તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
સિક્યુરીટી ગાર્ડને છરી ઝીંકી લૂંટનો ભેદ ખુલ્યોઃ મઢી શીવપરાના સાહિલ અને આર્યન ઝડપાયા
અમીન માર્ગ હીંગળાજનગરના ઢોળા પાસે બાંધકામની સાઇટ પર બનાવ બન્યો હતો : ડીસીબીના જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર અને મહાવીરસિંહ જાડેજા તથા ગોપાલભાઇ પાટીલની બાતમીથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૪: બે દિવસ પહેલા અમીન માર્ગ પર બાંધકામની સાઇટ પર સિક્યુરીટી ગાર્ડ કમલેશભાઇ ડોડીયા પાસે બે શખ્સોએ આવી ‘કાકા કેટલા વાગ્યો?' તેમ કહી સમય પુછતાં કમલેશભાઇએ પોતાનો મોબાઇલ ફોન કાઢી તેમાં જોઇને સમય કહ્યો હતો. તે સાથે જ આ શખ્સો તેનો મોબાઇલ ફોન લૂંટીને ભાગ્યા હતાં. કમલેશભાઇએ પીછો કરતાં તેને છરીના ઘા મારીને બંને ભાગી ગયા હતાં. આ ગુનો ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી હનુમાન મઢી પાસે શીવપરામાં રહેતાં બે શખ્સને પકડી લીધા છે.
શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી બે શખ્સોને પકડી લઇ બે મોબાઇલ ફોન, પ્લાસ્ટીકના હાથાવાળી છરી અને પ્લેટીના બાઇક કબ્જે કર્યા છે. પોલીસે મઢી પાછળ એરપોર્ટ રોડ પર શીવપરામાં રહેતાં સાહિલ ફિરોઝભાઇ સુમરા (ઉ.વ.૨૭) અને આર્યન રાજેશભાઇ કાલે (ઉ.વ.૧૮)ને પકડી લીધા છે. ડીસીબીના હેડકોન્સ. જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર અને મહાવીરસિંહ જાડેજા તથા ગોપાલભાઇ પાટીલની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ એએન. પરમાર, એસ. વી. ચુડાસમાની રાહબરીમાં જયદેવસિંહ, કૃષ્ણદેવસિંહ, મ્યુરધ્વજસિંહ સહિતે આ કામગીરી કરી હતી.
(3:58 PM IST)










