાવી દેવાયું હતું એટલું જ નહીં, આ શંકાસ્પદ રકમ કોન્ટ્રાક્ટરના ખાતામાં ચૂકવી પણ દેવામાં આવી હતી.
વાસ્તવિક ખર્ચ ૭ લાખ, તો બાકીના લાખો રૂપિયા ક્યાં ગયા?
તકનીકી અને આંતરિક આંકડાકીય વિગતો મુજબ, આ ડિમોલિશન પ્રક્રિયામાં અલગ-અલગ તબક્કે કુલ ૩૦૫ કેમેરામેન તૈનાત હોવાનું ચોપડે દર્શાવાયું છે. બજારના ભાવ મુજબ આ તમામ કેમેરામેનનો વાસ્તવિક અને વ્યાજબી ખર્ચ વધુમાં વધુ ૬ થી ૭ લાખ રૂપિયાની મર્યાદામાં જ પૂરો થઈ જાય તેમ છે. તેવામાં નિયમોને નેવે મૂકીને ૨૪ લાખ રૂપિયાનું તોતિંગ બિલ કઈ રીતે પાસ થઈ ગયું અને જનતાની પરસેવાની કમાણીના નાણાં કોના ખિસ્સામાં સરકાવી દેવાયા, તે મોટો સવાલ છે. આ ગંભીર બાબત સામે આવતાં જ કોર્પોરેશન દ્વારા ભીનું સંકેલવા ઉતાવળે એક તપાસ સમિતિ પણ નીમવામાં આવી છે.
મેયર અને કમિશનરે સચિવાલય સમક્ષ રજૂ કરવો પડશે રિપોર્ટ:
આ વિડિયોગ્રાફી કૌભાંડ સોશિયલ મીડિયા અને રાજકીય આલમમાં ચર્ચાનો વિષય બનતા જ મુખ્યમંત્રી ઓફિસ સીધી સક્રિય થઈ છે. ગાંધીનગરની આ મહત્વની બેઠકમાં રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૂબરૂ હાજર રહીને સમગ્ર બોગસ બિલિંગ પ્રકરણની ફાઇલ અને અત્યાર સુધી કરાયેલી વહીવટી કાર્યવાહીનો સત્તાવાર રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવો પડશે. ઉચ્ચ કક્ષાએથી મળતા સંકેતો મુજબ, સરકાર આ મામલે ઝીરો ટોલરન્સ દાખવીને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કડક કાયદાકીય પગલાં ભરવાના મૂડમાં છે.
(2:32 PM IST)










